અચરજનું આંજણ આંજેલી આંખે દુનિયા જોઈએ ને રાજીપાની સાથે શુભત્વની અનુભૂતિ પ્રાપ્ત કરીએ

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 10th January 2024 07:10 EST
 
 

‘નાનુ, માસીને હમારે લીયે યે ટેન્ટ બનાયા...’ સવા બે વર્ષની અનન્યાએ મને કહ્યું. વાસ્તવમાં વાત એમ કે જેસલમેર જઈને આવ્યા બાદ એ ટેન્ટ બહુ યાદ કરતી, તો દીકરી સ્તુતિએ ફ્લેટના બેડરૂમમાં જ ફર્નિચર – શાલને જાતજાતના હૂકથી એને રાજી કરવા એક વ્યવસ્થા ઊભી કરી અને પછી તો એ રાજી રાજી થઈ ગઈ. ઘટના હવે શરૂ થાય છે. નાતાલની આગલી રાત્રે સ્તુતિએ એની ફ્રેન્ડ રાજવીને બોલાવી, એ બંનેએ ફરી આ પ્રકારે ટેન્ટ બનાવ્યો. કેક - આઈસ્ક્રીમ ને નાસ્તો કર્યાં. મોડે સુધી વાતો કરી અને એ ટેન્ટમાં જ ક્રિસમસ સેલિબ્રેશન કર્યું!

પ્રસંગ પારિવારિક છે, પરંતુ મારામાં પોઝિટીવિટીના અજવાળાં રેલાવનાર છે. વાત નાનકડી છે, થોડી મહેનત, થોડી સૂઝ અને થોડી કાળજીથી અનહદ પ્રેમ અને પ્રસન્નતાનું વાતાવરણ સર્જી શકાય છે. સવાલ આપણે રાજી થવું છે કે નહીં? તેનો હોય છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા એ કહેવત બોલવી અને આત્મસાત્ કરવી, જીવવી એ બંને વચ્ચેનો ભેદ સમજાય તો મૌજ મૌજ જ છે.
જે ઘટના અનન્યાને એની સવા બે વર્ષની ઊંમરે આનંદ આપે, એવી જ ઘટનાથી એમબીએ થનાર સ્તુતિ પણ આનંદ લઈ શકે એનું મહત્ત્વ છે. આવું ત્યારે જ થઈ શકે જ્યારે આપણી અંદર બાળપણ જીવંત હોય. મોટા ભાગે સમજણ વિકસતી જાય એમ એમ આપણી આંખોમાં રહેલું અચરજનું ઐશ્વર્ય લુપ્ત થતું જાય છે. નિર્દોષતા, સહજતા, સરળતા, નાની નાની વાતોમાંથી અનુભવાતો આનંદ, નાની ઘટનામાંથી પ્રગટતો પ્રેમ... આપણે એનાથી દૂર થતા જઈએ છીએ. વાસ્તવમાં ઘણી વાર મોટપની મજા લેવા જતાં મસ્તીની અને મહોબ્બતની મૌજથી આપણે દૂર થઈ જઈએ છીએ. સુખ–સુવિધા અને સમૃદ્ધિથી આનંદ મળે જ તે સાચી વાત છે, પણ એમાં નીચે ફૂદડી હોય છે - શરતો લાગુ... આ બધું જ ત્યારે મળે - ફળે જ્યારે મન ઠેકાણે હોય, મનમાં આનંદ–ઉત્સવ–મસ્તી હોય. મન–બુદ્ધિ-હૃદયમાં જો અંદરથી આનંદનો, ઉત્સાહનો, ઊર્જાનો દરિયો ઘુઘવતો નહીં હોય, નાની વાતો કે ઘટનામાંથી અસીમિત આનંદની પ્રાપ્તિ કરવાની ઈચ્છાશક્તિ નહીં હોય તો કશું નહીં થાય.

વર્ષ 2023 પૂરું થયું છે, દરેક સંવેદનશીલ માણસ પોતાના જીવનમાં વિવિધ ક્ષેત્રે નફાખોટના, શું મેળવ્યું-શું ગુમાવ્યું એના લેખાંજોખાં કરતો હોય છે, કરવા જ જોઈએ. સમય હોય કે પૈસા જાગૃતિપૂર્વક હિસાબ ન રાખીએ તો વહી જાય છે, ને વહી ગયા પછી સમજાય છે કે કશુંક મૂલ્યવાન જતું રહ્યું! આપણે પણ વિચારીએ, અનુભવો અને સ્મરણો આપણને શું આપી ગયા? શું આપશે?

વીતેલા વર્ષમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની અનેક ઘટનાઓ બની એની સાથે આપણા વ્યક્તિગત જીવનમાં પણ એવી ઘટનાઓ બની જેની અસર આવનારા વર્ષોમાં પડવાની છે. આપણે કારણ વિના, સ્વાર્થ વિના કોઈને પ્રેમથી મળ્યા એવું યાદ છે? આપણે પ્રિયજનને મળ્યા ને ભેટી પડ્યા પછી છુટા પડવાનું મન ન થાય એવું યાદ છે? આપણે પ્રિયજનને મળ્યા પણ વળગીને રડી કે હસી ના શક્યા એવું યાદ છે? આપણે કોઈ પ્લાનિંગ વિના પરિવાર કે પ્રિયજનો સાથે મસ્તી કરી, પ્રવાસ કર્યો - પ્રેમવર્ષામાં ભીંજાય એવું યાદ છે?
આપણે જે કાંઈ કમાયા એમાંથી આપણી આસપાસના જ જરૂરિયાતમંદ સુધી એનું સન્માન સચવાય એ રીતે એને મદદ પહોંચાડીને આપણે રાજી થયા એવું યાદ છે? અધૂરપ – ઓછપની વાર્તા માંડીને નહીં પરંતુ જે અણમોલ છે એવી પરમ તત્વની કૃપા આપણે પામ્યા અને જાગૃતિપૂર્વક એની અનુભૂતિ કરી એવું યાદ છે? જે સાધન છે, જે પરિસ્થિતિ છે, જે વાસ્તવિક્તા છે, એમાંથી જ સહજપણે અપરંપાર આનંદ પામ્યા એનું યાદ છે? આ યાદી બહુ લાંબી થઈ શકે... એની ગણના કરવા કરતાં નાની નાની ઘટનામાંથી આનંદ મેળવીએ, નાના નાના પ્રસંગોને ઉત્સવ બનાવી અને વીતેલા વર્ષના અનુભવો, સંવેદના, અનુભૂતિથી સભર થઈએ.
આપણે ઘરમાં કે ગાડીમાં નકામી વસ્તુ-કચરો રાખતા નથી, તો પછી મનમાં પણ શા માટે નકામાં વિચારો ને નકામા સ્મરણો રાખવા? અચરજનું આંજણ આંજેલી આંખે દુનિયાને જોઈએ, રાજી કરીએ, રાજી રહીએ, શુભત્વની - કૃપાની અનુભૂતિના દીવડા પ્રગટાવીએ, એના અજવાળાંને નવા વર્ષમાં ઝીલીએ.


comments powered by Disqus