નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, 125 દેશના મંચ 'ગ્લોબલ સાઉથ'ને ભારત પર ભરોસો છે. ગયા વર્ષે ભારતે અન્ય દેશોની ચિંતા જાણવા યોજેલી બે બેઠકમાં ભાગ ન લેનારા ચીન પર તેમનો વિશ્વાસ નથી.
વિદેશમંત્રીએ શુક્રવારે ભારત-જાપાનની ભાગીદારી અંગેના “નિકાઈ ફોરમ'માં જણાવ્યું કે, “ગ્લોબલ સાઉથના દેશો ઘણા મુદ્દે એકબીજાની ચિંતાને સમજે છે. કોવિડ વખતે તેમની આ લાગણી તીવ્ર બની હતી, કારણ કે ગ્લોબલ સાઉથના ઘણા દેશોને લાગ્યું હતું કે તેમને આખરી તબક્કામાં વેક્સિન મળી હતી.
2020ના રક્તપાતનું ચીન જવાબદારઃ જયશંકર
2020માં સરહદ પર થયેલા રક્તપાત માટે ચીનને જવાબદાર ઠેરવતાં વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ચીને ભારત સાથે લાંબા સમયથી કરારોનું પાલન કર્યું નથી. રાયસિના રાઉન્ડ ટેબલમાં બોલતાં જયશંકરે બાકીની દુનિયા તરફના રશિયાનાં અભિગમમાં કેવું પરિવર્તન આવે તેવી તેમની અપેક્ષા અંગે પણ વાત કરી હતી.
વિદેશમંત્રીએ ચીન મુદ્દે જણાવ્યું કે, 2020 સુધીનાં 45 વર્ષ સુધી સરહદ પર રક્તપાત થયો ન હતો અને 2020માં તે બદલાઈ ગયું હતું. આપણે ઘણા મુદ્દા પર અસંમત હોઈ શકીએ, પરંતુ કોઈ દેશ ખરેખર પડોશી સાથેના લેખિત કરારોનું પાલન કરતો નથી, ત્યારે સંબંધોની સ્થિરતા અને ઇરાદા પર પ્રશ્નાર્થચિન્હ ઊભું થાય છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે ખોરવાઈ ગયા હતા.

