બાંગ્લાદેશમાં શેખ હસીનાની સત્તાવાપસી ભારત માટે મહત્વની

Wednesday 10th January 2024 04:58 EST
 

ભારતના પાડોશી દેશોમાં સત્તા પર કોણ રહે છે તે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત માટે અત્યંત મહત્વનું રહે છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી 12મી સંસદની ચૂંટણીમાં અવામી લીગના શેખ હસીના સતત પાંચમી ટર્મ માટે વડાપ્રધાનપદે ચૂંટાઇ આવ્યાં છે. ભારત માટે શેખ હસીનાની સત્તાવાપસી મહત્વની છે કારણ કે તેઓ ભારતના ભરોસાપાત્ર સાથી રહ્યાં છે કારણ કે વિપક્ષ બીએનપીના ખાલેદા ઝિયા પાકિસ્તાન તરફી ઝોક ધરાવતા હોવાના કારણે ભારતીય હિતો માટે હાનિકારક પૂરવાર થતાં રહ્યાં છે. બાંગ્લાદેશ મોટાભાગે ભારતીય સરહદોથી ઘેરાયેલો છે. ભૂતકાળમાં ખાલેદા ઝિયાના શાસનકાળમાં ભારતના અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓ માટે બાંગ્લાદેશ સેફ હેવન પૂરવાર થયો હતો. પરંતુ છેલ્લા દોઢ દાયકાથી શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો નવી ઊંચાઇ પર પહોંચ્યા છે. શેખ હસીનાના 2009 પછીના શાસનકાળમાં ભારતની સુરક્ષા એજન્સીઓને બાંગ્લાદેશી એજન્સીઓ દ્વારા સંપુર્ણ સહકાર પ્રાપ્ત થતો રહ્યો છે. બાંગ્લાદેશે ભારત વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા સકારાત્મક પ્રયાસો કર્યાં છે. 2009માં શેખ હસીના સત્તા પર આવ્યા બાદ ઉત્તરપૂર્વ ભારતના અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવામાં બાંગ્લાદેશે સક્રિય ભુમિકા ભજવી છે. આસામના ઉલ્ફાના અલગતાવાદી હોય કે આતંકવાદી સંગઠન હુજી, શેખ હસીનાની સરકારે ઇસ્લામિક ઉગ્રવાદીઓ અને ભારત વિરોધી તત્વોને કાબૂમાં રાખ્યાં છે. તેમની સામેના આકરા વલણને કારણે ભારતની સરહદો પણ સુરક્ષિત બની શકી છે. ભારત માટે બાંગ્લાદેશ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો પાડોશી દેશ છે. ચીન અને પાકિસ્તાન જેવા ભારતના પરંપરાગત શત્રુ પાડોશી બાંગ્લાદેશ પર પ્રભુત્વ જમાવવાની તાકમાં હંમેશા રહે છે. શેખ હસીનાના કારણે બાંગ્લાદેશમાં પાકિસ્તાનની તૂતી બોલતી નથી. પાકિસ્તાન ઉપરાંત ચીન પણ એક મોટો પડકાર છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશમાં ચીની મૂડીરોકાણમાં રેકોર્ડ વધારો થયો છે. ચીન બાંગ્લાદેશને આપેલી લોનના જોરે પોતાના હિતો સાધવા સતત દબાણ કરતો રહે છે. ચીન બાંગ્લાદેશનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. તે ઉપરાંત ચીન બાંગ્લાદેશને સૌથી વધુ સંરક્ષણ સામગ્રી પણ આપી રહ્યો છે. તેમ છતાં શેખ હસીના ભારતની સુરક્ષા ચિંતાઓથી સારી રીતે અવગત છે. તેઓ જાણે છે કે નવી દિલ્હીની સુરક્ષા નહીં જોખમાય ત્યાં સુધી તેઓ ચીન સાથે પણ સારા સંબંધો જાળવી શકશે. એટલું તો નિશ્ચિત છે કે ભારત માટે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થઇ છે. શેખ હસીનાની સત્તાવાપસીએ ભારતની ઘણી ચિંતાઓ દૂર કરી દીધી છે.


comments powered by Disqus