ગુજરાત સમાચારનો આ અંક આપના હાથમાં પહોંચશે તે પહેલાં યુએઇના અબુધાબી ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌપ્રથમ હિન્દુ મંદિર (બીએપીએસ હિન્દુ મંદિર)નું ઉદ્દઘાટન કરી ચૂક્યાં હશે. યુએઇના અબુ મુરૈખાહ જિલ્લામાં 27 એકર જમીન પર ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કરાયું છે. મહત્વની વાત તો એ છે કે આ મંદિરના નિર્માણ માટે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા ફેબ્રુઆરી 2018માં જમીન ભેટમાં અપાઇ હતી. મીડલ ઇસ્ટના ઇસ્લામિક દેશમાં એક હિન્દુ મંદિરની સ્થાપના હિન્દુ સમુદાય માટે ગૌરવપ્રદ ક્ષણની સાથે સાથે એક ઇસ્લામિક દેશમાં અન્ય ધર્મો પ્રત્યેના આદરના ઉદયની પણ ક્ષણ છે. મંદિરના ઉદ્દઘાટન પહેલાં યુએઇ પહોંચેલા મહંત સ્વામી મહારાજનો આવકાર કરતાં દેશના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી મુબારક અલ નાહ્યાને જણાવ્યું હતું કે, યુએઇમાં તમારું સ્વાગત છે. તમારી હાજરીથી અમારો દેશ આશીર્વાદિત થયો છે. અમે તમારી નમ્રતાથી અભિભૂત હોવા સાથે તમારી પ્રાર્થનાઓ અનુભવી શકીએ છીએ. એક ઇસ્લામિક દેશમાં સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રીનું અસ્તિત્વ જ દર્શાવે છે કે ઇસ્લામિક દેશોની અન્ય ધર્મો પ્રત્યેની માનસિકતામાં ધરમૂળથી બદલાવ થઇ રહ્યો છે. વિશ્વમાં 199 જેટલાં દેશમાં 80 કરતાં વધુ દેશ કોઇ એક ચોક્કસ ધર્મની તરફેણ કરે છે. કેટલાક દેશોમાં ચોક્કસ ધર્મ સત્તાવાર માન્યતા ધરાવે છે અને અન્ય ધર્મો કરતાં તે ધર્મને વધુ પ્રાથમિકતા અપાય છે. ઇસ્લામને રાષ્ટ્રના ધર્મ તરીકે માન્યતા આપનાર દેશોમાં 27 દેશનો સમાવેશ થાય છે જેમાં મોટાભાગના દેશ મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકામાં આવેલાં છે. કેટલાંક દાયકા પહેલાં મિડલ ઇસ્ટના ઇસ્લામિક દેશોમાં મૂર્તિપૂજા વર્જિત ગણાતી હતી. તે માટે આકરી સજાની પણ જોગવાઇઓ હતી પરંતુ હવે આ દેશો અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દર્શાવી રહ્યાં છે. યુએઇ દ્વારા કરાયેલી પહેલ અન્ય ઇસ્લામિક દેશોને પણ આકર્ષિત કરશે તે વાતમાં કોઇ શંકા નથી. યુએઇમાં હાયર કમિટી ઓફ હ્યુમન ફ્રેટરનિટી દ્વારા એક અબ્રાહમિક ફેમિલી હાઉસનું નિર્માણ શરૂ કરાયું છે. આ ફેમિલી હાઉસ અબ્રાહમિક માન્યતાઓ પર આધારિત ત્રણેય એટલે કે યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ માટે આંતરધર્મી ચર્ચાઓના કેન્દ્ર તરીકે કામ કરશે, વિવિધ ધર્મો મધ્યે સહઅસ્તિત્વ અને સ્વીકૃતિના મૂલ્યોનું જતન કરશે. આ કોમ્પ્લેક્સ સાદિયાત ટાપુ પર બની રહ્યું છે જેમાં એક સિનેગોગ, ચર્ચ અને મસ્જિદનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં મુલાકાતીઓ દરેક ધર્મની ધાર્મિક પ્રવૃત્તિઓ નિહાળી શકશે અને પવિત્ર રિવાજોનો અનુભવ પ્રાપ્ત કરી શકશે. આ કોમ્પ્લેક્સમાં તૈયાર થનારી ચોથી ઇમારત કોઇ ચોક્કસ ધર્મ સાથે સંકળાયેલી નહીં હોય. અહીં તમામ ધર્ણના લોકો એકસાથે મળીને શૈક્ષણિક અને અન્ય ઇવેન્ટનું આયોજન કરી શકશે. યુએઇ જેવા કટ્ટર ઇસ્લામિક દેશમાં આવેલો આ બદલાવ અત્યંત મહત્વનો ગણી શકાય. ઇસ્લામિક દેશો હવે સારી રીતે સમજી રહ્યાં છે કે ફક્ત ધર્મ આધારિત વૈશ્વિક અને વિદેશ નીતિ તેમને ફરી એકવાર ઊંટ યુગમાં જ પાછી ધકેલી દેશે. આજે યુએઇમાં ભારતીય સમુદાયના 35 લાખ લોકો નોકરી અને વેપારધંધામાં સંકળાયેલા છે. યુએઇ હવે આ સાંસ્કૃતિક વૈવિધ્યતાનો સ્વીકાર કરીને અન્ય ધર્મી સમુદાયોની સંવેદના, લાગણીઓ અને માન્યતા તથા રિતીરિવાજોને માન આપી રહ્યો છે. યુએઇ સારી રીતે સમજી ચૂક્યો છે કે દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂતાઇ માટે અન્ય દેશોની સંસ્કૃતિને પણ માન્યતા આપવી પડશે. યુએઇ ભારતમાં મૂડીરોકાણ કરનારા ટોચના 4 દેશમાં સ્થાન ધરાવે છે. વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનાવવા માટે રૂઢિગત માન્યતાઓનો ત્યાગ કરવો પડશે તે બાબત હવે ઇસ્લામિક દેશો સારી રીતે સમજી રહ્યાં છે. તેના કારણે જ આ દેશો હવે કટ્ટરવાદી અને રૂઢિવાદી માનસિકતાનો ત્યાગ કરી રહ્યાં છે. ઇઝરાયેલ સાથે ઇસ્લામિક દેશોના બાપે માર્યા વેર જેવા સંબંધોના મૂળમાં તો ધાર્મિક માન્યતાઓ જ છે. પેલેસ્ટાઇનનું અસ્તિત્વ કોઇ ધાર્મિક માન્યતાના આધારે નથી. પરંતુ હવે મિડલ ઇસ્ટના ઇસ્લામિક દેશો અને ઇઝરાયેલ વચ્ચે સંબંધો સુમેળભર્યાં બની રહ્યાં છે. યુએઇ તો ઇઝરાયેલ સાથે શાંતિ કરાર પણ કરી ચૂક્યો છે અને હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ન થયું હોત તો સાઉદી અરબ અને ઇઝરાયેલ વચ્ચે પણ શાંતિ કરાર થઇ ગયો હોત. આમ હવે ઇસ્લામિક દેશો ધાર્મિક દ્વેષને અભેરાઇ પર ચડાવી સહઅસ્તિત્વની વાતો કરી રહ્યાં છે. આશા રાખીએ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા કટ્ટરવાદી ઇસ્લામિક દેશો યુએઇના પથદર્શનનું અનુકરણ કરી વૈશ્વિક શાંતિ મજબૂત બનાવવામાં સહયોગ આપશે.
