ભારતના બહિષ્કારથી પ્રવાસન પર નિર્ભર માલદિવને ફટકાની આશંકાઃ લક્ષદ્વીપ તરફ પ્રવાસીઓનો ઝોક વધ્યો

Wednesday 10th January 2024 08:12 EST
 
 

નવી દિલ્હીઃ માલદિવ્સમાં ચીન તરફી વલણ ધરાવતી મોહમ્મદ મુઈઝ્ઝુ સરકારના મંત્રીઓના ભારત અને પીએમ મોદી વિરોધી નિવેદનોના કારણે ભારતીયોએ બોયકોટ માલદિવ્સ અભિયાન ચલાવ્યું છે, જેનાથી પ્રવાસન પર આધારિત દેશને ભારતના બહિષ્કારથી મોટો ફટકો પડવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ચીન તરફી મુઇઝ્ઝુએ સત્તા પર આવ્યા બાદથી ભારત વિરોધી કૃત્યો શરૂ કર્યાં હતાં. બીજી તરફ હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ તેની વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યા વિના માત્ર ભારત દેશનો જ અભિન્ન ભાગ એવા લક્ષ્યદ્વીપની સુંદરતા અને ત્યાંની એડવેન્ચર પ્રવૃત્તિને લઈને ફોટો અને વીડિયો શેર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદી દ્વારા લક્ષ્યદ્વીપને પ્રમોટ કરાતાં જ માલદીવના સત્તાધિકારીઓના પેટમાં જાણે ગરમ તેલ રેડાયું હતું ત્યાં સુધી કે માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરુદ્ધ ટિપ્પણી કરતી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં મૂકી દેવામાં આવી હતી. માલદીવની આ હલકી માનસિકતા બાદ ભારતીયોએ સોશિયલ મીડિયા પર ‘બોયકોટ માલદિવ્સ’ અભિયાન શરૂ કરાયું છે. જે પ્રવાસન પર આધારિત માલદિવ્સ માટે આ અભિયાન મુશ્કેલી ઊભી કરી શકે છે.
માલદિવ્સ પ્રવાસન ઉદ્યોગમાંથી અંદાજે 3.49 અબજ ડોલરની કમાણી કરે છે, જે દેશના જીડીપીના લગભગ 56 ટકા છે. દક્ષિણ એશિયાના કુલ આંતરરાષ્ટ્રીય પ્રવાસનનો લગભગ 24 ટકા હિસ્સો એકલા માલદિવ્સનો છે. કોરોના મહામારી પછી પ્રવાસન ઉદ્યોગ પર નિર્ભર દેશોનું અર્થતંત્ર ખાડે ગયું હતું. આવા સમયેં માલદિવના પ્રવાસન ઉદ્યોગને ભારતીય પ્રવાસીઓએ જ બચાવ્યું હતું. કોરોના મહામારી પછી વર્ષ 2022માં અંદાજે 2.41 લાખ જ્યારે 2023માં 2 લાખથી વધુ ભારતીયોએ માલદિવ્સનો પ્રવાસ કર્યો હતો.
‘બોયકોટ માલદીવ' ઇન ટ્રેન્ડિંગ
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી થોડા દિવસ અગાઉ લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાંની મુલાકાતની કેટલીક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ લોકોએ માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ જવું જોઈએ તેવી કમેન્ટ્સ કરી હતી. વળી મોહમ્મદ મુઇઝ્ઝુ સત્તા પર આવ્યા બાદ માલદીવ હંમેશાં ભારતવિરોધી રહ્યું હોવાના કારણે સોશિયલ મીડિયા પર ‘બોયકોટ માલદીવ’ ટ્રેન્ડિંગ થયું હતું, જેના કારણે મરિયમ શિઉનાએ ઉશ્કેરાઈ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી.
પ્રધાનમંત્રીની ટીકા કરતાં માલદીવના ત્રણ મંત્રી સસ્પેન્ડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત સામે ઝેર ઓકનારા પોતાના ત્રણ મંત્રીને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. મોહમ્મદ મુઈઝ્ઝુ સરકારના આ ત્રણેય મંત્રી પોતાના દેશમાં વિપક્ષોના નિશાના પર હતા. સસ્પેન્ડ થયેલા મંત્રીમાં મરિયમ શિઉના, માલશા અને હસન જિહાનનો સમાવેશ થાય છે. આ ત્રણેયે પ્રધાનમંત્રી મોદી અને ભારતીયો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેને માલદીવ સરકારે તેમનાં વ્યક્તિગત નિવેદન ગણાવી પહેલેથી જ હાથ ખંખેરી લીધા હતા.
લોકોને લક્ષદ્વીપ જવા બોલિવૂડ સ્ટાર્સની અપીલ
અક્ષય કુમાર, સલમાન ખાન, કંગના રણૌત. શ્રદ્ધા કપૂર અને જોન અબ્રાહમ સહિતના બોલિવૂડ સ્ટાર્સે પ્રધાનમંત્રી મોદીની લક્ષદ્વીપની મુલાકાતનો ઉલ્લેખ કરીને લોકોને લક્ષદ્વીપ જવા અપીલ કરી છે. સલમાને જણાવ્યું કે, લક્ષદ્વીપના સુંદર, સ્વચ્છ બીચ પર આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને ઘણું સારું લાગ્યું. સૌથી સારી વાત એ છે કે લક્ષદ્વીપ આપણા ભારતમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની સુંદરતા દર્શાવતી તસવીરો પોસ્ટ કરી માલદીવને જવાબ આપ્યો હતો.
લક્ષદ્વીપના ઓનલાઇન સર્ચિંગમાં 3400 ટકાનો વધારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપનો પ્રવાસ કર્યો અને તેના ફોટો શેર કર્યા તે પછી લક્ષદ્વીપ અંગે જાણવાની લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી. માત્ર ત્રણ જ દિવસમાં દેશભરમાંથી 7000 લોકોએ લક્ષદ્વીપનો પ્રવાસ બુક કરાવ્યો. એટલું જ નહીં ઓનલાઇન સર્ચિંગમાં પણ 3400 ટકાનો ઉછાળો આવ્યો છે.
બીજી તરફ માત્ર ત્રણ જ દિવસમાં 7000 લોકોએ લક્ષદ્વીપ જવા માટે ઓનલાઇન બુકિંગ કર્યું હતું. તો લક્ષ્યદ્વીપના મુસાફરોમાં ઘટાડો નોંધાયો છે. ત્યાં સુધી કે ટૂરિઝમની અનેક સંસ્થાઓ દ્વારા તેમને ત્યાંથી માલદીવના પ્રવાસીઓ લેવાનું જ બંધ કરી દેવાયું છે.
સ્નોર્કલિંગ- આરામખુરશીની તસવીરથી પ્રવાસીઓનું આકર્ષણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન સ્થાનિક ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી લક્ષદ્વીપ ખાતે સ્નોર્કલિંગની મજા માણી હતી. એટલું જ નહીં તેમણે તેનો વીડિયો પણ શેર કરી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે માલદીવના પર્યાયરૂપે ભારતીય ટૂરિસ્ટ સ્પોટ લક્ષદ્વીપને પ્રમોટ કર્યું હતું. સ્નોર્કલિંગના એડવેન્ચરની સાથે પ્રધાનમંત્રીએ ત્યાંની શાંતિની અનુભૂતિ કરાવતો દરિયાકિનારે આરામખુરશીમાં બેઠેલો એક ફોટો પણ શેર કર્યો હતો. તેના દ્વારા તેઓએ આરામપસંદ અને વડીલોને પણ અનુરૂપ ટૂરિસ્ટ સ્પોટ હોવાનું ન કહેલા શબ્દોમાં કહી દીધું હતું.
માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝ્ઝુ ચીન પહોંચ્યા
ભારત-માલદીવ વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુ સોમવારે પાંચ દિવસીય રાજકીય પ્રવાસ માટે ચીન પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઘણા કરારો કરશે. માલદીવ રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે, આ પ્રવાસ દરમિયાન માલદીવ અને ચીનના અધિકારીઓ વાર્તાલાપ કરશે અને વેપાર, વ્યવસાયિક વિકાસ, સામાજિક-આર્થિક સહયોગ વધારવાના કરારો પર હસ્તાક્ષર કરશે.


comments powered by Disqus