ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સંગીતકાર : સરસ્વતી દેવી

- ટીના દોશી Wednesday 10th January 2024 07:10 EST
 
 

મૈં બન કી ચિડિયા બન કે બન બન બોલૂં રે
મૈં બન કા પંછી બન કે સંગ સંગ ડોલૂં રે
આ ગીત તો સાંભળ્યું જ હશે. નાયિકા દેવિકા રાણી અને નાયક અશોક કુમાર પર આ ગીતનું ફિલ્માંકન થયેલું. પરંતુ આ ગીતની સંગીતકાર સરસ્વતી દેવી ભારતીય સિનેમાની પ્રથમ સંગીતકાર હતી એ જાણો છો ?
સરસ્વતી દેવીએ આ ગીતને સૂરીલું સંગીત તો આપ્યું જ હતું, પણ બિનગાયકો એવાં દેવિકા રાણી અને અશોક કુમારના કંઠે જ ગીત ગવડાવેલું પણ ખરું. આ ગીત એ જમાનામાં એટલું લોકપ્રિય થયેલું કે દેવિકા રાણી અને અશોક કુમારની સાથોસાથ સરસ્વતી દેવી પણ રાતોરાત મશહૂર થઈ ગયેલી. કેટલાક લોકો જદનબાઈને પણ પ્રથમ મહિલા ફિલ્મ સંગીતકાર ગણાવે છે, પણ આ શ્રેયની હકદાર સરસ્વતી દેવી હોવાનું મોટા ભાગના લોકો સ્વીકારે છે !
આ સરસ્વતી દેવી મૂળ પારસી પરિવારની. ૧૯૧૨માં જન્મ. નામ ખુરશીદ. પિતા માણેકશા મિનોચર હોમજી. નાનપણથી જ ખુરશીદને સંગીત પ્રત્યે રુચિ હતી. એ જોઈને માણેકશાએ ધ્રુપદ અને ધમાર શૈલી પર પ્રભુત્વ ધરાવતા વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે દીકરીને ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે મોકલી. તાલીમ પૂરી થયા પછી ખુરશીદે લખનઉ સ્થિત ભાતખંડેની સંગીત સંસ્થા મૈરિસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. સંગીતનો સઘન અભ્યાસ કર્યો.
દરમિયાન, ૧૯૨૦ના અંતે મુંબઈમાં અખિલ ભારતીય રેડિયો સ્ટેશનની સ્થાપના થઈ. ખુરશીદ અને એની બહેન માણેક નિયમિતપણે રેડિયો પરથી સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરતાં રહ્યાં. સંગીતના કાર્યક્રમો ખુરશીદને સિનેજગતની સફરે લઈ ગયાં. બોમ્બે ટોકીઝના સંસ્થાપક હિમાંશુ રાય પોતાની ફિલ્મો માટે શાસ્ત્રીય કલાકારની શોધમાં હતા.
આમ હિમાંશુ રાય અને ખુરશીદનો મેળાપ થયો એક નવી દુનિયા હાથ પસારીને ખુરશીદને આવકારવા તૈયાર ઊભેલી. પારસી કોમ આમ તો સુધારક અને પ્રગતિશીલ ગણાય છે, પણ ખુરશીદ જેવી સારા ઘરની છોકરીઓ સિનેમામાં જાય એ પારસી સમાજને સ્વીકાર્ય નહોતું.
આ કશ્મકશ વચ્ચે હિમાંશુ રાયે વચલો રસ્તો કાઢ્યો. એમણે હોમજી બહેનોને નામ બદલવાનું સૂચન કર્યું. ખુરશીદે પોતાનું નામ બદલીને સંગીતની દેવીના નામે સરસ્વતી દેવી કર્યું. એની બહેન માણેકે ચંદ્રપ્રભા એવું પોતાનું નામકરણ કર્યું. નવા નામ અને નવી ઓળખ સાથે હોમજી બહેનોએ બોમ્બે ટોકીઝનો સંગીત વિભાગ સંભાળી લીધો. સરસ્વતી દેવીને પહેલું કામ સોંપાયું, જવાની કી હવા ફિલ્મમાં સંગીત આપવાનું. ફિલ્મનાં નવ ગીત માટે સંગીતનું નિર્દેશન કર્યું. ફિલ્મ ૧૯૩૫માં પ્રદર્શિત થઈ. એ સાથે સિનેજગતને સંગીતકાર તરીકે પ્રથમ સ્ત્રી સિતારો મળ્યો.
સરસ્વતી દેવીની સંગીતકાર તરીકેની બીજી ફિલ્મ એ અછૂત કન્યા... એ સમયે કોલકાતા સ્થિત ન્યૂ થિયેટર્સના સંગીતકાર આરસી બોરાલ હતા. સરસ્વતી દેવીને ખ્યાલ આવ્યો કે આરસી બોરાલની સરખામણીમાં પોતે જુદા જ પ્રકારના પડકારોનો સામનો કરવાનો છે. એનું કારણ એ હતું કે આરસી બોરાલ કુંદનલાલ સાયગલ, કાનન દેવી, પહાડી સન્યાલ અને કેસી ડે જેવા અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કામ કરતા હતા, જે ખુદ બહુ સારા ગાયક હતા. પણ સરસ્વતી દેવીએ અશોક કુમાર, દેવિકા રાણી અને લીલા ચીટનીસ જેવાં બિનગાયક કલાકારો સાથે પનારો પાડવાનો હતો. જોકે સરસ્વતી દેવીએ હાર ન માની. આ તમામ કલાકારો સારી રીતે ગાઈ શકે એ માટે એમને ગાવાનું પ્રશિક્ષણ આપ્યું. કલાકો સુધી રિયાઝ અને રિહર્સલ કરાવ્યાં. પરિણામ સૌની સામે હતું. ૧૯૩૬માં પ્રદર્શિત ‘અછૂત કન્યા’માં અશોક કુમાર અને દેવિકા રાણીના કંઠે ગવાયેલાં ‘મૈં બન કી ચિડિયા બન કે બન બન બોલૂં રે..’ને અસાધારણ ખ્યાતિ મળી.
ફિલ્મ સંગીતકાર તરીકે સફળતાની ટોચે પહોંચ્યા પછી સરસ્વતી દેવીએ સિનેજગત સાથે છેડો ફાડી નાખ્યો. બાળકોને સંગીત શીખવવા લાગી. એક દિવસ બસમાંથી ઊતરતાં પડી ગઈ. નિતંબનું હાડકું ભાંગી ગયું. હલનચલન બંધ થઈ ગયું. ફિલ્મ જગતમાંથી કોઈ એની ખબર સુદ્ધાં લેવા ન આવ્યું. અંતકાળની એકલતામાં બિછાનામાં પડ્યાં પડ્યાં સરસ્વતી દેવીને પોતાના જ ગીતની ધૂન યાદ આવી હશે : કોઈ હમદમ ના રહા, કોઈ સહારા ના રહા...


comments powered by Disqus