વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એક વાર હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયા ખાતે બે એરિયામાં આવેલા હિંદુ મંદિર પર ખાલિસ્તાન સમર્થનમાં નારા લખાયા છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને પાંચ જાન્યુઆરીએ આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયાના સ્વામિનારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો. તે સમયે પણ મંદિર પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા હતા. કેનેડામાં પણ અનેક મંદિરોને તાજેતરમાં નિશાન બનાવવામાં આવ્યા હતા.
બે એરિયા ખાતે આવેલા શેરાવાલી મંદિર ખાતે ખાલિસ્તાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. હિંદુ મંદિર પર ભારતવિરોધી ભીંતચિંત્રો લગાવાયા હતા. કેટલાક દિવસો પહેલાં કેલિફેર્નિયાના શિવ દુર્ગા મંદિરમાં પણ ચોરીની ઘટના બની હતી. હિંદુ અમેરિકન ફાઉન્ડેશન મંદિર સમિતિ સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં છે. પોલીસમાં ઘટનાની ફરિયાદ થઈ છે.
કેલિફોર્નિયામાં મંદિર પર થયેલા હુમલાની અમેરિકી વિદેશ વિભાગે પણ નિંદા કરી છે. અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, ‘કેલિફોર્નિયામાં સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલાની અમે આલોચના કરીએ છીએ. નેવાર્ક પોલીસ મથક દ્વારા દોષિતોને જવાબદાર ઠેરવવા થઈ રહેલા પ્રયાસની પણ પ્રશંસા કરીએ છીએ.’ કેલિફોર્નિયામાં બંને મંદિરો પર થયેલા હુમલા પાછળ ખાલિસ્તાન સમર્થકોનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકામાં હિંદુ મંદિરો પર થઈ રહેલા હુમલા અને પોકારાઈ રહેલા ભારતવિરોધી સૂત્રોચ્ચારની ઘટનાઓની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે કટ્ટરપંથી અને ભારત વિરોધી તત્ત્વોને ભારત બહાર છૂટછાટ ના મળવી જોઈએ.

