4 એપ્રિલે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં અબુધાબીમાં BAPSના હિન્દુ મંદિર, સનાતન સંસ્કૃતિ અંગે સંતો-મહંતોને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પરમપૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી સાથે સુંદર વાતચીત થઈ, જેમણે BAPSના મંદિર નિર્માણ અંગે સૌકોઈને માહિતી પૂરી પાડી હતી.
ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ શ્રી સી.બી. પટેલે કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, આજે 21મી સદીના નૂતન ભારતમાં સનાતન ધર્મનું નવું સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. ગઈ સદીના અંતિમ ભાગમાં પરમ આત્મા પ્રમુખસ્વામીએ મધ્ય-પૂર્વમાં એક સંકલ્પ કર્યો હતો, કે ત્યાં BAPS દ્વારા એક સનાતન હિન્દુ મંદિર ઊભું કરવામાં આવે. તેમનું આ સ્વપ્ન લગભગ અશક્ય હતું, પરંતુ તે આજે સાકાર થયું છે. મહત્ત્વનું એ છે કે 21મી સદીનાં પ્રથમ 25 વર્ષમાં જ એ આપણે જોઈ શકીએ છીએ, તેનો મને આનંદ છે.
આજે પવિત્ર આત્મા પરમપૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી ઉપસ્થિત હોવાથી હું વિશેષ આનંદ અનુભવું છું. વિશ્વમાં અનેક સંપ્રદાયો અને ધાર્મિક પ્રથાઓ છે, પરંતુ સનાતન ધર્મમાં BAPS આગવું કામ કરી રહ્યું છે. BAPS માત્ર આધ્યાત્મિક સંસ્થા નથી, એ અનેક પ્રકારે વિશ્વભરમાં અનેકવિધ અનુદાન કરે છે. મને અત્યંત આનંદ છે કે આજથી 45 વર્ષ પહેલાં લેસ્ટરમાં મેં એક યુવાનને જોયો, જ્યારે તે યુવાનની આંખો અને પ્રમુખસ્વામીની આંખો મળી તેનો હું સાક્ષી છું. તે સમયે યુવાનના પિતાને હું કાકા કહેતો હતો. આજે તેઓ પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી સ્વરૂપ અત્રે ઉપસ્થિત છે. મારી અંગત વિનંતીના પરિણામે આજની સોનેરી સંગતની શરૂઆત પરમપૂજ્ય પરમતત્ત્વસ્વામીની પ્રાર્થના દ્વારા કરીશું.
પ.પૂ. પરમતત્ત્વ સ્વામીએ સૌપ્રથમ સી.બી. પટેલ અને હાજર સૌકોઈનો આભાર માનતાં જણાવ્યું કે, આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. જ્યારે આપણે આજે બ્રહ્મવિહારી સ્વામી પાસેથી અબુધાબી મંદિરની વિશેષ વાતોનો લાભ લેવાના છીએ, ત્યારે આપણે ઉપનિષદની એક પ્રાર્થનાનું સ્મરણ કરીએ. ઉપનિષદની પ્રાર્થના હંમેશાં ગુરુ-શિષ્યની પ્રાર્થના હોય છે, કારણ કે ઉપનિષદ જ ગુરુ અને શિષ્યનો સંબંધ છે. ‘ઉપ-નિ-ષદ’ ગુરુની પાસે જઈને જ્ઞાનપ્રાપ્તિ કરવી, તેનો હાર્દ જ ઉપનિષદ છે. જ્યારે ગુરુ અને શિષ્ય બંને ભેગા થઈને ભગવાનની પ્રાર્થના કરે છે, ત્યારે તે પ્રાર્થનાનો પણ વિશેષ મર્મ આપણને પ્રાપ્ત થાય છે. આપણે સાથે પ્રાર્થનાનો પાઠ કરીએ.
‘ૐ સહ નૌ અવતુ, સહનૌ ભુનકતુ, સહ વીર્યમ્ કરવા વહૈ, તેજસ્વિ નૌ અવધિતમ્ અસ્તુ, મા વિદ્વિષાવહૈ, ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ’
આ પ્રાર્થના વિશેષ એટલા માટે પણ છે કે તેમાં દ્વિવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ગુરુ અને શિષ્ય ભેગામળીને ભગવાનની પ્રાર્થના કરે છે કે, ‘હે પ્રભુ-હે ઇશ્વર, તમે અમારા બંનેનું ભલું કરો, પોષણ કરો. અમારા બંનેનો વિકાસ થાય, અમે બંને તેજસ્વી બનીએ, અમે બંને વીર્યવાન બનીએ. અમે બંને ક્યારેય પરસ્પર દ્વેષ ન કરીએ. બધાનું ભલું થાય.’ શિષ્ય તો પ્રાર્થના કરે જ છે પણ ગુરુ પણ સાથેસાથે પ્રાર્થના કરે છે એ બતાવે છે કે, ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો એકમેક થઈ જાય છે. શિષ્ય માટે ગુરુ સર્વસ્વ બની જાય છે. આધ્યાત્મિક સાધના માટે ગુરુ જ સ્ટાર્ટિંગ પોઇન્ટ છે, ગુરુ જ સેન્ટર પોઇન્ટ છે અને ગુરુ જ કોમ્બિનેશન પોઇન્ટ છે. અમારું સાળંગપુરમાં પ્રશિક્ષણ કેન્દ્ર છે. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં જે યુવાન સાધુ થવા માટે આવે ત્યારે ગુરુની આજ્ઞા મુજબ તેને સાધનાનું પ્રશિક્ષણ અપાય છે, જે ખૂબ સખત હોય છે. તે પ્રશિક્ષણનો આશય અને તેનું સૂત્ર સુંદર અને અર્થપૂર્ણ છે, ‘જ્ઞાન મુલમ્ ગુરુકૃપા, જ્ઞાન ફલમ્ ગુરુકૃપા.’ જ્ઞાનનું મૂળ અને તેનાથી મળતું ફળ ગુરુકૃપા છે.
સ્વામી પરમતત્ત્વસ્વામી બાદ શ્રી સી.બી. પટેલ દ્વારા સમસ્ત બ્રિટનના BAPS મંદિરોના મુખ્ય મહંત પરમપૂજ્ય યોગવિવેકદાસ સ્વામી આપણા વચ્ચે ઉપસ્થિત છે, જેમને વિનંતી છે કે તેઓ પણ અમને આશીર્વાદ આપે.
પૂજ્ય યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું કે, આજે પ્રથમ વખત ‘સોનેરી સંગત’માં આવવાનો અવસર મળ્યો. આપણને ખ્યાલ છે કે આજે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અબુધાબી મંદિર અંગે વિશેષ માહિતી આપણને સૌને આપવાના છે. આ મંદિર દ્વારા ભગવાનના આશીર્વાદથી, ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી આપણું આ કાર્ય થયું છે, જેમાં પરમપૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી નિમિત્ત બન્યા છે. સ્વામી બ્રહ્મવિહારી અને હું લેસ્ટર પૂર્વાશ્રમમાં સાથે જ હતા. બહુ નાની ઉંમરે પ્રમુખસ્વામી મહારાજે તેમના પર દૃષ્ટિ કરી અને તેમની પ્રેરણાથી 1981માં અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો તેમાં દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા ગ્રહણ કરતાં અમે પાર્ષદના સફેદ કપડાંમાં હોઈએ, ત્યારથી જ પ્રમુખસ્વામી મહારાજે તેમના પર ખૂબ મોટી જવાબદારી પણ મૂકી. 1985માં લંડનમાં ધ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા - ભારતીય સંસ્કૃતિનો એક બહુ મોટો ઉત્સવ અહીં 30 દિવસ એલેક્ઝાન્ડ્રા પેલેસના ગ્રાઉન્ડ પર યોજાયો હતો. તેમાં પણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રદર્શન અને અન્ય કાર્યક્રમના આયોજનમાં સહભાગી બન્યા હતા. જે બાદમાં દેશ-પરદેશમાં જે નાના-મોટા કાર્યક્રમો થયા, તે સિવાય ન્યૂજર્સી, અમદાવાદ, મુંબઈના આયોજનમાં પણ તેઓ સહભાગી બન્યા હતા. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, રોબિન્સવિલે-ન્યૂજર્સી અક્ષરધામ મંદિરમાં પણ પ્રમુખસ્વામી મહારાજના આદેશથી તેઓ જોડાયા હતા. સામાજિક કાર્યોમાં 2001માં કચ્છના ભૂકંપના રાહતકાર્યમાં પણ તેઓ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી જોડાયા હતા. આ જ પ્રકારે અબુધાબી મંદિરની શરૂઆત વર્ષ 1982થી થઈ ગઈ હતી. વર્ષ 1997માં પ્રમુખસ્વામી મહારાજે તેમને પૂછી લીધું હતું કે, ‘તમે શું કરો છો?’ અને સ્વામી બ્રહ્મવિહારીને તેમની સાથે જોડી લીધા. જેના ગણતરીના દિવસોમાં તેમની અબુધાબીની ફ્લાઇટ હતી. પ્રમુખસ્વામી મહારાજે જે સંકલ્પ કર્યો તે અંગે સ્વામી બ્રહ્મવિહારી પોતે જ પ્રકાશ પાડે તે વધારે ઉચિત રહેશે.
પૂજ્ય યોગવિવેકદાસ સ્વામીનો સત્સંગ માણ્યા બાદ સી.બી. પટેલ દ્વારા પ.પૂ. બ્રહ્મવિહારી સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું. આ અંગે સી.બી. પટેલે જણાવ્યું કે, પ્રભુ આપનાં દર્શન કરીને હું ધન્યતા અનુભવું છું. મને વર્ષ 1979, 1980 અને 1981 પણ યાદ છે, ’81માં હું પણ અમદાવાદમાં હતો. 1985માં આપણે એલેક્ઝાન્ડ્રા પેલેસમાં કરેલો ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પણ મને યાદ છે. આવા તો અનેક પ્રસંગ મને યાદ છે. આજે તમે એક નવા રૂપમાં આવ્યા છો અને એક નવા ઇતિહાસને આપ કંડારી રહ્યા છો. 27 વર્ષ પહેલાં આપના એક નમ્ર નિવેદનથી પ્રમુખસ્વામી બાપાએ એ રેતીના રણમાં એક શરૂઆત કરી. પુસ્તક પણ બે વાર વાંચ્યું. વિક્રમ વોહરાનું એ પુસ્તક અદભુત છે. ગુજરાત સમાચારમાં 4 પાનાંનો લેખ લખ્યો, મેં કોઈ પ્રસંગ કે ઘટના અંગે આટલું ક્યારેય લખ્યું જ નહોતું. જે પ્રકારે આખું એક સ્વપ્ન સાકાર કર્યું, ‘પ્રભુ મૂકો તો લેખો લખાય.’ મારી વિનંતી છે કે આ એક ઐતિહાસિક ઘટના 27 વર્ષ પહેલાં એ પ્રદેશમાં સનાનત હિન્દુ શિખરબદ્ધ મંદિર બને અને ભગવા કપડાંમાં કેટલાય સંતો-મહાત્માઓ ત્યાંના રાજા-રાજવીઓ સાથે મળે અને વાતો કરે તે એક સામાન્ય પરિવર્તન નથી. આપને મારી નમ્ર વિનંતી છે કે આપના જ્ઞાનનો લાભ અમને સહુને આપો.
બ્રહ્મવિહારી સ્વામી દ્વારા ઉપનિષદના શાંતિપાઠ દ્વારા તેમના જ્ઞાનનો ઘડો છલકાવવામાં આવ્યો હતો.
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।
શાંતિપાઠ બાદ બ્રહ્મવિહારી સ્વામીએ તમામ દેવો અને ગુરુને વંદન કરતાં કહ્યું, હું ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ પ્રમુખસ્વામી મહારાજની દૈવીય હાજરી સતત અનુભવું છું. તો સૌના વહાલા મહંતસ્વામી મહારાજ સતત કૃપાદૃષ્ટિ રાખી રહ્યા છે, માત્ર મારા પર જ નહીં પણ તમામ લોકો પર. જો કે હું મારા નજીકના સી.બી. પટેલ સાહેબની અમૂલ્ય હાજરીથી પણ અભિભૂત છું, કારણ કે તેમણે મને એક નાના બાળક તરીકે પણ જોયો છે. મેં તેમને મારા પર પ્રેમ વરસાવતા જોયા છે. આજે હું અહીં આપની વચ્ચે છું તેનું કારણ પણ સી.બી. પટેલ સાહેબનો પ્રેમ છે. કોઈ તેમનામાં પ્રેમનું પાસું ભલે જોઈ ન શકે, પરંતુ તે મેં જોયું છે. અને મેં તેમનો પ્રેમ અનુભવ્યો પણ છે. તેઓ મૂળભૂત પટેલ સ્વરૂપ છે, જેમ છે તેમ ચોખ્ખેચોખ્ખું કહી દે, ભલે તે ભગવાન હોય! જો કે આવા લોકો પર જ ભગવાનનો પ્રેમ વધારે હોય. તમારા આ ગુણોની હું પ્રશંસા કરું છું, તેથી જ તમે મારા માટે પ્રેરણારૂપ છો. આ ઉંમરે તમે આટલું બધું કાર્ય કરો છો! આ ઉંમરે તમારે વિશેષ શું જરૂર છે? તમે તે બધું જ પામ્યું અને મેળવ્યું છે, જે એક સામાન્ય માણસ વિચારી જ શકે છે. તમારામાં પ્રેમ અને ભાવનો સમુદ્ર છે અને તેથી જ તમે અમારા જેવા નાના-નાના સંતોને રાખી શકો છો, સાચવી શકો છો, આદર આપો છો. હું માનું છું કે, આપનું વ્યક્તિત્વ પ્રમુખસ્વામી અને મહંતસ્વામીનાં મૂલ્યોને ચરિતાર્થ કરે છે.
પ્રમુખસ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ અમને સહુને શિખવાડતા હતા કે, આધ્યાત્મિક માર્ગ પર સાધુ અને ગૃહી વચ્ચે કોઈ તફાવત નથી. જેના હૃદયમાં જગતના વિચાર ઓછા થતા હોય તે ધાર્મિક રીતે આગળ છે. તો એવું ન વિચારો કે તમે ભગવા નથી પહેર્યાં. આપણને લાગે કે જે સૈનિક હોય તે જ દેશની સેવા કરી શકે? ના, આપણે બધા જ સૈનિકો છીએ. તમે દેશનું ગૌરવ વધે તે રીતે પ્રામાણિકપણે ધંધા-રોજગાર ચલાવતા હો તો તમે પણ સૈનિક છો. તમે અભ્યાસ કરતા હો અને દેશનું ગૌરવ વધી શકે એવું ભણી શકતા હો તો તમે પણ એક સૈનિક છો. તમે એક આદર્શ પતિ છો, જે પત્ની અને બાળકોનું ધ્યાન રાખી રહ્યા છો અને રક્ષણ કરી રહ્યા છો તો તમે દેશને જ બચાવી રહ્યા છો. તમે કોઈ ધર્મમાં માનતા હો, કે નાસ્તિક હો પણ તમે જો મૂલ્યોની રક્ષા કરો છો તો તમે દેશના સૈનિક છો. તમે જો તમારા દેશ અને દેશવાસીઓ માટે ગૌરવ અપાવનારું કોઈ કાર્ય કરો છો તો તમે આપણા દેશના સૈનિક જ છો.
શાસ્ત્રો મંદિરમાં ગ્રેટ છે, તમારા હાથમાં શાસ્ત્રો તેનાથી પણ વધુ ગૌરવ વધારનારાં છે, કારણ કે તમે તેને વાંચો છો. શાસ્ત્રો સૌથી વધુ ગૌરવાન્વિત અને સુંદર ત્યારે છે જ્યારે તે તમારા મનમાં છે. ઘણા લોકો શાસ્ત્રો યાદ રાખે, આખી ગીતા મોઢે બોલે, શ્લોકોની રમઝટ બોલાવે છે. પણ જ્યારે તમે તેને અમલમાં લાવો છો ત્યારે તે ગ્રેટેસ્ટ છે. ગુરુ જે આપણને કહી જાય અને આપણે યાદ રાખીએ તે પણ આપણે સમજવાનું જ છે.
પ્રમુખસ્વામી મહારાજ જે-જે શબ્દો બોલતા તે સંકલ્પોને ચરિતાર્થ કરવા છે તે જ આપણે ખરેખર સમજવાનું છે. વ્હોટ ધ ગુરુ મીન્સ, વ્હોટ ધ ગુરુ ઇઝ અને હુ ધ ગુરુ ઇઝ, ધ પાવર ઓફ ગુરુ. ગુરુ એટલે કોઈ ભગવાધારી હોય તેવું હું કહેવા માગતો જ નથી, તમે તમારાં માતા-પિતાને ગુરુ માનો અને તેના શબ્દો ચરિતાર્થ કરો. તમે તમારા ખૂબ આગળ વધી ગયેલા હોશિયાર દીકરાને ગુરુ માનતા હો તો તેના શબ્દોને ચરિતાર્થ કરો. ખરેખરી ગુરુભક્તિ એટલે શબ્દો ચરિતાર્થ કરવા.
દુબઈના મારા રૂમમાં મેં પ્રમુખસ્વામીના ફોટો એમ જ નથી લગાવ્યા, તેઓ વારંવાર કહેતા હતા કે, તમારી પાસે હજારો વિચારો હોય તેમાંથી એક વિચાર જે તમારે અપનાવવો છે તેમાંથી એક છૂટો કરો. એક હજાર પુસ્તકો વાંચવા કરતાં એક સારું પુસ્તક હજાર વખત વાંચવું સારું. એક હજાર શબ્દો બોલવા કરતાં એકનો એક શબ્દ હજાર વખત બોલવો સારો. એટલે જ હજાર વિચાર કરવા કરતાં એક સારો વિચાર જે તમારા-અન્ય લોકોના જીવનમાં અને સમાજમાં પરિવર્તન લાવી શકે તેવો વિચાર હજાર વખત તમારે કરવો જોઈએ. તો એક વિચારને અનુસરો. તે વિચારનું સ્વપ્ન જુઓ, પછી તે વિચારને તમારા લોહીમાં વહેવા દો. તે વિચારને હજાર વખત અનુભવો તો તમે તેને ચરિતાર્થ કરી શકો છો.
પ્રમુખસ્વામીના બીજા ફોટોમાં અભયમુદ્રા છે, શું તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરવા માગો છો? તો અભય થઈ જાઓ. આ દુનિયામાં જેમ જ્ઞાન વધતું જાય છે, તેમ ડર વધતો જાય છે. પાષાણયુગનો માનવી જરાપણ ડરપોક હતો જ નહીં, તેને ખબર જ નહોતી કે કેટલા રોગો છે, કેટલા જંતુ છે. તે જંગલના નકશો કે પ્રાણી અંગે પણ અવગત નહોતો કે પાછળ સિંહ છે કે વરુ છે. અત્યારે તમને આખો નકશો આપી દઉં અને કહી દઉં કે આ જંગલમાં 500 સિંહ છે અને અન્ય પ્રાણીઓ છે, તમે એમ જ ઉપડી જાઓ. શ્રદ્ધા અને નિર્ભયતાના કારણે આપણે આ પ્રાપ્ત કરીએ છીએ.
આપણને એવું લાગતું હશે કે આ કામ કેવી રીતે થાય, કારણ કે અબુધાબીમાં મંદિર કરવું તેનો સંકલ્પ કરવો! મને હજાર માણસોએ કહ્યું હશે કે, અહીં મંદિર શક્ય નથી. તે તમામ હજાર સારા લોકો અને પ્રેમાળ મિત્રોના મનમાં અમારા માટે હમદર્દી અને પ્રેમ છે, પરંતુ અબુધાબીમાં મંદિર બનવું એ બહુ અશક્ય, કેમ કે તે ઇતિહાસમાં બન્યું નથી. તમે વિચાર તો કરો કે એક મુસલમાન દેશના રાજાને સાથે લઈ તમે આવું ભવ્ય મંદિર કરો તે તમારી અને મારી કલ્પનામાં પણ નહીં હોય. સી.બી. તમે અને અન્ય તમામ લોકો પધારશો ત્યારે તમે કલ્પના પણ નહીં કરી હોય તેવું જોવા મળશે, કારણ કે ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું જ નથી.
પ્રમુખસ્વામી મહારાજની એક ખાસિયત હતી કે તેઓ ક્યારેય થાક્યા નથી અને તેઓ ક્યારેય રિટાયર્ડ નથી થયા. પ્રમુખસ્વામીનું જીવન જુઓ તો ખબર પડશે કે અબુધાબીનું મંદિર કેવી રીતે થયું. લોકો કહે છે કે, પ્રમુખસ્વામીએ 1200 મંદિર બાંધ્યાં, તમે એ મંદિરે દર્શન કરવા જાઓ તો પણ અડધી જિંદગી જતી રહે, બાંધવાની વાત તો દૂર છે. ક્યારેક તમારી પાસે સમય ન હોય, ક્યારેક તબિયત ખરાબ હોય, ક્યારેક ઇમર્જન્સી કામ આવી ચડ્યું હોય. તો પ્રમુખસ્વામી મહારાજને આ ગાળામાં આવું નહીં થયું હોય! આ 1200 પૈકી 1100 મંદિર પ્રમુખસ્વામીએ તેમના પ્રથમ હાર્ટએટેક પછી બનાવ્યાં છે, તો 1000 મંદિર પ્રમુખસ્વામીએ બાયપાસ પછી બનાવ્યાં છે. માણસ બાયપાસ બાદ પગથિયાં ચડતો બંધ થઈ જાય, પરંતુ ભગવાનને સાથે લઈને ફરનારા લોકો જ આવાં કામ કરી શકે. પ્રમુખસ્વામી મહારાજે જે સંકલ્પ કર્યો હતો તે કઈ પરિસ્થિતિમાં કર્યો હતો તેની વાત હું તમને કહું છું.
તમામ લોકોએ સમજવા જેવું છે કે એવું ક્યારેય માનવું નહીં કે, કંઈક નવું કરવા માટે હું ઘણો ઉંમરલાયક છું, અને ક્યારેય એવું પણ ન માનવું કે કંઈ કરવા માટે મારી પાસે અનુભવ નથી અને હું ઘણો નાનો છું. ક્યારેય એવું પણ ન માનવું કે ઇતિહાસમાં થયું નથી. તમને યાદ હશે આચાર્ય ક્રિપલાનીજીને ગાંધીજીએ અહિંસક આંદોલનની સલાહ આપી ત્યારે તેમણે આ અશક્ય હોવાનું જણાવી કહ્યું હતું કે, ‘ઇતિહાસમાં કોઈપણ યુદ્ધ કે આંદોલન હિંસાથી જ થયાં છે.’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘ચાલો ઇતિહાસ બદલીએ.’ બે પ્રકારના માણસો હોય છે, એક આપેલા અભિપ્રાયનું પાલન કરે છે અને બીજા જે નવા અભિગમ સાથે અભિપ્રાય આપે છે. પ્રમુખસ્વામી મહારાજ એવા લીડર છે જેમણે ઇતિહાસને બદલ્યો છે, અને તેમણે આધ્યાત્મિકતા માટે નવા અભિગમો મૂક્યા હતા.
એક માન્યતા હતી કે, વૃદ્ધો હોય તે જ સાધુ બને જુવાનિયા કોઈ ધર્મમાં જતા નથી. જ્યારે પ્રમુખસ્વામી પોપને 1984માં મળ્યા હતા, ત્યારે પોપે બહુ પ્રેમથી અને મિત્રતાભર્યા સ્વરે કહ્યું હતું કે, તમારી આસપાસ જે કોઈ સંતો છે તે જુવાન છે અને મારા તમામ કાર્ડિનલ તો વૃદ્ધ છે, તો તમે આ જુવાનિયાને સાધુ કઈ રીતે કરો છો? પ્રમુખસ્વામી મહારાજમાં એવું દૈવત્વ અને આધ્યાત્મિક પારદર્શિતા હતાં કે તેના આધારે આ તમામ સંકલ્પો થાય છે.
પહેલાની જેમ અત્યારે દુનિયાભરથી આવતા લોકો વિવિધ ભાષામાં એમ જ કહેતા હોય છે કે, સ્વામી, આ મિરેકલ છે, હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી. એક વ્યક્તિએ તો એવી ઉપમા આપી કે, ‘આ અનુભવ ચંદ્ર પર ઉતરાણ જેવો છે. સ્વામી આપે આ એક મંદિર બનાવ્યું તે કહી જાય છે કે હિન્દુઓમાં હિંમત છે.’ બીજી એક વાત એ પણ સાબિત થઈ કે, મુસલમાન પણ ઉદાર છે. વિચાર તો કરો પ્રમુખસ્વામીના આ સંકલ્પે માણસમાત્રની વિચારવાની ઘરેડ બદલાય છે.
પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મંદિરનું ઉદઘાટન કરવા આવ્યા ત્યારે મને ભેટીને એક વાક્ય કહ્યું, ‘ભારતવર્ષ હજારો વર્ષો સુધી આપ સૌના આભારી રહેશે. તમે લોકોમાં વસતી માનવતાની વિચારધારાને બદલી છે, કે બે ધર્મ નજીક આવી શકે છે, બે દેશો નજીક રહી શકે છે અને માનવમાત્રની અંદર સંવાદિતા સર્જાઈ શકે છે. આ મંદિરની નિશાની છે.’ તેથી આ મંદિરને માત્ર આધ્યાત્મિક સ્થળ તરીકે ન જુઓ, તે વાસ્તવમાં આધ્યાત્મિક વૈશ્વિક સંવાદિતા છે.
પ્રમુખસ્વામી મહારાજે આણંદમાં મને કહ્યું હતું કે, ‘શું તું ફ્રી છે?’ ત્યારે મેં કહ્યું હતું કે, ‘ગુરુ પૂછે અને અમારી પાસે સમય ન હોય એ બને જ નહીં.’ આમ વગેરે-વગેરેમાં હું બાપાની સાથે દુબઈ ગયો છું, મારો તો નંબર જ નહોતો. હું નોંધપાત્ર રીતે કંઈ નથી અને મેં કશું કર્યું નથી, ભગવાને બધું કર્યું છે. બીજે ક્યાંય પ્રમુખસ્વામી મહારાજને ક્યાંય લઈ જઈ શકાય તેમ નહોતા, તેવી પરિસ્થિતિમાં શારજાહના અલ ખવાની ડેઝર્ટમાં તેમને લઈને ગયા. આ રણમાં સ્વામી બેઠા અને તે સમયે રેતીનું એક તોફાન આવ્યું, છતાં તેઓ ત્યાં જ બેસી રહ્યા. આ સ્થિતિમાં સ્વામીએ ‘આજ મારા ઓરડે’ કીર્તન ગાયું અને બાદમાં ધૂન શરૂ કરી. પ્રમુખસ્વામીએ એક પ્રાર્થના કરી કે, ‘દરેક ધર્મ એકબીજાની નજીક આવે’, બીજી પ્રાર્થના કરીએ કે, ‘દરેક દેશ વૈમનસ્યથી દૂર થાય અને પોતપોતાની રીતે આગવી પ્રગતિ કરે’. આ સાથે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, ‘દરેક દેશ, દરેક ધર્મ, દરેક સમુદાય એકસાથે આવે અને પ્રેમ-આદર કેળવે.’
પ્રાર્થના પૂર્ણ થતાં મને એક વિચાર આવ્યો, કારણ કે લંડનની હેન્ડ પ્રિન્ટ અને ફિંગર પ્રિન્ટ આ સંકલ્પમાં છે. મેં તેમને કહ્યું, બાપા યોગીજી મહારાજ 1970માં લંડન પધાર્યા, તે સમયે લોકો યોગીબાપાને ખુરશી સહિત ઉતારામાં લઈ જતા હતા ત્યારે યોગીબાપાએ ખુરશી નીચે મૂકવા લોકોને અપીલ કરી હતી. આ સમયે યોગીજી મહારાજે તેમને કહ્યું હતું કે, ‘તમારે મને આ ભૂમિનો સ્પર્શ નથી કરવા દેવો?’ આમ લોકોએ ખુરશી મૂકી, યોગીબાપાએ પગ ધરતી પર મૂક્યો એ પ્રસંગ મેં પ્રમુખસ્વામી આગળ યાદ કર્યો અને પ્રમુખસ્વામી મહારાજને કહ્યું કે, ‘બાપા આપને આ ભૂમિનો સ્પર્શ નથી કરવો?’ આમ સ્વામીનું મખમલનું ચંપલ ઉતાર્યું અને પગ મૂકતા પહેલાં તેમના જમણા પગનો અંગૂઠો મૂકી હસીને કહ્યું, ‘અબુધાબીમાં મંદિર થયું.’ અમારે તો અબુધાબી જવાનો સંકલ્પ જ નહોતો અને તે વખતે અમે બધા હસી પડ્યા.
આ ઘટનાને અમે ઘણી હળવાશથી લીધી હતી અને અમે હસી રહ્યા હતા. પછીના દિવસોમાં પણ વાત નીકળે કે ‘અબુધાબીમાં મંદિર’ ત્યારે અમે ખળખળાટ હસી પડતા હતા. તે સમયે અમે હસતા હતા અને અત્યારે પ્રમુખસ્વામી હસતા હશે, કારણ કે ‘મંદિર થયું’. આ સતપુરુષના સંકલ્પની તાકાત છે. આપ સૌને જે પ્રમુખસ્વામીએ કહ્યું હોય તે સત્ય થાય જ છે. સંસ્કૃતમાં એક કહેવત છે કે, આપણે સૌ બુદ્ધિશાળી વાતાવરણ જોઈને શબ્દ બોલતા હોઈએ છીએ, પરંતુ સતપુરુષ કોરું આકાશ અને ધગધગતો સૂર્ય જુએ અને બોલે કે વરસાદ થશે, તો વાદળાં આવે અને વરસાદ થાય. अर्थं परमाणु धावति - શબ્દની પાછળ અર્થ બને છે. આપણે સત્ય બોલીએ છીએ અને સતપુરુષ સત્યનું સર્જન કરે છે. સતપુરુષ બોલે તે પ્રમાણે અર્થ સર્જાય છે. આવું પ્રમુખસ્વામીના શબ્દમાં સત્ છે, કારણ કે નિઃસ્વાર્થ સંકલ્પ છે. સંકલ્પ શાંતિનો, સંવાદિતાનો. જે સમયે દેશો નાના-નાના અવસરમાં પણ છૂટા પડતા હતા, ત્યારે આ મંદિર માટે સ્વામીએ આ સંકલ્પ કર્યો.
જ્યારે અમારે આગળ આવવાનું થયું તે પહેલાં એક વિલા લીધો, જેમાં ભજન-ભક્તિની શરૂઆત કરી. તે સમયે તે દેશના કાયદા હતા કે રેસિડેન્શિયલ એરિયામાં તમે ધાર્મિક કાર્ય કરી ન શકો. આ જોગવાઈના કારણે આપણને એક નોટિસ મળી, જે રહેણાક વિસ્તારમાં ધાર્મિક સભા કરવા અને વચ્ચેની એક દીવાલ ભક્તો દ્વારા હટાવવા મુદ્દાની હતી.
આ નોટિસ મળતાં અમે વિચાર કર્યો કે શું ઉપાય કરવો, આપણે જાણીજોઈને નહીં પણ નિર્દોષપણે ભૂલ કરી છે. આ અંગે ફરતાં ફરતાં હું શેખોની મજલિસમાં ગયો, જ્યાં 50 જેટલા શેખ બેઠા હતા, જેમણે પહેલી જ વાર કોઈ ભગવાધારી સાધુને જોયા હતા. આ સમયે એક શેખે મને પૂછયું હતું કે, ‘તમારા કપડાં ઓરેન્જ કેમ છે?’ આ પ્રશ્ન અત્યાર સુધી કોઈએ મને પૂછયો નહોતો. મેં મારી સમજણપૂર્વક જવાબ આપ્યો, ‘આ રંગ ત્યાગનો છે. મહામહિમ અમે હિન્દુ છીએ. જ્યારે અમે મૃત્યુ પામ્યા ત્યારે અમે લગ્ન કર્યાં નહોતાં, અમારો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અમે અગ્નિનો રંગ અમારા શરીર પર ધારણ કર્યો છે, આ પીળો, નારંગી કે લાલ રંગ અમને એ સતત યાદ કરાવે છે કે, આપણે દરરોજ, દર કલાકે, દર મિનિટે, દર સેકન્ડે મરી રહ્યા છીએ. અમે અમારો દેહ અર્પણ કરી તેનો ત્યાગ કરી દીધો છે, અમે પહેલેથી મૃત્યુ પામી ચૂક્યા છીએ. તેથી આ રંગ અમને એ પણ યાદ અપાવે છે કે, તમામ લોકોનું જેટલું સારું કરી શકીએ તે કરવું.’
મારા જવાબથી તે તમામ આશ્ચર્યમાં ગરક થઈ ગયા. મને પણ ખબર નહોતી કે મજલિસમાં વાત ન થાય અને માત્ર મોઢું બતાવવાનું હોય. તમે ત્યાં જઈને કોઈની સાથે વાર્તાલાપ ન કરી શકો તે મજલિસ. મને ખબર નહોતી અને મેં વાતચીત કરી, જેનાથી પ્રભાવિત થઈ તે રાજી થયા અને થોડા પ્રશ્નો મને પૂછયા. બાદમાં ત્યાં પહોંચવા માટેનું કારણ પૂછયું. જે અંગે મેં નોટિસ મળી હોવાનું જણાવી કહ્યું કે, અમે આ ભૂલ કરી છે, જે અમારો ઇરાદો નહોતો. જે બાદની એક જ સેકન્ડમાં તેમણે કહ્યું, ‘આજથી તમારો આ વિલા લીગલ.’ આશ્ચર્ય સાથે મેં પૂછયું, ‘કેવી રીતે શક્ય બને?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તમારા જેવી પ્રામાણિક વ્યક્તિને મેં હજુ સુધી મજલિસમાં જોઈ નથી.’
મારે તમામને કહેવું છે કે, સત્ય કાયમ કામ કરે છે. અબુધાબીનું આખું મંદિર પ્રમુખસ્વામીના સત્ય પર નિર્ભર છે. અમારા ત્યાંના તમામ સત્તાધીશો સાથેના સંબંધ પણ સત્યના પાયાથી મજબૂત છે. પાયામાં પ્રખુખસ્વામીએ મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું હતું, જે વાત વારંવાર મને તેમણે કરી હતી કે, ધર્મ વાયરાની જેમ મંદમંદ હોવો જોઈએ, જેને બેસીને માણી શકાય. જો ઝડપી ગતિએ પવન વાશે તો લોકો પોતાની બારી બંધ કરી દેશે. ધર્મ સૌમ્ય હોવો જોઈએ, તમે જે કોઈ પણ છો - જેવા છો તે જ રૂપમાં અપનાવી પ્રેમ આપતો હોવો જોઈએ.
પ્રમુખસ્વામીની ખાસિયત હતી કે, તેઓ સૌને સ્વીકારતા હતા. જેમ તમે પવનમાં બેઠા હો અને તમને મજા આવે, એવી જ રીતે તેમના સત્સંગમાં બેસતા આનંદ થતો. તેઓ દરેક ધર્મ માટે સૌમ્યતા દાખવતા હતા. અક્ષરધામ પર હુમલા બાદ પ્રમુખસ્વામી એક શબ્દ નથી બોલ્યા, સહન કરવાની પરાકાષ્ઠા તો જોઈએને! સ્વામીએ આખા ધર્મનું સ્વરૂપ એકદમ સૌમ્ય બનાવ્યું છે, એટલે આ બધી વાત મેં રાજાઓને કહી છે.
વર્ષ 2013માં હું જ્યારે સાળંગપુર સ્વામીની પાસે ગયો, ત્યારે તેઓ બહુ ઓછું બોલતા હતા. તે સમયે અમે બાપાને પૂછયું હતું કે, ‘બાપા અમે બધા રાજા-મહારાજાઓને મળીએ?’ તેમણે કહ્યું, ‘મળો.’ મેં પૂછયું, ‘અમારે મંદિરની વાત કરવી?’ બાપાએ કહ્યું, ‘કરવી.’ મેં બાપાને કહ્યું, ‘બાપા આપણને ખબર નથી કે આપણે આ દેશમાં કંઈ કરીએ તો કાયમી કાંઈ થાય કે ન થાય.’ ત્યારે સ્વામીએ કહ્યું હતું કે, ‘તું જ કાયમી નથી, આ પૃથ્વી કાયમી નથી. ભગવાનને સંભાળીને કાર્ય કરવું, આગળ ભગવાન જોનારા બેઠા છે.’ પ્રમુખસ્વામી બાપાની ભગવાનમાં શ્રદ્ધા અદભુત હતી.
અબુધાબીના રાજાને પત્ર લખવા અંગે બધાએ મને કહ્યું હતું કે, રાજાને લખેલા પત્રમાં ‘મંદિર’ શબ્દનું પ્રયોજન ન કરતા. સેંકડો વર્ષથી આપણા વડવા મંદિર-મંદિર કરે છે, પરંતુ કંઈ પ્રાપ્ત થયું નથી. તેના બદલે કોમ્યુનિટી સેન્ટર, યૂથ સેન્ટર અથવા બેટર લીવિંગ સેન્ટરનો ઉલ્લેખ કરજો. આ અંગે જ્યારે પ્રમુખસ્વામી મહારાજને પૂછયું ત્યારે તેમણે કહ્યું કે, ‘આપણે સાચું બોલવું. આપણા મનમાં મંદિર બનાવવાની ભાવના છે, તો લખવું.’ તેમણે મને કહ્યું હતું, ‘જે જુઠ્ઠાણાથી શરૂ થાય છે, તે જુઠ્ઠાણા સાથે જ સમાપ્ત થાય છે.’ આ તમામ લોકોએ આજીવન યાદ રાખવા જેવો મંત્ર છે. જે માણસ મોટી પદવીએ પહોંચે તેને પ્રામાણિકતા અને સત્યની વધારે જરૂર અને ગરજ છે. આપણા જીવનમાં પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. આ આખા મંદિરના ત્રણ પાયા છે, સત્ય, પારદર્શિતા અને વિશ્વાસ.
આ જ સિદ્ધાંતોને વરીને અમે અબુધાબીના રાજાને પત્ર લખ્યો. એ વખતે મને એ પણ ખબર નહોતી કે દુબઈમાં કામ કરવું હોય તો અબુધાબીના રાજાને પત્ર ન લખાય. જો કે ભગવાનનું કરવું કે તેમનો જવાબ આવ્યો કે, ‘તમને અમે જમીન આપીશું.’ હવે અબુધાબીમાં તો અમારા એટલા હરિભક્તો જ નહોતા, ‘અબુધાબીમાં આપણે શું કરીશું?’ આ સમયે આખો સમાજ અમારી પાસે આવ્યો અને કહ્યું કે, ‘સ્વામી આ રાજાએ પહેલીવાર હા પાડી છે. આપે મંદિર શબ્દ લખ્યો અને મંદિર માટે હા પાડી છે, આટલો મોટો ઇતિહાસ ક્યારેય બને નહીં. આપ હા પાડો, અમે તમારી સાથે છીએ.’ જે પછી તો તમામ હિન્દુ સંપ્રદાય, જૈન સંપ્રદાય અને આર્ટ ઓફ લીવિંગ સહિતના વિવિધ સંપ્રદાયના લોકોએ આવીને કહ્યું કે, આ પ્રકારે મંદિર બનતું હોય તો ઐતિહાસિક અને તમામ માટે સાનુકૂળ થશે. આ તમામના અભિપ્રાયોથી આપણે હા પાડી. જો કે આપણી સક્ષમતા નહોતી. આ એટલા માટે કહું છું કે, મેં બધું નથી કર્યું, હું અનેકને વારંવાર મળ્યો અને આ અંગે વારંવાર જણાવ્યું.
જો કે નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા તે પહેલાં મેં તેમને વાત કરી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓએ મને પૂછયું હતું કે, ‘આપણા પેલા મંદિરનું શું થયું?’ મેં કહ્યું, ‘કશું નથી થયું.’ અને તેમની હિંમત જુઓ, તેમણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રથમ મુલાકાત નજીકના દેશ સાથે કરી અને તેમાં પણ મંદિરનો વિષય બહાર લાવ્યા, તે બદલ તેમને લાખોલાખો આભાર કરવા પડે.
પ્રધાનમંત્રી મોદી વિકાસમાં તો માને જ છે, પરંતુ તેઓ દેશની ઇકોનોમી, સુરક્ષા, આંતરિક સુરક્ષાની સાથે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પણ મજબૂત હોવી જોઈએ તેવું માને છે. જો આમ ન હોય તો કોઈ કોમ્યુનિસ્ટ કન્ટ્રી હોય તેવું ભારત થઈ જાય. આપણી પાસે સંસ્કાર, સંસ્કૃતિ અને મૂલ્યો છે તો તેની કદર કરો અને તેને બહાર લાવો. વર્ષ 2015માં તેમણે આ અંગે જાહેર કર્યું અને તે બાદ મંદિર કેવું હોવું જોઈએ તે અંગે ત્રણ વર્ષ જહેમત ઉઠાવી છે, કોઈ જાદુની લાકડી નથી ફેરવી. આ દુનિયામાં જો તમારે ચમત્કાર જોવો છે, તો તમે પોતે વિશ્વમાં એક ચમત્કાર છો. પ્રમુખસ્વામી વારંવાર કહેતા કે, ‘સૌથી મોટો ચમત્કાર જોવો હોય તો તમારી જાતને તમે ટ્રાન્સફોર્મ કરો તેનાથી મોટો કોઈ ચમત્કાર જ નથી.’
મોદી સાહેબે તેમને વિનંતી કરી બાદમાં 3 વર્ષ રાજાઓની અને ત્યાંની સ્થાનિક ઓફિસમાં ગયો. ત્યાંના કાયદામાં જોગવાઈ જ નહોતી કે કેવી રીતે મંદિરને જમીનની ફાળવણી કરવામાં આવે. એ લોકોએ ઉદારમતે એક ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો ‘ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ’, જેનું ઉદઘાટન કરવા જ હું ગયો હતો. આશ્ચર્યની વાત છે કે તે સમયે ત્યાં 1960થી 17 ચર્ચ અસ્તિત્વમાં હતાં, પરંતુ તે પૈકી કોઈની પાસે લાઇસન્સ જ નહોતું. મેં ત્યારે આગ્રહ કર્યો કે, અમે પ્રતિષ્ઠિત સંસ્થા છીએ અમને લાઇસન્સ સાથેના અન્ય દસ્તાવેજો આપો. આ માગણીને વશ થઈ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ દ્વારા એક જ દિવસમાં BAPS સહિત આ તમામ 17 ચર્ચને લાઇસન્સ આપવામાં આવ્યાં. આપણું બહુમાન કરવા ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ આપણે છેલ્લા એટલે કે અઢારમા હોવા છતાં લાઇસન્સ નંબર 001 આપવામાં આવ્યો.
આપણા સંતો માટે, આપણા કાયદા-કાનૂન કરવા માટે બધી જ રીતે અનુકૂળ થઈ રાજાઓએ પહેલાં BAPSને અઢી એકર જમીન ડેઝિગ્નેટ કરી, જેને 5 એકર કરી આપી. જો કે તે બાદ આ 5 એકર જમીનની પરત માગ પણ કરવામાં આવી, જે અંગે અમે ના પાડી શકીએ તેવી સ્થિતિ નહોતી. જો કે ત્યારબાદ અચાનક દુબઈ અને અબુધાબી વચ્ચે સાડા તેર એકર જમીનની જાહેરાત કરવામાં આવી.
અમે જ્યારે પ્લાન્સ લઈને પ્રેસિડેન્શિયલ પેલેસમાં 2018માં ગયા ત્યારે મોદીસાહેબને વારંવાર પૂછયું કે, સાહેબ આપણે કેવું મંદિર કરવું? એક નાના હોલ જેવું? કે આપણી સંસ્કૃતિને અનુરૂપ ભવ્ય કોતરણીવાળું મંદિર? આપ અને રાજા સાથે હો ત્યારે અમને કહો તો અમે પ્રેઝન્ટેશન કરીએ. મને યાદ છે કે 10 ફેબ્રુઆરી 2018એ પ્રેસિડેન્શિયલ પેલેસ કસર અલવતનમાં હીઝ હાઇનેસ શેખ મોહંમદ બિન ઝાયદ અલ નાહ્યાન, યુએઈના તમામ લીડર્સ અને હજારથી વધારે મહાનુભાવોની હાજરીમાં મહંતસ્વામીના નેતૃત્વમાં અમે ત્યાં ગયા અને બે નકશા બતાવ્યા - એક સાદો અને બીજો સંસ્કૃતિ પ્રમાણેના મંદિરનો.
અમારા મનમાં તો એમ જ હતું કે, આપણે બહારથી એક નોર્મલ બિલ્ડિંગ બનાવી અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી ભજન-ભક્તિ કરીશું. પરવાનગી મળી તે જ ઇતિહાસ હતો. જો કે રાજાની ઉદારતા જુઓ, જ્યારે અમે પેલેસની અંદર સાહેબને બતાવતા હતા, ત્યારે કોઈપણ આગ્રહ વગર રાજાસાહેબે કહ્યું, ‘જો મંદિર બનાવો છો તે મંદિર જેવું જ દેખાવું જોઈએ.’ મેં તે સમયે પણ રાજાસાહેબને કહ્યું હતું કે, આમાં મૂર્તિઓ આવશે, વનસ્પતિ આવશે, પશુ-પંખીઓ આવશે આ બધા આકાર છે. મેં ખૂબ સૂક્ષ્મતાથી આ બધી વાતો કરી. આ સમયે રાજાસાહેબે કહ્યું, ‘તમે મંદિર બનાવો ત્યારે હું આવીશ, મારાં બાળકો આવશે અને મારા પૌત્રો પણ આવશે.’ વિચાર તો કરો કેટલી ઉદારતા. આની દંતકથાઓ લખાશે કે, ‘એક હતો રાજા, જેનું હૃદય વિશ્વમાં સૌથી મોટું હતું.’
રામમંદિરનું નિર્માણ શરૂ થયું, તે સમયે પણ સાહેબે અમને કહ્યું હતું કે, ‘તમે ત્યાંની મુખ્ય કમિટીમાં સારામાં સારું મંદિર નિર્માણ થાય તે માટે સલાહ આપજો.’ તેમ અમે પણ તેનો એક ભાગ બન્યા હતા. મહંતસ્વામીએ પણ કહ્યું હતું કે, ‘અક્ષરધામ કરતાં પણ ભવ્ય અને સારું રામમંદિર થાય.’ પ્રમુખસ્વામી મહારાજે રામમંદિર માટે પ્રથમ ઇંટ મૂકી છે, અને એ પૂજન વખતે હું તેમની પાસે એક બાળક તરીકે બેઠો હતો. આ તરફ જ્યારે અબુધાબી મંદિરની શરૂઆત થતી હતી ત્યારે મહંતસ્વામીએ પોતે 2019માં તેના ખાતમુહૂર્ત માટે આવ્યા. મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર રાખવું તે સાહેબ અને અન્ય લોકોએ એકત્ર થઈને નક્કી કર્યું કે, ‘તે બધા માટે છે.’ આ એટલા માટે આપ સૌએ જાણવું પડે કે હું તમને કહું કે તમે તમારા ઘરે પ્રાર્થના કરો. જો તમે ઘરે પ્રાર્થના કરો છો તો તમારા પરિવાર માટે પ્રાર્થના કરશો. પણ હું તમને ચંદ્ર પર મોકલું અને પ્રાર્થના કરવાનું કહું તો તમે સમગ્ર વિશ્વ માટે પ્રાર્થના કરશો. તમારી જેમ ભૂમિ બદલાય છે તેમ તમારું પરિપ્રેક્ષ્ય પણ બદલાય છે. આપણને એકલાને મંદિર બનાવવાની મંજૂરી મળી હોય તો આપણે સૌનું મંદિર બનાવવું પડે. એટલા માટે જ 2019માં જ્યારે મહંતસ્વામીએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે ત્યાંના રાજાઓએ તેમને સ્ટેટ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા, પ્રથમ હિન્દુ સાધુ.
ત્યાં સુધી કે અબુધાબીની ગ્રાન્ડ મોસ્કમાં મહંતસ્વામીની 15 ફૂટ બાય 12 ફૂટની મોટી ઇમેજ મૂકવામાં આવી છે. આપ જ્યારે અબુધાબી આવો ત્યારે તે જોવાનું ચૂકશો નહીં. આ તેમની ઉદારતા છે. રાજાઓના મનમાં પણ છે કે, ‘આટલું મોટું મંદિર અહીં બનાવવું એટલે દેશ પર કેટલો મોટો વિશ્વાસ મૂક્યો કહેવાય’. તેમણે એમ કહ્યું હતું કે, ‘અમારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર.’ આપણે તેમને ઉદાર કહીએ છીએ, ત્યારે તેઓ કહે છે કે, જ્યારે દુનિયામાં ધ્રુવીકરણ થઈ રહ્યું છે ત્યારે આપ દ્વારા વિશ્વાસ મુકાયો તે ખૂબ મહત્ત્વનું છે.
હમણાં જ મોટા પ્રમાણમાં યહૂદીઓ દર્શન કરવા આવ્યા હતા. જે પૈકી એકે બહુ અદભુત વાત કરી. તેણે કહ્યું કે, ‘તમે આ સમયે મંદિર કરો છો તે બહુ મોટી વાત છે.’ મેં તેના કારણ વિશે પૂછતાં તેણે કહ્યું, ‘મેં ઇતિહાસમાં વાંચ્યું હતું કે, એક સમયે ઇજિપ્ત મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો - અંધાધૂંધી, મોંઘવારી અને દુકાળથી સામાન્ય જનતા પણ બહુ દુઃખી હતી, તે સમયે ઇજિપ્તની રાણી ક્લિઓપેટ્રાએ એક મંદિર બનાવવાની શરૂઆત કરી. આ સમયે બુદ્ધિશાળી લોકોએ તેને રોષ સાથે જણાવ્યું હતું કે, અત્યારે મંદિર થોડું બનાવાય? ત્યારે ક્લિઓપેટ્રાએ જવાબ આપ્યો હતો, મારા દેશના ઉત્થાન અને વિકાસ માટે જનતામાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાવવાં જરૂરી છે. જો મંદિર બની જાય છે તો લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગશે અને તેઓ દેશને વિકાસના માર્ગે લઈ જશે. દેશ એમ જ બનતો નથી. જ્યારે તમે દેશના લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસમાં વધારો કરો છો ત્યારે આખા દેશનું ફરી પુનરુત્થાન થાય છે. ક્લિઓપેટ્રાને તે સમયે આવો વિચાર આવ્યો હતો અને તમે આ સમયમાં મંદિર બનાવો છો. જેનાથી દેશ, સંસ્કૃતિ અને ધર્મ નજીક આવે છે, તો તમે માનવમાત્રની ગતિને પ્રોત્સાહિત કરો છો.’
આ મંદિર બન્યું ત્યારે રાજાઓને આપણે અહોભાવ સાથે કહ્યું હતું કે, આ દેશમાં નદીઓ નથી, અમે ગંગા, યમુના અને સરસ્વતીને લાવીશું. આ દેશમાં કોઈ આવું હાથ કોતરણીવાળું 10 હજાર વર્ષ જૂનું કોઈ કોતરકામ જ નથી, તેથી અમે કલા અને સંસ્કૃતિ ભારતમાંથી લાવીએ છીએ.
આ મંદિરનાં સાત શિખર ખૂબ મહત્ત્વનાં છે, તેના દ્વારા સેવન અમિરેટ્સને આપણા તરફથી કૃતજ્ઞતા પાઠવવામાં આવી છે. આ સાતેય શિખરમાં ડાબે તરફથી શરૂ કરીએ તો પહેલાં શિવ-પાર્વતી, બીજા શિખરમાં જગન્નાથજીની મૂર્તિ, ત્રીજા શિખરમાં રાધા-કૃષ્ણ, ચોથા શિખર નીચે અક્ષર પુરુષોત્તમ, પાંચમા શિખર નીચે તિરુપતિ બાલાજી, છઠ્ઠા શિખર નીચે ઐયપ્પાજી અને સાતમા શિખરની નીચે રામ પરિવારને સ્થાપિત કરવામાં આવ્યો છે. આમ સાતેસાત નોર્થ-ઇસ્ટ-વેસ્ટ-સાઉથમાં આપણા મુખ્ય દેવતાઓને સ્થાપિત કરવામાં આવ્યા છે. રામશિખરમાં રામાયણનું કોતરકામ કરવામાં આવ્યું છે, શિવ-પાર્વતી શિખરમાં શિવપુરાણ, એમ ભાગવત, ગીતા, મહાભારત, ભગવાન સ્વામિનારાયણનાં ચરિત્રો, તિરુપતિ અને ઐયપ્પાજીનાં ચરિત્ર કંડારવામાં આવ્યાં છે.
આ સિવાય આ મંદિરમાં 14 પ્રાચીન સંસ્કૃતિનાં મૂલ્યોની કોતરણી કરવામાં આવી છે, જેમાં માયન કલ્ચર, ઇજિપ્શિયન કલ્ચર, મેસેપોટિયમ કલ્ચર, યૂરોપિય કલ્ચર, એરેબિક કલ્ચર, આફ્રિકન કલ્ચર, ચાઇનીઝ કલ્ચર, ભારતીય કલ્ચર, બ્રિટિશ કલ્ચર અને અમેરિકન કલ્ચર આ તમામનાં પ્રેરણાત્મક એક-એક મૂલ્યની કોતરણી પણ કરાઈ છે. આમ માત્ર હિન્દુ સંસ્કૃતિ નહીં ‘वसुधैव कुटुंबकम’ના સૂત્રને ચરિતાર્થ કર્યું છે.
કોરોનાનો સમયગાળો શરૂ થતાં આખું વિશ્વ થંભી ગયું હતું. આ સમયે આપણા મુખ્ય દાતાઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા, આપણા પ્રખર હરિભક્ત અને મુખ્ય સ્તંભ રોહિતભાઈ હરિશરણે ગયા, અમારા પ્રોજેક્ટ ડિરેક્ટર જશબીરસિંહ પણ ધામે સિધાવ્યા. મહાતકલીફો ચારેતરફથી આવી રહી હતી. આવી તકલીફ માત્ર અમને નહીં, સમગ્ર વિશ્વને આવી હતી. રામને પણ વનવાસ થયો હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ અન્યનાં યુદ્ધ ખેલવાં પડ્યાં હતાં.
22 ડિસેમ્બર 2020એ મહંતસ્વામીએ નૈનપુરથી કોરોનાની પિક દરમિયાન મને એક પત્ર લખ્યો કે, અત્યાર સુધીનાં આપણાં જેટલાં મંદિરો થયાં છે, તેમાંથી અબુધાબી મંદિર પ્રથમ ક્રમનું હશે, જેનો આખી દુનિયામાં ડંકો વાગશે. જેનો નાદ ચંદ્ર અને મંગળ સહિત સમગ્ર બ્રહ્માંડમાં પણ સંભળાશે. આ સંવાદિતાનું ધામ બનશે. રાજા પોતે રખેવાળ બનશે અને આપને ચારેતરફથી સહકાર મળશે. તમે ધાર્યું પણ નહીં હોય ત્યાંથી સહકાર મળી રહેશે. અહીં દુનિયાના રાજદૂતો પણ આવશે. જો કે ત્યારે મંદિર બનાવવું કે નહીં તે પણ મોટો યક્ષપ્રશ્ન હતો.
મહંત સ્વામીએ આ પત્ર એવા સમયે લખ્યો હતો, જ્યારે ઇટલી અને ભારતથી પથ્થર કઈ રીતે લાવવો તે પણ વિકટ પ્રશ્ન હતો, કારણ કે સમગ્ર વિશ્વની ટ્રાન્સપોર્ટ સર્વિસ બંધ હતી. આ પત્ર મેં કોઈને બતાવ્યો નહોતો. મને થયું કે, આ પત્ર તેમણે મને લખ્યો છે, તો તેને હું મારા હૃદયમાં જ રાખું. પહેલાં હું મારી જાતને સાબિત કરું. ગુરુનાં વચન તમે ચરિતાર્થ કરી બતાવો તો કામનાં.
બધાએ મને કહ્યું હતું કે, સ્વામી આ શક્ય નથી. બંને દેશના રાજવી પુરુષો આવે, ફોરેન મિનિસ્ટર્સ આવે ને તેઓ એકસૂરે કહે કે, આ મંદિર અમારા માટે નેશનલ ટ્રેઝર છે. આવું મંદિર મહંત સ્વામીની ઇચ્છા અને ઘણા બધા સ્વયંસેવકોના પુરુષાર્થથી ઊભું થયું.
અમારે તકલીફ હતી કે, કોને લાવવા? તો જેણે લંડન મંદિર બાંધ્યું તેવા 77 વર્ષના બે યુવાન કાર્યકરો શગુનભાઈ પટેલ, મધુભાઈ પટેલ અને ઉલ્હાસભાઈ શુક્લા પોતપોતાનાં કાર્યો છોડીને આવ્યા અને આ સૂત્ર સંભાળ્યું હતું. સંતોએ પણ બે-બે વર્ષ રણમાં રહી સેવાકાર્ય સંભાળ્યું છે, તો તમામ સ્વયંસેવકોએ પણ નિઃસ્વાર્થપણે સેવા કરી છે. ત્યાં સુધી કે ભગવાન સ્વામિનારાયણનું નામસુધ્ધાં જાણતા નહોતા તેવા ભાવિકો દ્વારા પણ દાન આપવામાં આવ્યું. રાજાઓએ પહેલાં અઢી, પછી પાંચ અને છેલ્લે સાડા તેર એકર જમીન મંદિર માટે અને સાડા તેર એકર જમીન પાર્કિંગ માટે ફાળવી છે. સામાજિક જવાબદારી સમજી તેમણે આ તમામ જહેમત ઉઠાવી પહેલેથી છેલ્લે સુધી ખૂબ મદદ કરી છે. તેમની આ જહેમત માટે અમે તમામનો આભાર માનીએ છીએ, રમેશ રામક્રિષ્ણાનો 700 કન્ટેનર સેવામાં લાવવા બદલ આભાર માનીએ છીએ. ડીપી હોલનો આભાર માનીએ છીએ, જેણે કોઈ કન્ટેનરનો ડેમરેજ ચાર્જ ન લીધો. મહંતસ્વામીએ કહ્યું હતું કે, આપણને તમામ ધર્મની વ્યક્તિઓ દ્વારા પણ મદદ મળી રહેશે તે સાચું ઠર્યું.
મંદિરમાં પ્રવેશતાં જ આવતી વોલ ઓફ હાર્મની બોહરા સમાજે એકત્ર થઈને આપણને ભેટ આપી છે. યુએઈની સૌથી મોંઘી આ 3D પ્રિન્ટેડ વોલ છેક ટર્કીથી લઈ આવ્યા છે, તો પારસી સમાજે એકત્ર થઈને ઇમર્સિવ ટેન્ટ ઊભો કરી આપ્યો, ક્રિશ્ચન સમાજે એકત્ર થઈને સાઇનેજીસ કરી આપી. સમગ્રતયા જોવા જઈએ તો મંદિર માટે એક મુસ્લિમ રાજાએ જમીન દાનમાં આપી, જેના મુખ્ય આર્કિટેક્ટ ક્રિશ્ચન કેથોલિક છે, મંદિરની કન્સ્ટ્રક્શન કંપની પારસીની છે, મંદિરના પ્રોજેક્ટ ડિરેક્ટર શિખ હતા, મંદિરની ફાઉન્ડેશન ડિઝાઇન કરનારા બુદ્ધિસ્ટ હતા અને અમારા આ મંદિરના ચેરમેન જૈન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ છે BAPS હિન્દુ મંદિર.
ઉદઘાટન સમયે રાજા-રાજવીઓની હાજરીમાં પ્રધાનમંત્રી મોદીજી જ્યારે મંદિરનું ઉદઘાટન કરવા આવ્યા ત્યારે ખૂબ રાજી હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે, ‘આ ખૂબ મોટો ઇતિહાસ લખાઈ રહ્યો છે.’ કેબિનેટ સેક્રેટરી, ઉત્તરપ્રદેશના પૂર્વ ચીફ સેક્રેટરી અને વારાણસી કોરિડોર બનાવનારા દુર્ગાશંકર મિશ્રાએ એક સુંદર વાત કરી હતી કે, ‘સ્વામી રામમંદિર ભારત માટે અને દુનિયા માટે સૌથી મોટું આધ્યાત્મિક કાર્ય છે. રામમંદિર તો 500 વર્ષ પહેલાં હતું, જે ભારતની કલ્પનામાં પણ એટલા જ સમયથી છે. જો કે અબુધાબી મંદિર તો કલ્પનામાં પણ નહોતું. તે બની ગયું તો તેમાં મોટી દૈવીશક્તિ હશે.’ તેમની આ વાતને અમે પણ અનુમોદન આપતાં કહીએ છીએ કે તેનાથી મોટું ઐતિહાસિક અને આધ્યાત્મિક કોઈ કાર્ય છે જ નહીં.
અબુધાબી મંદિરના ઉદઘાટન દિવસે 65 હજાર ભારતીયો આવ્યા અને મહિનામાં સાડા ત્રણ લાખ ભક્તોએ દર્શન કર્યાં. હમણાં શિવરાત્રી થઈ, દક્ષિણ ભારતનો પણ એક મોટો ઉત્સવ થયો અને હવે રામનવમીની પણ અહીં ભવ્ય ઉજવણી અહીં થશે. ઉદઘાટન સમારોહમાં પહેલેથી મંદિરના નિર્માણમાં સંકળાયેલા રાજાના ચીફ ઓફ સ્ટાફ પણ આવ્યા હતા, જેમનો આભાર માનતાં મેં તેમને કહ્યું હતું કે, ‘અમને આ જમીન આપી તમે બહુ કૃપા કરી. તમે મંજૂરી આપી ત્યારે આપણે આવું સુંદર મંદિર કરી શક્યા છીએ.’ જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘આ તમારી પવિત્રતા છે, અમે તો માત્ર તમને જમીનનો નાનકડો ટુકડો આપ્યો હતો, જ્યાં તમે સ્વર્ગ ઉતાર્યું છે.’ તો આ નાનકડી કથા હતી અબુધાબી BAPS મંદિરની.
પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પથી, રાજાની ઉદારતાથી, પ્રધાનમંત્રી મોદીસાહેબની મક્કમતાથી અને મહંતસ્વામીની આધ્યાત્મિક શક્તિથી આ શક્ય બન્યું છે. જો તમે કૂદકો મારો અને તમે ચંદ્ર પર પહોંચી જાઓ તો સમજજો કે તે આપણા પગ નહોતા. આપણે કાર્ય કરીએ તેનાથી વધુ ફળ મળે, સંકલ્પ કરીએ તેનાથી વધુ સર્જન થાય અને પુરુષાર્થ કરીએ તેનાથી વધુ પ્રાપ્તિ થાય તો આપણે સૌએ નમ્રતાથી સ્વીકારવું પડે કે આપણે આ પૃથ્વીની શક્તિ બદલી શકતા નથી. આ તો ભગવાન અને સંતના સંકલ્પનું મંદિર છે.
બ્રહ્મવિહારી સ્વામીના પ્રવચન બાદ સી.બી. પટેલે અપાર આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, તમે તત્ત્વ, સત્વ અને મંદિરની વિશેષતાનાં સૂક્ષ્મ રીતે દર્શન કરાવ્યાં. અમે તો ખોબો માગ્યો હતો પણ તમે તો દરિયો આપ્યો. મારી ઇચ્છા છે કે 12 માર્ચ 2025ના રોજ અમારે લંડનમાં યુવાશક્તિને પ્રોત્સાહન આપતું એક સંમેલન રાખવું છે. આ કાર્યક્રમમાં BAPSની મદદ જોઈશે, જેમાં નેશનલ હિન્દુ ફોરમ અને સીટી હિન્દુ નેટવર્ક પણ આવશે. આપણી આવતીકાલ યુવાઓ પર નિર્ભર છે તેના માટે આ કાર્યક્રમ માર્ગદર્શક બની રહે તે મારો હેતુ છે. શાસ્ત્રી મહારાજ, યોગીબાપા અને પ્રમુખસ્વામીનાં એકસાથે દર્શન કરવાનો મને લહાવો મળ્યો છે, જેમનાં આશીર્વાદથી મારે ઘણાં સારાં કામ કરવાં છે. ઝૂમ ઈવેન્ટના અંતે ગ્રુપ એડિટર મહેશભાઈ લિલોરિયાએ આભારવિધિ કરી હતી.

