યુનાઈટેડ કિંગ્ડમની માફક ભારતમાં પણ સામાન્ય ચૂંટણીનો બૂંગિયો વાગી રહ્યો છે. જોકે, બંને દેશની પરિસ્થિતિ અલગ છે. યુકેમાં શાસક કન્ઝર્વેટિવ પાર્ટીની હાલત જરા ડામાડોળ છે અને વિરોધ પક્ષ લેબર પાર્ટી અત્યારે તો મજબૂત જણાય છે. જોકે, ભારતમાં શાસક ભાજપ અને તેના સાથી પક્ષો મજબૂત છે અને 400થી વધુ બેઠકો લાવવા મક્કમ છે ત્યારે સંખ્યાબંધ વિરોધપક્ષો તદ્દન નબળી હાલતમાં છે. એક સમયે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તત્કાલીન વિરોધપક્ષોને નારંગી સમાન ગણાવ્યા હતાં જેનું પડ ખુલતાંની સાથે જ પેશીઓ પણ અલગ અલગ થઈ જાય છે. આજે પણ ભારતના વિરોધ પક્ષો આવી જ હાલતમાંથી પસાર થઈ રહ્યા છે.
ભાજપના NDA એલાયન્સને ટક્કર મારવા સપ્ટેમ્બરમાં 27 વિરોધ પક્ષોએ એકત્ર થઈ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A)નામના મહાગઠબંધનની રચના કર્યાને માંડ છ મહિના થયાં છે ત્યાં તો નારંગીની પેશીઓની માફક કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ), એનસીપી (શરદ પવાર), આમ આદમી પાર્ટી, બસપા, આરજેડી, નેશનલ કોન્ફરન્સ સહિતના રાજકીય પક્ષો કોઈ વાતે સહમત થઈ શકતા નથી. ભાજપને હરાવી શાસન કરવાના એક માત્ર સ્વપ્નમુદ્દાને આગળ ધરી ‘કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી’ની અવસ્થામાં તેઓ તો ઘોડા વિના જ જીન પર બેસવાની વાતો કરી રહ્યા છે. લોકોની નાડ પારખી પોતાની તરફેણમાં આકર્ષી શકે તેવા લોકનેતાના અભાવની સાથોસાથ તેમને એકત્ર રાખી શકે તેવી વિચારધારા કે કોમન મિનિમમ પ્રોગ્રામનું પણ અસ્તિત્વ નથી.
બીજી તરફ, ભાજપએ નવી લહેર ઉભી કરી છે અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં પોતાનું ભાવિ નહિ જોઈ શકતા નાના મોટા નેતાઓ તેના પ્રવાહમાં ડૂબકી મારવા કેસરિયો ખેસ પહેરી લેવા ઉતાવળા થયા છે. ભાજપ નીતનવી સોગઠીઓ મારી નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ જેવા નેતાઓને એનડીએ એલાયન્સમાં ખેંચી લાવવામાં સફળ થયો છે. ચૂંટણી જાહેર થયા પહેલા જ તે નિશ્ચિત રણનીતિ સાથે ઈલેક્શન મોડમાં આવી ગયો છે I.N.D.I.A ગઠબંધનની હાલત ‘બારા ભૈયા તેરા ચૌકા’ જેવી થઈ છે. મમતા બેનરજીએ તો બંગાળ સુવાંગ પોતાનું જ હોય તેમ ‘એકલો ચાલો રે’ની હાકલ કરી દીધી છે. આમ આદમીના કેજરીવાલ પણ પંજાબમાં કોંગ્રેસને નીચું દેખાડવામાંથી ઊંચા આવતા નથી. આ બધામાં ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની હાલત દયનીય છે. જોકે, આ માટે તેની નેતાગીરી કે હાઈ કમાન્ડ જવાબદાર ગણી શકાય. જ્યારે રાજકીય દાવપેચ રમવાના હોય તેવા સમયમાં કોંગ્રેસના મહત્ત્વના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રામાંથી ઊંચા આવી રહ્યા નથી. આવી હાલતમાં યોજાયેલી ચૂંટણીમાં વિરોધપક્ષો કેવી રીતે શાસક પાર્ટીને પડકાર આપી શકશે તે યક્ષપ્રશ્ન છે.
