ભાષાનાં આકાશમાં કેટકેટલાં મેઘધનુષ !

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 13th March 2024 10:08 EDT
 
 

આજકાલ વિવિધ ભાષાના વાહકો સાથે કોઈને કોઈ રીતે મળવાનું, ગોષ્ઠી કરવાનું બને છે. ફેબ્રુઆરીમાં ખ્યાત વિશ્વ પુસ્તક મેળાનું કેન્દ્ર જ બહુભાષી ભારત હતું, તો ભારતીય ભાષાઓ અને બોલીઓનું સમૃદ્ધ સાહિત્ય, સાહિત્યકારો અને પ્રકાશકોનો લાભ મળ્યો. રાષ્ટ્રીય પુસ્તક ન્યાસનું સુંદર આયોજન રહ્યું. ત્યાં વળી સાંસ્કૃતિક નગરી ભોપાલમાં “સર્વ ભાષા ઉત્સવ” માર્ચની વસંતના પ્રારંભે ઉજવાયો. અહી સ્વ. માધવરાવ સપ્રેની સ્મૃતિમાં સુંદર સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર વર્ષોથી સ્થાપિત થયેલું છે. પદ્મશ્રી વિજય દત્ત શ્રીધર તેના સંસ્થાપક છે, તેમણે દેશવ્યાપી ભાષા-કર્મીઓને બોલાવ્યા, આ સ્થાન પોતેજ અગણિત અખબારો, સામયિકો, દુર્લભ પુસ્તકો અને દસ્તાવેજોનું અધ્યયન તીર્થ છે. કાર્યક્ર્મનો પ્રારંભ જ આપણાં ગુજરાતી  રાજયપાલના શુભેચ્છા વક્તવ્યથી થયો. કેટલાંક હિન્દી પુસ્તકોનું લોકાર્પણ થયું, અને પછી હિન્દી સાથેના વિવિધ ભાષાઓનાં અનુબંધ પર વ્યાખ્યાનો થયાં.બંગાળી, કન્નડ, મરાઠી, પંજાબી, મૈથિલી, ગુજરાતી, સંસ્કૃત, રાજસ્થાની, પૂર્વોત્તરની ભાષાઓ અને બોલીઓ, દક્ષિણ ભારતની ભાષાઓ.. વિષે સાર્થક પ્રસ્તુતિ થઈ. એ સારું લાગ્યું કે 80 વર્ષીય વિદ્વાનોથી માંડીને 25 વર્ષની નવોદિત સંશોધિકાનાં વકતવ્યો થયાં. ગુજરાતીના અનુબંધ વિષે મે કહ્યું કે સ્વામી દયાનન્દ સરસ્વતીથી નરસિંહ મહેતા અને મેડતાથી આવેલી મીરા સુધીની ધારા રહી, માતૃભાષા અને રાષ્ટ્રભાષા તરીકે બંનેને આત્મસાત કરીને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ સુધીનો ગૌરવ યુગ ગુજરાતે સર્જ્યો હતો. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખદેવ પ્રસાદ દુબે, ડો. શિવકુમાર અવસ્થી, ચંદ્રકાંત નાયડુ, ડો. સંજય સકસેના, શ્રી રામ પરિહાર, રામ બહાદુર મિશ્રા, સોમદત્ત શર્મા, સરોજ ગુપ્તા, કુલપતિ પ્રા.કે.જી. સુરેશ , સંજય દ્વિવેદી, કૃપાશંકર ચૌબે, ઉષા રાની રાવ, ડો. શાનુ અને બીજા બોલ્યા. જવાહર કર્નાવટનો વિષય રસપ્રદ હતો, વિદેશી ભાષાઓ સાથે હિન્દીનો સંબંધ! તેમણે કહ્યું કે અત્યારે વિશ્વમાં 6000 થી અધિક ભાષા છે. હિન્દી, અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેંચ, અરબી, બંગાળી, પુર્તગાલી, રશિયન અને ઉર્દુનો સૌથી વધુ બોલાતી ભાષાઓ છે. પણ જુદીજુદી ભાષાઓ એકબીજામાં સમ્મિલિત થઈ તે ઇતિહાસ રસપ્રદ છે. ઇંગ્લિશ હવે હિંગલિશમાં બદલાય તો કોઈને નવાઈ લગતી નથી. ચીન પાછળ નથી. રામાયણમાં ચીન  શબ્દ આવે છે. મહાભારતના સમયે ચીની ઘોડા પ્રખ્યાત હતા. ભારતીય વિદ્વાનો અનેક વિદ્યાને ચીન લઈ ગયા, અનુવાદો થયા.બૌદ્ધ વિદ્વાનોનો ભારત પ્રવાસ ભાષાની દ્રષ્ટિએ મહત્વનો રહ્યો. અહીથી તેઓ એટલી બધી સામગ્રી લઈ ગયા જેના અનુવાદો થયાં. તેમાનો એક અષ્ટ સાહશ્રિકા પ્રગ્નાપારમિતા તો 600 ભાગમાં ચીનમાં ઉપલબ્ધ છે. ચીની સંસ્કૃતિ ભારતનાં કારણે વધુ સમૃદ્ધ થઈ છે. ગાંધી વિચાર અને શ્રી અરવિંદ દર્શન બંને ત્યાં પ્રચલિત છે. ટેનાનમેન સ્ક્વેરમાં યુવકોએ લોકતંત્રનો અવાજ ઉઠાવ્યો તેમાં ગાંધીજીનું નામ લેવાયું હતું. સાહિત્યકાર અગ્નેય  પણ યુવા વિદ્યાર્થીઓએ વાંચે છે. પોર્ટુગલ ભાષાને ભારતમાં તેમના શાસનથી તક મળી. પગાર, અનાનસ, આલમારી, આયા, કમરો, કારતૂસ, સમોસા, બ્રાહમણ , કર્મનું આદાનપ્રદાન સાવ નિજી બની ગયું. તમિલ, કોંકણી, બાંગલા, ગુજરાતી, મરાઠી ભાષા શીખ્યા. વ્યાકરણ પ્રકાશિત કર્યું. રશિયન વ્યાકરણ ભારતીય વ્યાકરણની સાથે ઘણું સામ્ય ધરાવે છે. રશિયન લોકો બાદશાહ, વજીર, શાબાશ, સુલતાન, સંદૂક, અને ચીનીમાથી આવેલો ચાય શબ્દ છૂટથી વાપરે છે. હિન્દી-અરબી વચ્ચે ખાસ્સો સંબંધ છે. મતલબ, કિમત, મુખબીર, ખતરો, હવા, હક, દરિયો, જમાનો, તમામ.. શબ્દો ગઝલકારો અચૂક વાપરે છે, તે અરબી ભાષાથી પસાર થઈને આવ્યા. અરબીમાં 28 અક્ષર છે, ફારસીમાં 32. આ બધા લખવામાં  ડાબેરી છે. ગાયબ, મૌત, શરાબ, જવાબ, કુરબાની, આઈના, તરકીબ, અદાલત, દિમાગ, આઝાદ, અમીર, કલમ, અફસોસ, કરીબ, ઈલાજ, કિસ્સા, ખિલાફ, ગરીબ, શાદી, કિમત, શેતાન, શહીદ .. અને બીજા કેટલાક તુર્કી ભાષાના શબ્દો યે ખરા. ડચ ભાષાની  પ્રજાને ગિરમીટીયા પ્રથાનો  અનુભવ છે. આફ્રિકા અને બીજા દેશોમાં ભારતીય મજદૂરોએ તેની અપાર પીડા સહન કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી નીકળી પડેલા સાહસિક ગુજરાતીઓ તે સમયે આ ભાષાઓ અને બોલીઓનો છૂટથી ઉપયોગ કરતાં હતા, તેનો અંદાજ સાગર કથાઓના આપણાં લેખક ગુણવંતરાય આચાર્યની નવલકથાઓમાં મળશે. હંગેરીમાં જન્મેલી ચિત્રકાર અમૃતા શેરગિલ કહેતી કે ઘણી ભાષાનું પાણી પીધા પછી પણ હું કહીશ કે દેશ તો મારો ભારત છે. નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ડચ ભાષા બોલાય છે, અને હિન્દી સંસ્કૃતમાં અધ્યયન પણ અસ્તિત્વમાં છે. એન (એક), ટ્વે(બે ), દ્રી(ત્રી), ઝેવન (સપ્તમ), આખ્ટ(આઠ) ...અને ત્યાની ભાષામાં આપણાં શબ્દો પ્રચલિત છે ગુરુ, કર્મ. ભગવાન, મંદિર, પૂજા, યોખા-ગ , માં, અને પા... ઇતિહાસની દ્રષ્ટિએ નેધરલેન્ડનાં પશ્ચિમ કિનારે નેતાજીની આઝાદ હિન્દ ફોજના 3000 સૈનિકો રહેતા હતા તેનું પુસ્તક અને દસ્તાવેજી ફિલ્મ તે ભાષામાં બન્યા છે. સુરીનામ તો નાનું ભારત જ છે.ભોજપુરી ભાષા દરેક ગલી, દરેક દુકાનમા અને મંદિરોમાં, ઉત્સવોમાં મળે. અહી કવિ, નવલકથાકાર પણ હિન્દી જગતમાં ખ્યાત છે. સુરીનામની રાષ્ટ્રીય ભાષા ડચ છે, અને વર્તમાન રાષ્ટ્રપતિ સંતોખી આવ્યા ત્યારે તેમણે સંસ્કૃત ભાષામાં સોંગંદ લીધા હતા. આ ઉપરાંત શ્રીલંકાની સિંહાલી. મલાયાની મલય સહિતની ભાષાઓની તમામ વિશેષતાઓ એક દિવસમાં જાણવી કે કહેવી  મુશ્કેલ હોવા છતાં ચુસ્ત આયોજનને લીધી 30 જેટલા વકતાઓએ ભાગ લીધો. યુવા સંશોધક વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ નોંધનીય હતી. આપણે પણ અહો રુપમ, અહો ધ્વનિની નિરર્થકતાને બાજુ પર રાખીને ભાષા-વૈભવની પહેચાન ઉત્સુક લોકોને થાય તેવું કેમ નાં થાય?  


comments powered by Disqus