લગ્નજીવનના ૨૫ કે ૫૦ વર્ષ થાય ત્યારે મોટાભાગે પતિ-પત્ની પરદેશના આહલાદક સ્થળોએ ફરવા જાય અથવા આજકાલ જેનો બહુ ટ્રેન્ડ ચાલે છે એવી "સરપ્રાઇઝ" શાનદાર પાર્ટીનું પરિવારજનો દ્વારા આયોજન થતું હોય છે જેમાં બોલીવુડના ગીત સંગીતની મહેફિલ સાથે મદિરાનું સેવન થતું જોવા મળે છે. પરંતુ કેટલાક સુખી સંપન્ન પરિવારોમાં હજુ સંસ્કાર અને મૂલ્યોનું જતન થતું રહે છે એવા એક પાણખાણિયા પરિવારે તા. ૧૬ જૂને અનોખી રીતે ૫૦ વર્ષની લગ્નજયંતિને ઉજવીને સૌ માટે પ્રેરણા પ્રસંગ બનાવી દીધો.
હેરો અને વેમ્બલીમાં પૂ. મોરારીબાપુની રામકથા, પૂ. ભાઇશ્રી (પૂ. રમેશભાઇ ઓઝા)ની ભાગવત કથા, પૂ. ગિરિબાપુની શિવકથા સહિત સતત સત્સંગ દ્વારા સનાતનધર્મની સેવા કરનાર શ્રેષ્ઠી, “વેસ્ટકોમ્બ" ગૃપના સ્થાપક અને ચેરમેન શ્રી વ્રજભાઇ (વજુભાઇ) પાણખાણિયા અને જયોત્સનાબહેન પાણખાણિયાએ એમના સુખમયી લગ્નજીવનના ૫૦ વર્ષની ગોલ્ડન જયુબિલી ભજન સત્સંગની રંગત સાથે ઉજવ્યો. જેમાં સમગ્ર પાણખાણિયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ અનોખા ઉત્સવમાં સનાતનધર્મના સ્થાનિક સંતો પણ સામેલ થયા હતા. હેઇઝ સ્થિત નવનાત સેન્ટરના વિશાળ હોલમાં બપોરના ૨.૩૦થી સાંજના ૬ વાગ્યા સુધી " વિષ્ણુ ભારત મંડળ"એ હરિહરના નામની રસલહાણ વહાવી હતી. જયસુખભાઇ લાડવા, વિજયભાઇ લાડવા, નિરેન યાદવ- કબીર લાડવા સાથે કાર્યક્રમના મુખ્ય યજમાન એવા વજુભાઇ પાણખાણિયાએ પણ સ્ટેજ પર ભજનમંડળી સાથે બેસીને સ્વલીખિત ભજનો રજૂ કરીને સૌને હરિરસનું પાન કરાવ્યું હતું. નોર્થ હેરો સ્થિત વજુભાઇ પાણખાણિયાનું "વેસ્ટકોમ્બ ગ્રુપ" ઐતિહાસિક અને નવીનત્તમ ઇમારતોના નિર્માણકાર્યમાં સતત બીઝી રહે છે. તેમછતાં એમની યુવા પેઢીમાં ભારતીય સંસ્કાર અને સનાતન ધર્મના મૂલ્યોનું જતન સચવાયેલું દેખાય છે. માતા જયોત્સનાબહેન અને પિતા વજુભાઇના ૫૦ વર્ષના સુખમય લગ્નજીવનને ઉજવવા દિકરા કમલ અને સુનીલ તથા પુત્રવધૂઓ શ્રધ્ધા અને હેતલ અને પૌત્ર-પૌત્રીઓ અનુજ, અનુષ્કા, આર્યા અને શ્રેયાએ દાદા-દાદીની સુવર્ણ લગ્નજયંતિમાં હર્ષભેર ભાગ લીધો હતો.
પુત્રવધૂ શ્રધ્ધાએ શ્રીનાથજીનું સુંદર કંઠે ભજન રજૂ કર્યું ત્યારે સૌએ ઉભા થઇ તાળીઓથી વધાવી હતી. વર્ષોથી ભજન સત્સંગમાં હરિગુણનો રસપીનાર વજુભાઇના મોટાભાઇ મનોજભાઇ પાણખાણિયાએ પણ સુંદર કંઠે ભજન રજૂ કર્યું હતું. વજુભાઇ અને જ્યોત્સનાબહેનના સુખી-સંપન્ન સુવર્ણ લગ્નોત્સવમાં સામેલ થયેલા સંતોએ અયોધ્યાના રામમંદિરનું સ્મૃતિચિહ્નન ભેટ અને શાલ અર્પણ કરી દંપતિને શુભાશિષ પાઠવ્યા હતા. વિષ્ણુ ભારત મંડળીએ પણ વજુભાઇને શાલ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. “ગુજરાત સમાચાર" પરિવાર તરફથી કોકિલા પટેલે શ્રીમતી જયોત્સનાબહેનને સાડી અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
દાદા-દાદીની લગ્નતિથિએ જ પૌત્ર અનુજ (સુનીલ-હેતલના દિકરા)ની ૧૪મી વર્ષગાંઠ હતી એટલે કાર્યક્રમના અંતે કેક કાપીને ઉપસ્થિત સૌએ અનુજને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી.

