કસરતઃ માત્ર વજન નહીં, સંપૂર્ણ આરોગ્ય પર ફોકસ કરો

Wednesday 13th March 2024 09:48 EDT
 
 

લાંબી ઉંમર અને બીમારીઓથી બચવા માટે કસરત અત્યંત જરૂરી છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ અમલની વાત આવે છે ત્યારે વ્યક્તિ તેને ટાળવા પ્રયાસ કરવા લાગે છે. વ્યસ્ત દિનચર્ચાને કારણે સૌથી પહેલાં કસરતનો ભોગ લેવાતો હોય છે, સમયના અભાવે કસરતને સૌથી પહેલા બંધ કરવામાં આવે છે કે કરવામાં જ આવતી નથી. રિસર્ચ આધારિત આ ચાર ફેક્ટ્સ જણાવે છે કે આવું કેમ ન કરવું જોઈએ.
• 5 મિનિટની કસરત પણ ફાયદાકારક
કોલંબિયા યુનિવર્સિટીનાં મૂવમેન્ટ સાયન્ટિસ્ટ કેરલ ઈવિંગ ગાર્બરના મતે દરરોજ માત્ર 5થી 10 મિનિટ કસરત એંગ્ઝાયટી ઘટાડે છે અને તેનાથી ઊંઘ પણ સારી આવે છે. દરેક યુવાન વ્યક્તિએ નિરોગી અને લાંબા આયુષ્ય માટે સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ એક્સરસાઈઝ કરવી જોઈએ.
• હાર્ટ બીટ વધારતી કસરત કરો
કોઈ પણ શારીરિક એક્ટિવિટી કે જેનાથી તમારી હાર્ટ બીટ સામાન્યથી થોડી તેજ થઈ જાય એ તમારા માટે ફાયદાકારક છે. જો તમે મેક્સિમમ હાર્ટ રેટના 50થી 70 ટકા સુધી પણ પહોંચો છો તો આ ગતિવિધિ તમારા માટે પુરતી છે. મેક્સિમમ હાર્ટ રેટ એટલે શું? કોઈ પણ વ્યક્તિ 220માંથી વર્તમાન ઉંમર ઘટાડશે તો તેને જે આંકડો મળશે તે થયો મેક્સિમમ હાર્ટ રેટ. બસ, તમારે આ આંકડાના 50થી 70 ટકાના આંકડાને ટાર્ગેટ કરવાનો છે.
• હૃદય રોગ અને કેન્સરનું જોખમ ઘટે
અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ અને એક્સરસાઈઝ સાઈકોલોજિસ્ટ બેથ લેવિસ કહે છે કે એક્સરસાઈઝ તમારા સર્વાંગી આરોગ્ય પર અસર નાખે છે, નહીં કે વજન પર. તેનાથી વજન તો ઘટે જ છે, હૃદયરોગ, અનેક પ્રકારના કેન્સર, ડિપ્રેશન, ટાઈપ-2 ડાયાબિટીસ, ઈન્સોમ્નિયા જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.
• સપ્તાહમાં એક દિવસ કસરત પણ અસરકારક
જામા ઈન્ટરનેશનલ મેડિસિનમાં પ્રકાશિત એક રિપોર્ટ જણાવે છે કે, જે લોકોએ સપ્તાહમાં માત્ર એક કે બે વખત પણ 150 મિનિટ કસરત કરી હતી તેમનામાં એ તમામ ફાયદા જોવા મળ્યા જે વધુ દિવસ સુધી કસરત કરવાથી મળે છે. આ રિસર્ચ સરેરાશ 10 વર્ષથી કસરત કરી રહેલા 3.5 લાખ લોકો કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus