માલેઃ ભારત વિરુદ્ધ અભિયાન ચલાવી સત્તા પર આવેલા માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુએ શનિવારે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારત હંમેશાં એકદમ નજીકનો સાથી અને મૂલ્યવાન ભાગીદાર રહ્યો છે. માલદિવ્સને જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ભારતે મદદ કરી છે અને તેની પહેલ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. ટાપુ રાષ્ટ્રની સમૃદ્ધિમાં ભારતનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ભારત સાથે તણાવ વચ્ચે મોઇઝ્ઝુએ વિદેશમંત્રી જયશંકર સાથે શનિવારે મુલાકાત કરી હતી અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી.
મોઇઝ્ઝુએ માલદિવ્સને ઉદાર અને સતત મદદ કરવા માટે વડાપ્રધાન મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. એક્ઝીમ બેન્ક દ્વારા ભારતે આપેલી લાઈન ઓફ ક્રેડિટથી આ ટાપુ રાષ્ટ્રમાં રચાયેલી પીવાનાં પાણી અને સીવરેજ ફેસિલિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં મોઇઝ્ઝુએ ભારતની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, આ પરિયોજનાઓ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સીમાચિન્હરૂપ બની રહેશે. માલદિવ્સના પ્રમુખ મોઇઝ્ઝુએ વિદેશમંત્રી જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ ટ્વીટ કરતાં લખ્યું કે, આજે ડો. એસ. જયશંકર સાથે મુલાકાત કરી. માલદિવ્સના 28 ટાપુના જળ, સીવરેજ પ્રોજેક્ટ હસ્તાંતરણમાં તેમની સાથે જોડાતાં મને ખૂબ આનંદ થયો. હું ભારત સરકારનો અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું.

