નવી દિલ્હીઃ ચીને ભારત સહિત 9 દેશોની આશરે 22 હજાર કિ.મી. લાંબી બોર્ડર ઉપર કાવતરાં માટે નવું ડ્રેગન મોડલ બનાવ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ગત 8 વર્ષ દરમિયાન સુરક્ષા પ્રોજેક્ટના નામે 170થી વધુ ચીની ગામોને સરહદ ઉપર વસાવ્યાં છે. ચીનની સેના અહીં રહેવાવાળા ગ્રામીણોનો પોતાના બાતમીદાર તરીકે ઉપયોગ કરે છે. આ ગ્રામજનો વાસ્તવમાં સેનાને બીજા દેશની અંગત માહિતી આપે છે. વધારે પડતાં ગામમાં સેનાના નિવૃત્ત લોકોને વસાવી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અને પ્લેનેટ લેબ્સે 5 વર્ષ સુધી ચીનની આંતરરાષ્ટ્રીય સીમાઓની સેંકડો સેટેલાઈટ ફોટાનો અભ્યાસ કર્યો છે. જેમાં ઉત્તરમાં મંગોલિયાથી લઇને મધ્ય એશિયા, એલએસીથી વિયેતનામ સુધી ચીને ગામો વસાવ્યાં છે.
ગ્રામીણોને પેટ્રોલિંગ માટે 21 હજાર અપાય છે
ચીન સરકાર 10 હજાર ફૂટની સરેરાશ ઊંચાઇ ઉપર વસાવેલાં ગામના લોકોને પેટ્રોલિંગ માટે દર મહિને રૂ. 21 હજાર આપે છે. પ્રત્યેક પરિવારને અહીં વસવા માટે આશરે રૂ. 2.5 લાખ અને યાક આપવામાં આવે છે. ચીન દ્વારા ગામ વસાવવાનું આ રોકાણ લાંબા ગાળે તે વિસ્તારો પર પોતાનો હક જમાવવા માટે સસ્તું છે.

