લંડન: દરરોજ લોકો વિશ્વમાં નીતનવા રેકોર્ડ બનાવે છે અને તોડે છે, પરંતુ બ્રિટનના એક પરિણીત યુગલે અનોખો વિશ્વવિક્રમ સર્જ્યો છે. સ્ટીવ અને લૌરા નામના આ દંપતીએ એક ટેન્ડમ સાઈકલ પર સૌથી ઓછા સમયમાં વિશ્વના 21 દેશનો પ્રવાસ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટેન્ડમ સાઇકલ એવી છે કે જેના પર બે લોકો એકસાથે સવારી કરી શકે છે. તે સામાન્ય સાઇકલ કરતાં વધુ ઝડપથી દોડે છે.
સ્ટીવ અને લૌરાએ 179 દિવસ અને 12 કલાકમાં 2 લાખ 89 હજાર કિમીની સફર પૂર્ણ કરીને ગિનેસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે 5 ખંડોના 21 દેશોમાં સાઇકલ દ્વારા પ્રવાસ કર્યો છે. આમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. પ્રવાસની શરૂઆત જર્મનીના બર્લિનથી શરૂ કરી અને ત્યાં જ સમાપ્ત થઈ. સ્ટીવ અને લૌરાનો પણ આ પ્રવાસ પાછળ એક ઉમદા હેતુ હતો.
બે મહિલા બની પ્રેરણાસ્રોત
એક ઈન્ટરવ્યૂમાં સ્ટીવ અને લૌરા જણાવ્યું હતું કે એક દિવસ તેઓએ ટીવી પર બે મહિલાઓનો એક ટેન્ડમ સાઇકલ પર વિશ્વની મુસાફરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ જોયો. ત્યારબાદ તેમને કપલ કેટેગરીમાં આ રેકોર્ડ બનાવવાની પ્રેરણા મળી. તેમને જાણવા મળ્યું કે આ શ્રેણીમાં અત્યાર સુધી કોઈ રેકોર્ડ બનાવ્યો નથી અને તેઓ આ પ્રવાસ માટે નીકળી પડ્યા.
સ્ટીવ કહે છે કે પ્રવાસ દરમિયાન તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વખત બંનેને અન્ય દેશોમાં એકલતા અને તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસ શરૂ કરતાં પહેલા તેમણે દરરોજ લગભગ 160 કિમીની મુસાફરી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. અને આખરે તેમની મહેનત રંગ લાવી. તેમણે 179 દિવસમાં 21 દેશોના પ્રવાસનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.

