વોશિંગ્ટન: અમેરિકામાં અનોખા પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે 10 હજાર વર્ષે એક ચક્કર પૂરું કરે એવી અનોખી ઘડિયાળ આકાર લઇ રહી છે. એ માટે જેફ બેઝોસ 4.2 કરોડ ડોલર યાને અંદાજે રૂ. 350 કરોડ ખર્ચશે. પશ્ચિમ ટેક્સાસમાં પહાડીઓની વચ્ચે 500 ફૂટ ઊંચે ઘડિયાળ બની રહી છે. આ ઘડિયાળને સૂર્ય પ્રકાશમાંથી ઉર્જા મળતી રહેશે.
ટાઈટેનિયમ, સિરામિક, સ્ફટિક વગેરે ટકાઉ પદાર્થોનો ઉપયોગ કરીને ઘડિયાળ બની રહી છે. ઘડિયાળ બની જશે પછી મર્યાદિત સંખ્યામાં લોકોને એ જોવાની પરવાનગી પણ અપાશે. એમેઝોનના ફાઉન્ડર અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિ જેફ બેઝોસે આ ઘડિયાળનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. દર વર્ષે ઘડિયાળનો કાંટો માત્ર એક સોયની ટોચ જેટલો સ્થાનફેર કરશે.
કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડેની હિલિસે 25 વર્ષ પૂર્વે ડિઝાઇન કરેલી આ ઘડિયાળ હવે સાકાર થશે. સિંક્રોનાઈઝર, એક પેન્ડુલમ, એક જનરેટર, ગિયર અને ડાયલ આ ઘડિયાળમાં હશે. વધારે ચીજવસ્તુને બદલે ખપ પૂરતી જ વસ્તુઓ રખાશે. વળી, ડિસ્પ્લેમાં બહુ ઉર્જા ન ખર્ચાય તેવી રચના છે. સૂર્ય પ્રકાશ તેમજ મિકેનિકલ ઉર્જાથી આ ઘડિયાળ ચાલશે. જ્યારે ઉર્જાનો કોઈ ટકાઉ સ્રોત મળશે ત્યારે ડિસ્પ્લે ડાયલને અપડેટ કરી શકાશે. એને ક્લોક ઓફ ધ લોંગ નાઉ - નામ અપાયું છે. આ ઘડિયાળ સૂર્ય-ચંદ્રની ગતિનો અંદાજ લગાવી તાલમેલ રાખશે. એના આધારે વર્ષ, સદી તેમ જ હજાર વર્ષને ટ્રેક કરશે. તેને માઉન્ટેઈન ક્લોક પણ કહેવાય છે.

