નવી દિલ્હીઃ બાંગ્લાદેશની રાજકીય સ્થિતિને જોઈને પાકિસ્તાન ચિંતામાં મુકાયું છે. પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાવાની આશંકાઓ પર સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જતાં તત્ત્વોને ચેતવણી આપી છે.
અસીમ મુનીરે ચેતવણી આપતાં કહ્યું છે કે, અમારી સેના આ પ્રકારનાં કોઈપણ ષડયંત્રને સફળ થવા નહીં દે, કારણ કે આ દેશની સુરક્ષા માટે હંમેશાં તૈયાર છે. જો કોઈએ પાકિસ્તાનમાં આ પ્રકારની અરાજકતા સર્જવાનો પ્રયત્ન કરશે તો અમે તેને સફળ થવા નહીં દઈએ. આ દુનિયામાં કોઈપણ તાકાત પાકિસ્તાનને નુકસાન નહીં પહોંચાડી શકે, કારણ કે પાકિસ્તાન કયામત સુધી રહેશે.
મૌલવીઓની કોન્ફરન્સને સંબોધતાં મુનીરે કહ્યું કે, દેશ કેટલો મહત્ત્વનો છે તે જાણવું હોય તો ઇરાક, સીરિયા અને લીબિયાને જુઓ. પાકિસ્તાનનું અસ્તિત્વ હંમેશાં રહેશે, કારણ કે તેને કયામતના સમય સુધી બનાવવામાં આવ્યું છે.
કાશ્મીર ન ઉકેલાયેલો એજન્ડા
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ મુનીરે કહ્યું કે, કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ન ઉકેલાયેલો એજન્ડા છે. આ મુદ્દાને ઉકેલવો જરૂરી છે, પરંતુ હજુસુધી તેમાં સફળતા મળી નથી. અફઘાનિસ્તાન શરણાર્થીઓને લઈને તેમણે કહ્યું કે, પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન શરણાર્થીઓનું સમર્થન કરી રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના પાકિસ્તાન સાથેના શાંતિપૂર્ણ સંબંધ જાળવી રાખવા અંગે પણ પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા ભાર આપવામાં આવ્યો છે.

