7 માર્ચે ગુજરાત સમાચારના ઝૂમ ઇવેન્ટ પ્લેટફોર્મ ‘સોનેરી સંગત’ દ્વારા મહાશિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સમાચારના ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરિયા દ્વારા સૌપ્રથમ સૌને મહાશિવરાત્રીના પાવન પર્વની શુભકામના પાઠવતાં મહાદેવ સહુકોઇની મનોકામના પૂરી કરે એવી લાગણી વ્યક્ત કરી હતી.
કોકિલાબહેન પટેલે કાર્યક્રમનું સંચાલન સંભાળતાં અમદાવાદ ગાંધર્વ વિદ્યાલયથી વિષારદ, લંડનમાં સંગીતના ક્લાસ ચલાવતાં અચલાબહેન મિયાણીને આમંત્રણ આપ્યું હતું. અચલાબહેને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવના ભજન ‘શંભુ શરણે પડી...’ અને ‘સત્યમ શિવમ સુંદરમ’ ગીતથી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું.
સુંદર ભજન અને ગીતના રસપાન બાદ અમદાવાદના બ્યૂરો ચીફ નીલેશ પરમારે સપ્તાહના મહત્ત્વના સમાચાર રજૂ કર્યા હતા. જે બાદ કોકિલાબહેને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ સુબોધચંદ્ર શાહનાં પુત્રી અને અમદાવાદના જાણીતાં ઇન્ટિરીયર ડિઝાઇનર કરિશ્માબહેન શાહને આમંત્રિત કર્યા હતાં. કરિશ્માબહેને ઇન્ટિરીયર ડિઝાઇનનું મહત્ત્વ સમજાવવાની સાથોસાથ આંત્રપ્રિન્યોરને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તે માહિતી આપી હતી.
જીવ અને શિવને એકાકાર કરતો શિવરાત્રીનો પર્વનું મહાત્મ્ય અને મહિમા સમજાવવા કોકિલાબહેન દ્વારા અયોધ્યામાં જન્મેલા અને લખનઉમાં ઉછરેલા સનાતની અભિયોગીજીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અભિયોગીજી એસએસ યુકે સનાતન શિક્ષા અને સનાતનીસ ઇન યુકે અને ભારતના પ્રેસિડેન્ટ અને સ્થાપક છે. તેઓ હિન્દુ અને સનાતન ઓર્ગેનાઇઝેશનમાં જઈ સનાતન અને વૈદિક ધર્મનું બાળકોને શિક્ષણ આપે છે.
અભિયોગીજીએ કહ્યું કે, મહાદેવના બે વખત વિવાહ થયા. પ્રથમ વખત તો તેમના વિવાહ દક્ષ પ્રજાપતિની પુત્રી સતી સાથે થયાં. વિષ્ણુ ભક્ત દક્ષ પ્રજાપતિ શિવને પસંદ કરતા નહોતા. તેમના દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરે છે, જેમાં શિવ સિવાય તમામને આમંત્રિત કરાયા હતા. જે અંગે આદ્યશક્તિ માતા સતી નારાજ થયા, ઉપરાંત શિવનું અપમાન પણ કરવામાં આવ્યું. જે બાદ ક્રોધમાં ભભૂકેલાં મા સતી એ જ યજ્ઞકુંડમાં પોતાની જાતને ભસ્મ થઈ જાય છે. આ ઘટનાક્રમથી મહાદેવથી ભારે ક્રોધિત થઈ જાય છે અને પોતાના ગણ વીરભદ્રને પ્રકટ કરે છે, જે દક્ષ પ્રજાપતિનો વધ કરી દે છે. જે બાદ માતા સતીનું સળગતું શરીર લઈ મહાદેવ સમગ્ર બ્રહ્માંડમાં વિચરણ કરે છે. આ પ્રકારે દુઃખી થઈ મહાદેવ માત્ર વિચરણ કરતા હોઈ સંસારનું સંચાલન રોકાઈ જાય છે. તેમના આ દુઃખને દૂર કરવા અને તેમને ફરીથી સભાન કરવા ભગવાન વિષ્ણુ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી માતા સતીના શરીરના ટુકડા કરી દે છે. માતાના શરીરના આ ટુકડા જ્યાં જ્યાં પડે છે, ત્યાં શક્તિપીઠનું નિર્માણ થાય છે. આ શક્તિપીઠ સનાતન ધર્મ માટે આસ્થાના કેન્દ્રસમાન છે. આ ઘટનાક્રમ બાદ મહાદેવ સમાધિમાં તલ્લીન થઈ જાય છે.
થોડાં વર્ષો બાદ માતા સતી હિમાવનનાં પુત્રી પાર્વતીજીના રૂપે જન્મ લે છે. હિમાવનના મહેલમાં રહેતાં પાર્વતીજીને ભગવાન શંકરને પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે. જે મુજબ નવરાત્રીમાં માતા સતીનાં રૂપ પાર્વતીજીની પણ પૂજા થાય છે. મનુષ્યરૂપે જન્મેલાં માતા પાર્વતી 12 વર્ષની ઉંમરે મહાદેવને પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે અમરનાથ ગુફામાં પૂજા કરવા નીકળી જાય છે. એટલા માટે જ અમરનાથ ગુફા હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આમ મહાદેવને તે રિઝે છે અને મહાદેવ તેમના ભૂતગણ સાથેની જાન સાથે પાર્વતીજી સાથે લગ્ન કરવા પહોંચે છે. આ સમયે ભગવાન વિષ્ણુના માતા પાર્વતીના ભાઈનું પદ લઈ લગ્નમાં ભાગ લે છે. આ દૈવીય લગ્ન આખી રાત ચાલે છે, જે અનુસંધાનમાં આજેય શિવરાત્રી ઊજવાય છે.
શિવરાત્રીનું મહાત્મ્ય જાણ્યા બાદ કોકિલાબહેન દ્વારા પૂજાબહેન રાવલને આમંત્રિત કરવામાં આવ્યા. પૂજાબહેને જણાવ્યું કે, બ્રિટન સહિત દેશવિદેશ અને પોતાના વતનમાં બનતી ઘટનાઓ, સમાચારો, આરોગ્યવર્ધક માહિતી, બોલિવૂડના સમાચાર, વાનગીઓ, હાસ્યલેખો, લેટેસ્ટ ફેશન અને અનેક વાનગીઓનો રસથાળ સહિતની અનેક પ્રકારની માહિતી ગુજરાત સમાચાર તમને ઘરેબેઠાં આપે છે. અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા સતત 52 વર્ષથી સેવાયજ્ઞ અને જ્ઞાનયક્ષની ધુણી ધખાવી રાખી છે. અમારા એડિટર ઇન ચીફ સી.બી. પટેલ અમને વારંવાર કહે છે, મારા ઇષ્ટદેવ મહાદેવ પહેલાં મારો ભગવાન મારો વાંચક છે. મારી વિનંતી છે કે તમે આ સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞનો એક ભાગ બનો અને તમારા સગાંસંબંધીઓને પણ બનાવો. અમે નારીશક્તિની ઉજવણી કરી રહ્યા છીએ, જે અંતર્ગત અમે 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. સાથોસાથ દરવર્ષે દિવાળી મેગેઝિન, કેલેન્ડર, અમારા થીમ બેઝ અલગ અલગ મેગેઝિન્સ પબ્લિશ કરતા રહીએ છીએ. અમારી ટીમનો તમે સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી તમે સંપર્ક કરી શકો છો. અમારો ટેલિફોન નંબર છે - 0207 749 4080 અને જાહેરાત માટે સંપર્ક કરો - 0207 749 4085 પર.
ગુજરાત સમાચારના જ્ઞાનયજ્ઞમાં કોકિલાબહેન દ્વારા રાજભાઈ ગંભીરને આમંત્રણ આપવામાં આવ્યું, જેમણે પોતાના અવાજમાં ‘ભોલે બાબા તેરી ક્યાહી બાત હૈ’ ગીત ગાઈને સહુકોઈને મહાદેવની ભક્તિના રસમાં તરબોળ કરી દીધા હતા.
‘સોનેરી સંગત’ના આ કાર્યક્રમના અંતે ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલે જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં શિવ મહાત્મ્ય જાણી સામૂહિક સાધના કરી, જે પ્રશંસનીય છે. સામૂહિક સાધના અને ભક્તિનું પણ આગવું એક મહત્ત્વ હોય છે. અમેરિકાની એક રિસર્ચ કંપનીએ ભારતમાં અને પરદેશમાં આપણા ભારતીયો વસે છે તેમનો અભ્યાસ કર્યો છે. તેમના હિસાબે સનાતન ધર્મમાં અનેક દેવ-દેવી અને સંપ્રદાયો છે, પરંતુ અડધાથી વધુ ભગવાન શંકરને ઇષ્ટદેવ માને છે. સ્વામિનારાયણ, વૈષ્ણવ, વાણિયા, શિખ આ બધા જ ધર્મમાં શિવની આરાધના એક કે બીજી રીતે થાય છે. ગયા સપ્તાહના ગુજરાત સમાચારમાં એક સરસ લેખ વાંચ્યો હશે ‘મહાશિવરાત્રીઃ ભોળા શંભુની કૃપા પામવાનો મહામૂલો અવસર’. એમાં વર્ણન છે કે ભગવાન શંકર કયા સ્વરૂપમાં છે અને તેનાં કયાં કયાં લક્ષણો છે, લિંગની પૂજા કેમ થાય છે તેનું વિવરણ છે. કાર્યક્રમના અંતે અચલાબહેનના સ્વરે ગવાયેલી શિવમાનસ પૂજા ‘રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ’થી કરાયું હતું.

