દમાસ્કસઃ સીરિયામાં હયાત તહરીર અલ-શામ (એચટીએસ) બળવાખોરોએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસ પહોંચીને મહત્ત્વપૂર્ણ સરકારી ઇમારતો પર કબજો કરી લેતાં અસદ પરિવારના 50 વર્ષના લોખંડી શાસનનો અંત આવ્યો છે. બળવાખોરો રાજધાની પહોંચતાં નાગરિકો 'આઝાદી, આઝાદી'ના સૂત્રોચ્ચાર સાથે સેન્ટ્રલ સ્ક્વેર ખાતે એકત્ર થવા લાગ્યા હતા. તેમણે સીરિયાના ક્રાંતિકારીઓનો ધ્વજ લહેરાવ્યો હતો, જેણે આરબ બળવાના દિવસોની યાદ અપાવી હતી. હવે સીરિયામાં બશર અલ-અસદના 24 વર્ષના ક્રૂર શાસન અને 14 વર્ષ લાંબા ગૃહયુદ્ધનો અંત આવ્યો છે.
સરકારી ઈમારતો પર કબજો
આ સાથે એચટીએસના બળવાખોરોએ માત્ર 10 જ દિવસમાં અલેપ્પો, હામા, હોમ્સ અને રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લીધો છે. બળવાખોરોએ સંરક્ષણ મંત્રાલય, પબ્લિક રેડિયો અને ટીવી ઈમારતને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે.
મહિલાઓના પહેરવેશ પર વાંધો નહીંઃ બળવાખોર
સીરિયાના હયાત તહરીર અલ શામ (HTS)ના બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ પર કોઈ ધાર્મિક ડ્રેસ કોડ લાદશે નહીં. તેમણે સીરિયામાં તમામ સમુદાયોના લોકો માટે વ્યક્તિગત સ્વતંત્રતાની બાંયધરી આપી છે.
ઇઝરાયલની સેના સીરિયામાં ઘૂસી
સીરિયામાં અસદ સરકારના પતન બાદ વિદેશી દેશો દ્વારા હુમલા તેજ થયા છે. ઇઝરાયલે સીરિયાના દક્ષિણમાં હુમલો કર્યો, અમેરિકનોએ મધ્યમાં હુમલો કર્યો અને તુર્કીના સહયોગી બળવાખોરોએ ઉત્તરીય વિસ્તાર પર હુમલો કર્યો છે.
ઇઝરાયલના દમાસ્કસ પર મિસાઇલ હુમલા
ઇઝરાયલે દમાસ્કસમાં 100થી વધુ મિસાઇલ હુમલા કર્યા, બીજી તરફ ઇઝરાયલની વાયુસેનાના ફાઇટર પ્લેને સોમવારે સીરિયામાં 100થી વધુ હવાઈ હુમલા કર્યા. આ હુમલો રાજધાની દમાસ્કસ નજીક બરજાહ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર પાસે થયો હતો.
ઇઝરાયલનો હથિયાર ડેપો પર હુમલો
ઇઝરાયલના વિદેશમંત્રી ગિદોન સારે સ્વીકાર્યું છે કે, ઇઝરાયલે હથિયારોનાં ઠેકાણાં પર હુમલો કર્યો છે. ખરેખરમાં પશ્ચિમી દેશોને ડર છે કે અસદ સરકારે અહીં રાસાયણિક હથિયારો છુપાવ્યાં છે. હવે ઇઝરાયલને ડર છે કે આ શસ્ત્રો સીરિયન વિદ્રોહીઓના હાથમાં ન આવવાં જોઈએ.
તુર્કી વિદ્રોહી દળોનો મનબીજ પર કબજો
તુર્કીના વિદ્રોહી દળોએ સીરિયાના ઉત્તરીય વિસ્તાર મનબીજ પર કબજો કરી લીધો છે. કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસ (SFD)એ 8 વર્ષથી મનબીજ પર કબજો જમાવ્યો હતો. 2016માં SDFએ ISIS ને હરાવીને અહીં કબજો કર્યો હતો, પરંતુ સોમવારે સીરિયન નેશનલ આર્મી દ્વારા તેના પર હુમલો કરીને કબજો લેવામાં આવ્યો હતો. સીરિયન નેશનલ આર્મીને તુર્કીનું સમર્થન છે. મનબીજમાં SDFની હાર બાદ કુર્દિશ લડવૈયાઓને સુરક્ષિત બહાર કાઢવા યુએસ અને તુર્કી વચ્ચે સોમવારે સમજૂતી થઈ હતી. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ જીત પર કહ્યું કે, તેઓ મનબીજથી આતંકીઓના ખાત્માનું સ્વાગત કરે છે. બીજી તરફ બ્રિટને કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં જ HTSને આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવવા અંગે નિર્ણય લેશે.
રાષ્ટ્રપતિ અસદ પુતિનની શરણે
વિદ્રોહીઓ દ્વારા સીરિયા પર કબજો કર્યા પછી રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે, જ્યારે અમેરિકાએ સીરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે.
મોહમ્મદ અલ-બશીર વચગાળાના વડાપ્રધાન
સીરિયામાં બશર અલ-અસદને સત્તા પરથી હટાવનારાં વિદ્રોહી જૂથોએ મોહંમદ અલ-બશીરને વચગાળાના વડાપ્રધાન બનાવ્યા છે. મોહમ્મદ અલ-બશીરે વિદ્રોહીઓને અસદને હટાવવામાં મદદ કરી હતી.
મોહંમદ અલ-બશીરે એલાન કર્યું છે કે, તેઓ આ પદ પર એક વર્ષ સુધી રહેશે. ઇતલિબ પ્રાંતના પ્રશાસનની જવાબદારી પણ તેઓ સંભાળી રહ્યા છે. આ ઘોષણા ત્યારે થઈ જ્યારે કેટલીક સરકારી એજન્સીઓએ સિવિલ સેવકો તથા સ્વાસ્થ્ય કર્મચારીઓને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. વિદ્રોહીઓએ અલેપ્પો, હમા અને હોમ્સ બાદ રાજધાની દમાસ્કસ પર રવિવારે કબજો કરી કહ્યું હતું કે, સીરિયા આઝાદ થઈ ગયું છે. સીરિયાથી ભાગેલા અસદને રશિયાએ શરણ આપી છે. તેઓ તેમના પરિવારજનો સાથે મોસ્કોમાં છે.
શું કહ્યું રશિયાએ?
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી કે, સીરિયાના રાષ્ટ્રપતિને આશ્રય આપવો એ પુતિનનો વ્યક્તિગત નિર્ણય છે. તેઓ અસદને ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી આપશે નહીં.
ક્યાં શું પરિવર્તન?
• રશિયા: હવે ઉત્તરી સીરિયામાં ટાટર્સમાં નેવીના બેઝ અને હમીમિમમાં રશિયન એરબેઝ ગુમાવવો પડી શકે છે, જેનાથી પુતિનની પૂર્વી ભૂમધ્ય સમુદ્ર પર પકડ નબળી પડશે. રશિયાની પાસે લીબિયાનો વિકલ્પ છે.
• ઈરાનઃ ઇરાન પહેલેથી વધુ નબળું છે. ક્ષેત્રમાં ઇરાનના પ્રોક્સની એક પછી એક હાર થઈ રહી છે. આ સ્થિતિમાં ઇરાન વધુ નબળું પડશે.
• તુર્કીઃ રાષ્ટ્રપતિ એદોર્ગન સતર્ક થયા છે. તુર્કીએ અમેરિકા સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સના ઠેકાણાં પર હુમલા કર્યા છે, જેમાં 22નાં મોત થયાં છે.

