પર્વાધિરાજ પર્યુષણની તપ-જપ અને ભક્તિભેર ભવ્ય ઉજવણી

- જ્યોત્સ્ના શાહ Wednesday 11th September 2024 05:57 EDT
 
 

દેશ-વિદેશમાં જૈન સમાજે (દેરાવાસી અને સ્થાનકવાસી) પર્વાધિરાજ પર્યુષણની આરાધના રૂડી રીતે કરી. હવે દસલક્ષણી પર્વની ઉજવણી દિગમ્બર સમાજ કરી રહેલ છે.
યુ.કે.ભરમાં ૩૫ જેટલી સંસ્થાઓ છે. સૌએ પોતપોતાની રીતે તપ-જપ-ધ્યાન-સ્વાધ્યાયમાં આઠ દિવસ ધર્મ ધ્યાનમાં વ્યસ્ત બની તન-મન-ધનને નિર્મળ બનાવવાના પ્રયાસ કર્યા જે અનુમોદનીય છે. હેઝ, લંડનના નવનાત સેન્ટરમાં ૩૧ ઓગષ્ટથી ૭ સપ્ટેમ્બર ખૂબ જ ભક્તિભાવ પૂર્વક પર્યુષણ પર્વ ઉજવાયા. વિદ્વાન સમણ શ્રૃતપ્રજ્ઞાજી (રાજકોટ પીસ ઓફ માઇન્ડના અને યુ.એસ.એ.ના પીસ માઇન્ડ યૌગિક સેન્ટરના સ્થાપક)એ પ્રથમ દિવસે પર્વાધિરાજ પર્યુષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, ‘ભદ્રબાહુ સ્વામિ રચિત ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્ર જેટલી વાર સાંભળીએ એટલી વખત
એના નવા-નવા રહસ્યો જાણવા મળે છે. એ કદી આઉટ ઓફ ડેટ નથી થતું!’’
૨૬૦૦ વર્ષ પહેલા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આજના મંગળ દિવસે મગધ દેશની રાજગૃહી નગરીમાં ભગવાન શ્રી મહાવીરનું સમવસરણ રચાયું છે. જેમાં ભગવાન મહાવીર દેશના આપવાની શરુઆત કરી રહ્યા છે. એ જ વખતે સમ્રાટ શ્રેણિક ઉપસ્થિત થાય છે અને ભગવાન તેમજ સમ્રાટ વચ્ચે વાર્તાલાપ થાય છે. જેનો સાર આ મુજબ છે: * આ સંસારમાં માનવભવ મેળવવો અતિ દુર્લભ છે. ૮૪ લાખ યોનિમાંથી પસાર થતાં પુણ્યના પ્રતાપે માનવ ભવ મળે છે. એને સાર્થક કરવાનો એક જ રસ્તો છે. ‘સમયની એકપણ ક્ષણ પ્રમાદમાં ન વિતાવવી. આત્મસાધના કરી જીવે પોતાની જાતને ઓળખવાની છે. આપણો પ્રત્યેક શ્વાસ ધર્મમય હોવો જોઇએ.’
જૈન ધર્મ એ વૈજ્ઞાનિક, વ્યવહારુ અને લોજીકલ છે. આઠ દિવસમાં બેટરી ચાર્જ કરી લેવાની છે જે આખું વર્ષ ચાલે.
જૈન ધર્મ અહિંસાનો, મૈત્રીનો અને ભાઇચારાનો છે. એકબીજા પ્રત્યે પ્રેમની વાત છે. શત્રુતાને એમાં સ્થાન નથી..પાંચ કર્તવ્યોનું પાલન પર્યુષણમાં કરવાનું છે. *અમારિ પ્રવર્તન: ભગવાન મહાવીરની અહિંસાને સમાજના વિશ્વમંચ પર મૂકવા આપણે સમર્થતા કેળવવાની છે. *સાધર્મિક વાત્સલ્ય: જરૂરત મંદ પ્રત્યે દયા-કરૂણા ભાવ. * ધર્મ વિવેકથી કરવાનો છે. માત્ર તપ કરવાથી એ આવતો નથી. આંતરશત્રુઓ પર વિજય મેળવવાનો. *અહંકાર જાય ના ત્યાં સુધી ધર્મ ના આવે. *ક્ષમાપના:શત્રુતાના ભાવનો ત્યાગ કરી મૈત્રીભાવ કેળવવાનો. *ચૈત્ય પરિપાટી એટલે કે જીનાલયોની યાત્રા કરવાની.
પર્યુષણના બીજા દિવસે રવિવાર હોવાથી ભગવાન શ્રી મહાવીરનો જન્મોત્સવ ઉજવાયો.
નવનાત તરફથી પ્રતિક્રમણ અને વ્યાખ્યાન ઓન લાઇન થતાં જેથી ઘરની બહાર ન નીકળી શકનારને ય એનો લાભ મળે.
મહાવીર ફાઉન્ડેશનના યુવા પ્રેસિડેન્ટ નીરજ સૂતરીયાની આગેવાની હેઠળ, કમિટી સભ્યોના સહકારથી પર્યુષણ પર્વ રંગેચંગે ઉજવાયા. ભારતથી જાણીતા સંગીતકાર અને વિદ્વાન બેલડી હર્ષિલ અને મોક્ષિત બેલડીએ ધર્મ અને ભક્તિના રસમાં સૌને મગ્ન કરી દીધાં. ખૂબ જ મોટી સંખ્યામાં ત્રણેય પેઢીએ ભાગ લઇ તપનો મહિમા ઉજાગર કર્યો. આ સંસ્થામાં નાની-મોટી ૮૨ તપસ્યાઓ થઇ હતી. જેમાં ૫૮ અઠ્ઠાઇ હતી. નાના નાના ભૂલકાંઓએ પણ તપસ્યા કરી ભૂખ પર કાબૂ મેળવ્યો હતો. સંવત્સરી પ્રતિક્રમણમાં ૧૦૦૦ થી વધુ સંખ્યામાં નાના-મોટા સૌ કોઇએ શ્રધ્ધાભેર ભાગ લઇ વર્ષભર જાણતાં-અજાણતાં થયેલ પાપો કે ભૂલનો એકરાર કરી કવિ કલાપીની પંક્તિઓને સાર્થક કરી હતી: ‘ હા પસ્તાવો વિપુલ ઝરણું , સ્વર્ગમાંથી નીકળ્યું છે, પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે’
વિશા ઓશવાળ સમાજ યુ.કે.નો સંઘ સૌથી મોટો છે. પોર્ટસબાર સેન્ટર સહિત વિવિધ શાખાઓમાં પર્યુષણ પર્વની આરાધનામાં સંસ્થાના ધાર્મિક ચેરમેન શ્રી જયેશભાઇ શાહના વ્યાખ્યાન તેમજ પ્રતિક્રમણ ઓન લાઇન થતાં અને સમાજની સાઇટ પર પર્યુષણ પર્વની સુંદર સમજ યુવા પેઢી માટે અંગ્રેજીમાં વિવિધ વિષયો પર રજૂ કરાઇ હતી.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન લંડનના બુશી સેન્ટરમાં પણ પર્યુષણ પર્વ દરમિયાન ગુરુદેવ શ્રી રાકેશભાઇના પ્રવચનનો લાભ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીઓએ લીધો. જ્યાં યોગી, મેડીટેશન વગેરે પ્રવૃત્તિઓ પણ નિયમિત થતી રહે છે. યુવાઓને લક્ષમાં લઇ અંગ્રેજીમાં પણ વક્તવ્યો પ્રસ્તુત થાય છે. શનિવાર ૧૪ સપ્ટેમ્બરના સાંજે ૮ થી ૧૦ સત્સંગ, ભક્તિ, મેડીટેશનનો કાર્યક્રમ SRMS લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર, ફાલ્કન રોડ, બુશી, WD23 3AD ખાતે યોજવામાં આવેલ છે. એ અગાઉ સાંજે ૬.૩૦ થી ૭.૩૦ ડીનર. રસ ધરાવનારે રજીસ્ટ્રેશન કરાવી લેવું.
london.Somdev.org/register
જૈન નેટવર્કના નેજા હેઠળ કોલીન્ડલના નૂતન જીનાલય અને સેન્ટરમાં આ વર્ષે પ્રથમવાર પર્યુષણ પર્વ ડો.નટુભાઇ શાહની દીકરી લીનાબહેન અને જમાઇ ડો.અજયભાઇ શાહની આગેવાની હેઠળ ભક્તિભેર ઉજવાયા. શાસન પ્રભાવક શ્રી સમીરભાઇ શેઠ અને શૈલેષી દીદી અજમેરાએ જ્ઞાનની જ્યોત જલાવી. જ્યારે સંગીતકાર શ્રી વિજયભાઇ દોશીએ એમના સુમધુર સ્વર અને સંગીત રેલાવી સૌને ભક્તિનો રંગ લગાડ્યો. સંવત્સરીના પર્વે બારસા સૂત્રના ચિત્ર સંપુટ દર્શનનો લાભ વિજયભાઇ શેઠ પરિવારે લીધેલ. પર્વના આઠ દિવસમાં ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરના ૨૭ ભવ સહિત અન્ય તીર્થંકરોના જીવનનો સારાંશ રજૂ થાય છે. ભગવાન મહાવીરની વાણીનો સારાંશ બારસા સૂત્રમાં રજૂ થયેલ છે. જેના દર્શનથી ધન્ય થવાય છે. જૈન નેટવર્કના ધાર્મિક કમિટીના શ્રી વિજયભાઇ શેઠ, બીનાબહેન હોલ્ડન, જયશ્રીબહેન મોદી, કુસુમબહેન પુનાતર વગેરેની સેવા સરાહનીય છે.
પર્યુષણના પાંચમા દિવસે પ્રભુ મહાવીર જન્મ વાંચનના પ્રસંગે જન્મોત્સવ ઉજવાય છે. જેમાં આનંદ ઉલ્લાસના વાતાવરણ છવાઇ જાય છે. સંવત્સરીના છેલ્લા દિવસે સૌએ એકબીજાની માફી માગી-આપી ક્ષમાની સરવાણીમાં નિર્મળ થવાની અનુભૂતિ કરી. જે આ મહાપર્વનું હાર્દ છે.
લેસ્ટરમાં જૈન સમાજ યુરોપના નેજા હેઠળ ધાર્મિક વડા શ્રી હિતેશભાઇ શાહે પર્યુષણ પર્વની ઉજવણી ભક્તિભેર કરાવી. દેરાવાસી અને સ્થાનકવાસીના પર્યુષણ પર્વ બાદ ૧૭ સપ્ટેમ્બર સુધી દસ લક્ષણી મહા પર્વની આરાધના થઇ રહી છે. વધુ વિગત માટે સંપર્ક: પ્રેસિડેન્ટ ઊષાબહેન મહેતા : ૦૭૪૪૦ ૦૫૬ ૭૦૧ .
આ વર્ષે દુબઇના જૈન સંઘે પણ આચાર્ય લોકેશજીના સાન્નિધ્યમાં વ્યાખ્યાનમાળા શ્રવણ કરવાનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કર્યો. પર્યુષણ પર્વમાં ત્યાગ, તપસ્યા, દર્શન, પૂજા, ભક્તિ, ધ્યાન, યોગ, સ્વાધ્યાય કરવાવાળાની જાણે કતાર જામી! આ પાવન પર્વે આત્માના દસ ગુણોની આરાધના કરવાની હોવાથી એન દસ લક્ષણી પર્વ પણ કહેવાય છે. આચાર્ય લોકેશજીએ કહ્યું કે, ‘ પર્યુષણ પર્વની સમગ્ર સાધનાનો નિચોડ છે, જીવનમાં સમતા અને સમાધિ ભાવનો વિકાસ.’
દુબઇ જૈન સંઘમાં ભક્તિ કાર્યક્રમ શ્રી સંજય જૈન અને એમની ટીમ બકુલ પાંડેય તેમજ યોગાચાર્ય કુંદનજીના યોગાભ્યાસમાં સૌએ શ્રધ્ધા અને ઉત્સાહભેર ભાગ લીધો. દુબઇ જૈન સંઘના પ્રમુખ શ્રી વિપુલભાઇ કોઠારી, શેખરભાઇ પટની, ચંદુભાઇ, રાજેશભાઇ સિરોહિયા, કરણભાઇ તથા સમગ્ર સંઘનો ઉત્સાહ અનેરો હતો. આ વર્ષે દુબઈમાં તપસ્યાનો રેકોર્ડ છે. 125થી વધુ લોકોએ અઠ્ઠાઈ તપ કર્યું છે. લગભગ બધી જ સંસ્થાઓએ આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘરની બહાર ન જઇ શકનારને ઘરે બેઠાં એનો લાભ આપ્યો જેથી તેઓ પણ ધર્મની આરાધના કરી ધન્યતા અનુભવી શકે. પર્વ દરમિયાન જીવદયા અને માનવતા માટે ફંડ એકત્ર કરાય છે જે સરાહનીય છે.


comments powered by Disqus