કાગારોળ છતાં બ્રિટન માટે ઇમિગ્રન્ટ કામદારો અનિવાર્ય...

Wednesday 14th August 2024 06:03 EDT
 

તાજેતરમાં સ્કોટલેન્ડની ગ્લાસ્ગો સાઉથ વેસ્ટ બેઠકના લેબર સાંસદ અને અગ્રણી સર્જન ડો. ઝુબિર એહમદે કહ્યું કે જો ઇમિગ્રન્ટ કર્મચારીઓ નહીં હોય તો એનએચએસ ધરાશાયી થઇ જશે. યુકેમાં હાલ ઇમિગ્રેશનના ઊંચા આંકડાઓ પર કાગારોળ મચાવવામાં આવી રહી છે. અગાઉની રિશી સુનાક સરકારે નેટ ઇમિગ્રેશન પર લગામ કસવા વિવિધ વિઝા નિયંત્રણો આકરાં બનાવ્યાં છે. પરંતુ અહીં સૌથી મહત્વનો સવાલ એ છે કે શું યુકેને ઇમિગ્રન્ટ્સ સિવાય ચાલે તેમ છે? યુકેના સ્થાનિકો કામ કરવા માગતા નથી અને જે ઇમિગ્રન્ટ્સ અહીં આવીને મહેનત કરવા માગે છે તેમની સામે કાગારોળ પણ મચાવી રહ્યાં છે. તાજેતરમાં સાઉથપોર્ટમાં થયેલા હત્યાકાંડ બાદ અફવાઓના કારણે ફાર રાઇટ્સ દ્વારા માઇગ્રન્ટ્સ અને તેમના બિઝનેસોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા તે તેનું વરવું ઉદાહરણ છે. યુકેમાં નવેમ્બર 2023થી જાન્યુઆરી 2024 વચ્ચેનો ઇકોનોમિક ઇનએક્ટિવિટી એટલે કે કોઇપણ પ્રકારનું આર્થિક ઉપાર્જન નહીં કરનારાઓનો દર 21.8 ટકા હતો એટલે કે આ સમયગાળામાં 16થી 64ની વયજૂથમાં આવતા 9.2 મિલિયન બ્રિટિશરોએ આર્થિક ઉપાર્જન માટે રોજગાર કર્યો નહોતો અથવા તો નોકરી ધંધાનો પ્રયાસ પણ કર્યો નહોતો. કોરોના મહામારી પહેલાં પણ આ આંકડો 7,00,000નો હતો. એકતરફ યુકેનું વેપાર અને ઉદ્યોગજગત કુશળ કામદાર અને કર્મચારીઓની અછતની ફરિયાદો કરી રહ્યું છે તો બીજીતરફ બ્રિટિશરોને જ કોઇ કામધંધો કરવો નથી. ઓએનએસના આંકડા પ્રમાણે વર્ષ 2023માં 18થી 25ના વયજૂથના 2.7 મિલિયન લોકો કોઇ કામધંધો કરતાં નહોતાં. તેમની કોઇ નોકરી કરવાની ઇચ્છા જ નહોતી. બીજીતરફ 50થી વધુ વયના 3.5 મિલિયન એવા પણ હતાં જેમણે માંદગીના કારણે અથવા તો વહેલી નિવૃત્તિના કારણે કામધંધાને અલવિદા કહી દીધી છે. એવું નથી કે બ્રિટનમાં નોકરીઓની અછત પ્રવર્તી રહી છે. સરકારના જ આંકડા પ્રમાણે કોરોના મહામારી પછી દેશમાં 1.5 મિલિયન નવી નોકરીઓનું સર્જન થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ નોકરીઓ મેળવનારામાં બ્રિટિશરો કરતાં ભારતીયો અને નાઇજિરિયનોની સંખ્યા વધુ છે. 2019 પછી યુકેમાં 4,88,000 નોકરીઓ ભારતીયોએ મેળવી છે જેની સામે યુકેના નાગરિકોએ ફક્ત 2,57,000 નોકરીઓ હાંસલ કરી છે. આ આંકડા જ દર્શાવે છે કે યુકેને વિદેશી કામદારો વિના ચાલે તેમ નથી. આઇટી, હેલ્થ-કેર અને એન્જિનિયરિંગ સેક્ટરમાં પ્રવર્તતી કુશળ કામદારોની અછત બ્રિટિશરો પૂરી કરી શક્તાં નથી અને તેના કારણે જ આ સેક્ટરોને વિદેશી કામદારો પર આધાર રાખવાની ફરજ પડી રહી છે તેમ છતાં દેશમાં ઇમિગ્રન્ટ્સ સામે કાગારોળ મચાવવામાં આવી રહી છે. બ્રિટિશ અર્થતંત્રને ધમધમતું રાખવા માટે ઇમિગ્રન્ટ કામદારો અનિવાર્ય બની ગયાં છે.


comments powered by Disqus