80 વર્ષ બાદ મુકામે પહોંચ્યો પત્ર

Wednesday 10th January 2024 05:42 EST
 
 

નવી દિલ્હી: આજના સોશિયલ મીડિયા યુગમાં ભલે પત્રો લખવાનું ચલણ ના રહ્યું હોય, પણ એક સમય હતો જ્યારે પત્રવ્યહાર જ માહિતી અને સમાચારના આદાનપ્રદાનનું મુખ્ય માધ્યમ હતું. આ અરસામાં એક વ્યક્તિએ પોસ્ટ કરેલો પત્ર 80 વર્ષના અંતે નિયત મુકામે પહોંચ્યો છે. આ ઘટના અમેરિકાની છે.
વાત 1943ની છે. ઈલિનોઈસના દંપતીને તેમના સંતાનના મૃત્યુ અંગે દિલસોજી પાઠવતો પત્ર મોકલાયો હતો. આ પત્ર લુઈસ અને લાવેના જ્યોર્જ માટે હતો. પત્રને લાંબા સમયથી પોસ્ટ ઓફિસમાં પડેલો જોઈને એક કર્મચારીને કૌતુક થયું અને તેણે જ્યોર્જ કુટુંબને શોધવા નિર્ણય લીધો. છેવટે તેણે પત્ર ઓરેગનના પોર્ટલેન્ડમાં વસતી જ્યોર્જ દંપતીની સ્વજન ગ્રેસને પહોંચાડ્યો. અને ગ્રીસે આ પત્ર લુઇસ-લાવેનાની પુત્રી જેનેટને પહોંચાડ્યો. પત્ર મળ્યા પછી જેનેટ જ્યોર્જે જણાવ્યું કે આટલા વર્ષે પત્ર આવવો તે જ મને તો માન્યામાં આવતું નથી. અમે બધા પત્ર જોઈને હેરાન હતા. અમે વિચારતા હતા કે આ પત્ર ક્યાંથી આવ્યો. પત્ર ખોલીને વાંચ્યો તો જેનેટને ખબર પડી કે તે 1943માં પોસ્ટ થયો હતો. જેનેટના માતાપિતાને તેમના કઝિને દિલસોજી પાઠવી હતી. તેમાં સંવેદના વ્યક્ત કરતાં લખાયું હતુંઃ અમને દુઃખ છે કે તમારી પ્રથમ દીકરી એવલિનનું સિસ્ટિક ફાઈબ્રોસિસથી નિધન થયું છે.


comments powered by Disqus