એક માતા, બે કૂખ અને બે બાળકીઃ 50 મિલિયનમાં એકનો દુર્લભ કેસ

Wednesday 10th January 2024 05:37 EST
 
 

લંડનઃ વિશ્વમાં માતા ટ્વીન્સ અથવા તેથી વધુ એટલે કે ચારથી છ બાળકોને જન્મ આપે તેની કોઈ નવાઈ રહી નથી પરંતુ, એક માતા બે બાળકને જન્મ આપે અને અલગ અલગ ગર્ભાશય-કૂખમાં તે અવશ્ય નવાઈની વાત છે.
યુએસના અલાબામાના બર્મિંગહામમાં 32 વર્ષીય કેલ્સી હેચરે તેની બે કૂખેથી બે બાળકોને જન્મ આપ્યો છે જેને તબીબી નિષ્ણાતો દુર્લભ ગણાવી રહ્યા છે કારણ કે 50 મિલિયન બાળકે આવો એક કિસ્સો જોવાં મળે છે. ઉલ્લેખનીય છે કે યુકેમાં એસેક્સના બ્રેઈનટ્રીની કેલી ફેરહર્સ્ટે પણ ઓક્ટોબર 2020માં બે અલગ ગર્ભાશય થકી બે બાળકને જન્મ આપ્યો હતો.
મસાજ થેરાપિસ્ટ કેલ્સી હેચર સગર્ભાવસ્થાના આઠમા સપ્તાહે અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ માટે ગયાં ત્યારે તેમને સુખદ આંચકો લાગ્યો હતો કારણ કે તેમને ડોક્ટરે ટ્વિન્સ હોવાનું જણાવ્યું હતું. જોકે, સાથે એમ પણ કહ્યું કે તમારે બે ગર્ભાશય છે અને બંનેમાં એક એક બાળક ઉછરે છે. કેલ્સી હેચરે 19 અને 20 ડિસેમ્બર, 2023 એમ બે અલગ દિવસે બાળકીઓ - રોક્સી લયલા અને રેબેલ લાકેનને જન્મ આપ્યો હતો. હેચરે રોક્સી અને રેબેલને ચમત્કારી બાળકીઓ ગણાવતાં કહ્યું હતું કે આનાથી વધુ સારો અનુભવ કોઈ હોઈ શકે નહિ! રોક્સી અને રેબેલ ટ્વીન્સ ગણાવાતાં હોવાં છતાં, અલગ અલગ શુક્રાણુમાંથી પેદા થઈ હોવાથી જનીનિક રીતે સમાનતા નથી.
યુટ્રસ ડિડેલ્ફીસ શું છે?
હકીકતમાં કેલ્સી 17 વર્ષની હતી ત્યારે જ તેને બે ગર્ભાશય હોવાની જાણ થઈ હતી. આ દુર્લભ કંડિશનને ‘યુટ્રસ ડિડેલ્ફીસ - uterus didelphys’ તરીકે ઓળખાવાય છે. એમ મનાય છે કે વિશ્વમાં આશરે 2000 સ્ત્રીમાંથી એકને આવી કંડિશન હોય છે અને આવી 25000 સ્ત્રીમાંથી માત્ર એકને જ બંને ગર્ભાશયમાં પ્રેગનન્સી રહે છે. આવી મહિલાઓમાં ભારે માસિક સ્રાવ અને મિસકેરેજીસની ફરિયાદ વધુ રહે છે. દરેક ગર્ભાશય નાનું હોવાથી ભ્રૂણનો વિકાસ મર્યાદિત અને બાળકનો જન્મ પ્રીમેચ્યોર થવાનું જોખમ પણ વધુ રહે છે.


comments powered by Disqus