મુંબઈ: હિન્દી ફિલ્મના ચાહકોને નરગિસ ફખરીની ઓળખાણ આપવાની જરૂર નથી. ફિલ્મ ‘રોકસ્ટાર’ની આ દબંગ અભિનેત્રી હવે એક અન્ય કારણસર સમાચારમાં ચમકી છે. નરગિસની બહેન આલિયા ફખરીની ન્યૂ યોર્કમાં તેના પૂર્વ પ્રેમીની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપ અનુસાર, આલિયાએ ગેરેજમાં આગ ચાંપી દેતા તેનો ભૂતપૂર્વ પ્રેમી અને તેની મહિલા મિત્રના મૃત્યુ નીપજ્યા છે.
આ અહેવાલ આવતાં જ સહુ કોઇ નરગિસના પ્રતિભાવની રાહ જોઇ રહ્યા હતા. જોકે અભિનેત્રીના અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે 20 વર્ષ કરતાં વધારે સમયથી બહેન આલિયાના સંપર્કમાં જ ન હતી. અન્યોની માફક નરગિસને પણ આલિયાની ધરપકડની માહતી સમાચાર માધ્યમથી જ મળી હતી. વકીલોનો દાવો છે કે 43 વર્ષની આલિયા ફખરીએ 23 નવેમ્બરના રોજ ક્વિન્સમાં એક ગેરેજમાં જાણીજોઈને આગ લગાવી દીધી હતી. જેમાં તેનો 35 વર્ષનો ભૂતપૂર્વ પ્રેમી એડવર્ડ જેકબ્સ અને તેની 33 વર્ષની મિત્ર અનાસ્તાસિયા એટિયેનના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

