તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વિપની મુલાકાત અને ત્યારબાદ તેમની સોશિયલ મીડિયા પરની પોસ્ટ પર માલદિવ્સના વામણા નેતાઓએ જે રીતે પ્રતિક્રિયા આપી તેના કારણે બંને દેશ વચ્ચેના સંબંધો વધુ નીચી સપાટી પર પહોંચી ગયાં. જોકે બંને દેશ વચ્ચેના સંબંધો વણસવાનો પ્રારંભ તો ચીન સમર્થક મોહમ્મદ મુઇઝુ માલદિવ્સના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા ત્યારથી જ થઇ ગયો હતો. મુઇઝુએ સત્તા ધારણ કરવાની સાથે જ માલદિવ્સમાં રહેલા ભારતીય સંરક્ષણ એકમોને હટાવવાની માગ કરી દીધી હતી અને બંને દેશ દ્વારા ચાલી રહેલા હાઇડ્રોગ્રાફિક સરવે એગ્રિમેન્ટને રિન્યૂ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. માલદિવ્સમાં સત્તા પર આવેલા મુઇઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં પણ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કોઇ કસર બાકી રાખી નહોતી અને ઇન્ડિયા આઉટ નામનું સ્લોગન આપ્યું હતું. આમ મુઇઝુના સત્તામાં આવવાની સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ વ્યાપી હતી. જેની પાછળ મુઇઝુની ચીન ભક્તિ જવાબદાર છે. હાલમાં આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પણ મુઇઝુ ચીનની મુલાકાતે પહોંચ્યા છે. મુઇઝુ પહેલાં સત્તામાં રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન પણ ચીનના ભક્ત હતાં અને તેમના કાર્યકાળમાં માલદિવ્સ અને ચીનના સંબંધો ગાઢ બન્યાં હતાં. આ બંને નેતાઓની ચીન ભક્તિ માટે ચીન દ્વારા કરાતી આર્થિક સહાય જવાબદાર છે. નબળાં દેશોને લોનની માયાજાળમાં ફસાવીને પોતાના વિસ્તારવાદને અંજામ આપી રહેલા ચીને માલદિવ્સને પણ દેવામાં ડૂબાડી દીધો છે. 2018ના આંકડા પ્રમાણે માલદિવ્સ પર ચીનનું દેવું 3.1 બિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. આજે એ સ્થિતિ આવી ગઇ છે કે ચીનને લોનના હપ્તા ચૂકવવામાં માલદિવ્સના જીડીપીના 10 ટકા રકમ ખર્ચાઇ જાય છે. મુખ્યત્વે ભારતીય પ્રવાસીઓ પર નભતા માલદિવ્સનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ ભારતમાં શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આ ટાપુસમૂહ દેશ કયા ખિલ્લાના જોરે કૂદી રહ્યો છે તે સ્પષ્ટ છે. માલદિવ્સના ચીન સમર્થક નેતાઓ કોના ઇશારે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યાં છે તે પણ હવે સર્વવિદિત છે. ચીનના ઇશારે કૂદી રહેલા મુઇઝુને ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે તે વાતમાં કોઇ શંકા નથી.
