આખરે ચાન્સેલર જેરેમી હન્ટે 2024ના સ્પ્રિંગ બજેટના પાના ખુલ્લાં કરી દીધા છે જેમાં જનરલ ઈલેક્શનની છડી પોકારાઈ હોય તેવા સ્પષ્ટ ચિહ્નો નજરે પડે છે. ચાન્સેલરની બજેટ સ્પીચમાં સ્વાભાવિક રીતે સરકારની કામગીરીના ગુણગાન જોવા મળે છે તેના કરતાં વધુ તો કન્ઝર્વેટિવ પાર્ટીને મતદારોના દિલમાં ફરી જગા મળે તેનું ધ્યાન વિશેષ રાખવામાં આવ્યું છે.
લોખંડી મહિલા વડા પ્રધાન માર્ગારેટ થેચરે સૌ પહેલા કન્ઝર્વેટિવ સરકારે બજેટમાં કેવો અભગમ રાખવો જોઈએ તેનો ખ્યાલ રજૂ કર્યો હતો. થેચર કહેતાં કે, ‘ઊંચા ટેક્સીસથી વેગળાં રહો. કોઈ પણ સરકાર ઊંચા ટેક્સેશન રાખે તે પોતાના હાથમાં વધુ સત્તા આપે છે અને પ્રજાને ઓછી.’ આ 14 વર્ષનાં ટોરી શાસનમાં સાતમા ચાન્સેલર જેરેમી હન્ટે મેગી થેચરની સલાહ માનવામાં શાણપણ જોયું છે. વર્કર્સ, ડ્રાઈવર્સ અને ડ્રિન્કર્સ માટે ટેક્સીસમાં કાપ મૂકવા સાથે તેમણે વર્કિંગ પેરન્ટ્સના ખિસ્સામાં વધુ નાણા રહે તેનો વિચાર કર્યો છે અને સમગ્રતયા ટેક્સનો બોજો ઊંચો રહેવા છતાં, સરકારની દિશા શું રહેશે તેનો સંકેત આપી દીધો છે.
બ્રિટિશ પાર્લામેન્ટના જનરલ ઈલેક્શન પહેલાના આખરી બજેટમાં ચાન્સેલર હન્ટે વર્કિંગ ક્લાસને જીતવાનો પ્રયાસ કર્યો છે અને નેશનલ ઈન્સ્યુરન્સમાં બે ટકાની રાહત જાહેર કરી છે. મોંઘવારીમાં માર ખાઈ રહેલા પેરન્ટ્સને રાહત આપવા માટે ચાઈલ્ડ બેનિફિટ્સનું કવરેજ વધારી દીધું છે. યુનિવર્સલ ક્રેડિટ મેળવનારા પરિવારોએ સરકાર પાસેથી મેળવેલી ઈમર્જન્સી લોન્સ તાત્કાલિક ભરવી ન પડે તે માટે એક વર્ષની વધારાની મુદત જાહેર કરીને પરિવારોના ખિસ્સામાંથી તત્કાળ નાણા ઘટે નહિ તેવી પેરવી કરીને તેમને ખુશ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ફ્યૂલ ડ્યૂટીમાં વધારો નહિ કરી વાહનચાલકો અને આલ્કોહોલ ડ્યૂટી સ્થગિત રાખીને ડ્રિન્કર્સને રીઝવ્યા છે. હાયર પ્રોપર્ટી કેપિટલ ગેઇન ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
ચાન્સેલરની સૌથી મોટી જાહેરાત નોકરિયાતો અને સ્વરોજગારીઓ માટે નેશનલ ઈન્સ્યુરન્સમાં બે ટકાની રાહત આપવાની છે અને તેના વિશે અગાઉથી જાણ થઈ ગઈ હોવાં છતાં, તેનું મહત્ત્વ ઘટી જતું નથી. ચાન્સેલરે નવેમ્બરના ઓટમ સ્ટેટમેન્ટમાં એમ્પ્લોઈ કન્ટ્રિબ્યુશનમાંમ આટલો જ ઘટાડો જાહેર કરાયો હતો તેને ધ્યાનમાં રાખતા તેમણે ચાર મહિનાના ગાળામાં 27 મિલિયન વર્કર્સના ખિસ્સામાં સરેરાશ 900 પાઉન્ડ મૂકી દીધાં છે. વર્તમાન જીવનનિર્વાહ કટોકટીમાં પીસાતા પરિવારો માટે આ મોટી રાહત કહી શકાય. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડિત પરિવારોને મદદ માટે શરૂ કરાયેલા ભંડોળની મુદત વધુ 6 મહિના લંબાવીને રાહત પૂરી પાડી છે.
એવું પણ નથી કે ચાન્સેલરે છૂટા હાથે લહાણી કરી છે. ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત નહિ આપીને સરકારની તિજોરીમાં ગાબડું પડે નહિ તેવો પ્રયાસ પણ કર્યો છે. હવાઈ પ્રવાસમાં ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના પ્રવાસીઓ માટે એર પેસેન્જર ડ્યૂટી લાદી છે. વેપ્સ પર ટેક્સ અને તમાકુ પર ડ્યૂટી વધારો નિર્ણય પણ આવકારદાયક જ ગણાવી શકાય. ઓઇલ કંપનીઓ પરના વિન્ડફોલ ટેક્સની મુદત એક વર્ષ લંબાવી છે. વધુ પ્રોપર્ટી ખરીદનારાઓને અંકુશમાં રાખવા સ્ટેમ્પ ડ્યૂટીની રાહત નાબુદ કરી છે.
સ્વાભાવિક રીતે જ કોઈ પણ બજેટમાં તમામ વર્ગોને ખુશ કરી શકાતા નથી અને ઘણી વખત વિરોધ સાચો પણ હોય છે. પ્રાઈમ મિનિસ્ટર સુનાક અને ચાન્સેલર હન્ટ બજેટમાં ડિફેન્સ સેક્ટરને ઓછી ફાળવણી મુદ્દે ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે.
કન્ઝર્વેટિવ્ઝ ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીથી ઘણાં પાછળ છે અને પ્રાઈમ મિનિસ્ટર સુનાકની લોકપ્રિયતા પણ તળિયે છે. મતદારોને એમ લાગે છે કે અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા લેબર પાસે જાદુઈ ચિરાગ છે. ચૂંટણીના વર્ષમાં બજેટ કોઈ પણ રાજકીય પક્ષને મતદારોને રીઝવવાનું સ્પ્રિંગબોર્ડ આપે છે. ચાન્સેલર હન્ટે પણ મતદારોને રીઝવવાનું કાર્ય કર્યું છે. જોકે, તેઓ કેટલા સફળ થશે તે તો સમય જ કહેશે. ઈલેક્શનના પરિણામો ગમે તે હોય, નવું બજેટ આવશે જ અને નવા ફેરફારો
પણ લાવશે.
