હાલમાં બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિ ભારત માટે અત્યંત ચિંતાજનક બની રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય ઉપખંડમાં ભારતના પાડોશી દેશોમાં ચાલી રહેલી અંધાધૂંધી ભારતની બાહ્ય અને આંતરિક સુરક્ષા સામે પડકારજનક બની રહી છે. ભારતના પાડોશી દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને મ્યાનમારમાં પ્રવર્તી રહેલી પ્રાદેશિક અને રાજકીય અંધાધૂંધી સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિમાં પલિતો ચાંપતી રહી છે. મ્યાનમારમાં લશ્કરી શાસકો અને બળવાખોરો વચ્ચેની લડાઇ લોહિયાળ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહી છે તો રાજપાક્સા બંધુઓની નીતિઓએ શ્રીલંકાને આર્થિક રીતે પાંગળો બનાવી દેતાં તે વારેઘડીએ ચીનના ખોળામાં બેસી રહ્યો છે. પાકિસ્તાનમાં સેનાના ઇશારે ચાલતી લોકશાહી પ્રચંડ દબાણ હેઠળ ગુંગળાઇ રહી છે તો અફઘાનિસ્તાનમાં અમેરિકા અને સાથીપક્ષોની વિદાય બાદ તાલિબાન ફરી કુંડળી જમાવીને બેસી ગયાં છે. નેપાળમાં લોકશાહીની ગાડી ડગુમગુ કરતાં ચાલી રહી છે. અહીં રચાતી દરેક સરકારનું થોડા જ મહિનામાં બાળમરણ થઇ રહ્યું છે. ભારતની ઉત્તરે આવેલી મહાસત્તા ચીન તો ભારત વિરોધી હિતો માટે સદાય તત્પર રહે છે. એકમાત્ર ભૂતાન ભારતનો એક એવો પાડોશી દેશ છે જેના તરફથી કોઇ કનડગત થતી નથી. તાજેતરમાં બાંગ્લાદેશમાં શેખ હસીનાની પડતીને કારણે ભારતને મોટો રાજદ્વારી અને વ્યૂહાત્મક ફટકો પડ્યો છે. ભારતની વિડંબણા એ છે કે તે એવા દેશોથી ઘેરાયેલો છે જેમાં ભારત વિરોધી અને ભારત તરફી એમ બંને પ્રકારની રાજકીય શક્તિઓ કામ કરી રહી છે. જ્યારે પણ આ દેશોમાં ભારત સમર્થક રાજકીય શક્તિઓ સત્તા પર આવે છે ત્યારે તેમના ભારત સાથેના સંબંધો સારા રહે છે પરંતુ જેવા ભારત વિરોધી પરિબળો સત્તામાં આવે છે કે આ દેશોના ભારત સાથેના સંબંધો વણસી જાય છે. પાકિસ્તાનમાં તો ભારત વિરોધી જ રાજકીય શક્તિઓ શાસન કરતી આવી છે એટલે પાકિસ્તાન ભારતનો કાયમી દુશ્મન બની રહ્યો છે. ચીન પણ સરહદી વિવાદોના મામલે ભારત સાથે વારંવાર શિંગડા ભેરવતો હોવાથી ભારતને ચીન પાસેથી પણ કોઇ અપેક્ષા નથી પરંતુ નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદિવ્સમાં ભારત વિરોધી તત્વો સત્તામાં આવતાની સાથે જ સંબંધોના સમીકરણો ખોરવાઇ જાય છે. બાંગ્લાદેશમાં ભારત વિરોધી સત્તા નવી દિલ્હીને જરાપણ પોષાય તેમ નથી. બાંગ્લાદેશમાં ભારતવિરોધી સત્તાનો સીધો અર્થ એ છે કે ઉત્તરપૂર્વ ભારતના બળવાખોરો અને બાંગ્લાદેશમાં ભારત વિરોધી તત્વોને પ્રોત્સાહન. શ્રીલંકામાં ભારત વિરોધી સત્તાધારીઓનો સીધો અર્થ એ છે કે તેમનું ચીનના ખોળામાં બેસી જવું. નેપાળમાં પણ ભારત વિરોધી સત્તા હંમેશા ચીન તરફ ઢળતી રહી છે. તાજેતરના સમયમાં ભારતના વિશ્વસનીય સાથી ગણાતા માલદિવ્સમાં ભારત વિરોધી તત્વો સત્તામાં આવતાંની સાથે જ ચીનના ખોળામાં બેસી ગયાં હતાં. આમ ભારતનો નંબર વન દુશ્મન ગણાતો દેશ ભારતના પાડોશી દેશોને પોતાની કાખમાં લેવાની એકપણ તક જતી કરતો નથી. પાકિસ્તાન તો અમેરિકાએ પડતો મૂક્યો ત્યારથી ચીનના ખોળામાં જઇને બેસી ગયો છે. આવી સ્થિતિમાં ભારતે તેની કૂટનીતિ અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણમાં વ્યાપક પરિવર્તન કરવાં પડશે. 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સાર્ક સંમેલનને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યું. આ ભારત સરકારની સૌથી મોટી ભૂલ બની રહી છે. સાર્ક સંગઠન અસ્તિત્વમાં હતું ત્યાં સુધી ભારતીય ઉપખંડમાં ભારત મોટા ભાઇની ભુમિકામાં રહેતો હતો અને આસપાસના નાના પાડોશી દેશો ભારતની આ મોટાભાઇની ભુમિકા ખુશીથી સ્વીકારતા પણ હતાં. સાર્ક સંમેલનના કારણે ભારતીય ઉપખંડના દેશો એકબીજા સાથે એક બંધનમાં બંધાયેલા રહેતાં હતાં અને પરસસ્પરના હિતોને ધ્યાનમાં રાખીને પોતાના નિર્ણયો લેતાં હતાં. સાર્ક હાંસિયામાં ધકેલાઇ ગયા બાદ ભારતીય ઉપખંડમાં જાણે કે નેતૃત્વનો એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો છે. ભારત સરકારે આ શૂન્યાવકાશને દૂર કરવા માટે પાકિસ્તાનને બાકાત રાખીને પણ બાકીના અન્ય દેશોને એકસૂત્રે બાંધવા સાર્ક સંગઠનને પુનર્જિવિત કરવું જોઇએ. સાર્ક દ્વારા ભારત ફરી એકવાર ઉપખંડમાં મોટાભાઇની ભુમિકામાં પરત ફરી શકે છે. તેના કારણે સાર્કના સભ્ય અને ભારતના પાડોશી દેશોમાં ચીનની દખલ પણ દૂર કરી શકાશે.
