ન્યૂયોર્કઃ અમેરિકન અધિકારીઓના હવાલાથી અમેરિકન મીડિયા નેટવર્ક સીએનએન રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો છે. અહેવાલોમાં જણાવાયું હતું કે વર્ષ 2022માં રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દખલ બાદ તેમણે આ પ્લાન પડતો મૂક્યો હતો. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ યોજના ત્યારે ઘડી હતી જયારે રશિયન સેનાએ યુદ્ધના મોરચે એક બાદ એક આંચકાનો સામનો કરવો પડી રહ્યો હતો. સીએનએન અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તે સમયે બાઇડેન વહીવટીતંત્રને ચિંતા સતાવી રહી હતી કે રશિયા યૂકેન સામે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાએ તે સંજોગોમાં રશિયાને આવું કરતું રોકવા ભારત સહિતના રાષ્ટ્રોની મદદ લીધી હતી. રશિયાને જે સીધો સંદેશો આપવો મુશ્કેલ હતો તે સંદેશો એવા દેશો મારફતે તેના સુધી પહોંચાડવા પ્રયાસ થયો હતો કે જે દેશોનું રશિયા સાંભળતો આવ્યો છે. વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓએ આપેલા જાહેર નિવેદનોએ તે સંકટને ટાળવામાં મદદ કરી હતી. રિપોર્ટ અનુસાર 2022માં અમેરિકન અધિકારીઓ તે વખતે ચિંતિત થયા હતા જ્યારે તેમને આશંકા થઈ હતી કે યૂક્રેનમાં વધી રહેલા પડકારો સામે રશિયા પોતાના વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આ તે વખતનો ઘટનાક્રમ છે જ્યારે યૂક્રેનની સેનાઓ દક્ષિણમાં રશિયન સેનાના કબજા હેઠળના ખેરસોનમાં આગળ વધી રહી હતી.