ધર્મ પરિવર્તનની આડમાં રાજ્યાશ્રય મેળવવાનો કારસો

Wednesday 14th February 2024 05:00 EST
 

ધર્મ પરિવર્તનના આંચળા હેઠળ યુકેમાં રાજ્યાશ્રય મેળવવાનો કારસો ચાલી રહ્યો છે? પોતે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે તેવા દાવા કરીને હત્યારા, બળાત્કારી અને ડ્રગ ડીલરો દેશનિકાલથી બચી રહ્યાં છે. તેમની દલીલ એ રહે છે કે અમે ધર્મ પરિવર્તન કર્યું હોવાથી અમને અમારા વતનના દેશમાં અત્યાચારોનો સામનો કરવો પડશે. મુખ્યત્વે મુસ્લિમ દેશોમાંથી આવતા માઇગ્રન્ટ્સ દેશનિકાલથી બચવા માટે આ રીત અપનાવી રહ્યાં હોવાની ચર્ચા અત્યારે ચરમ પર પહોંચી છે. યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 3માં અપાયેલા અધિકારોના કારણે પણ આવા અપરાધીઓને યુકેમાં રહી જવાની તક મળી જાય છે. અદાલતો દ્વારા અપાતા રાજ્યાશ્રય માટેના ચુકાદા પર નજર નાખીએ તો વિદેશી અપરાધીઓ પોતે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધો હોવાના દાવા કરીને બ્રિટિશ ઇમિગ્રેશન સિસ્ટમનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. તાજેતરમાં જ કેલ્પહામમાં કેમિકલ હુમલો કરનાર અબ્દુલ એઝેદીને એટલા માટે રાજ્યાશ્રય આપવામાં આવ્યો કારણ કે તેણે દાવો કર્યો હતો કે તેણે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરી લીધો છે. એઝેદીના કિસ્સામાં આકરી ટીકા થયા બાદ હવે ચર્ચ પણ ઇમિગ્રેશન અપીલોને સમર્થન આપવાની પોતાની નીતિમાં બદલાવની તૈયારી કરી રહ્યું છે. એઝેદી બળાત્કારના ગુનામાં દોષી ઠરી ચૂક્યો હતો અને હોમ ઓફિસે તેના રાજ્યાશ્રયની અરજી બે વાર નકારી કાઢી હતી. તેથી તેણે પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો સરળ રસ્તો અપનાવી રાજ્યાશ્રય હાંસલ કરી લીધો હતો. ધર્મનો દુરુપયોગ કરી લાભ લેવાનું ઘણું સરળ છે. વ્યક્તિએ સાચા મનથી ધર્મ અપનાવીને ધર્મ પરિવર્તન કર્યું છે તે પૂરવાર કરવું અત્યંત કઠિન છે. ચર્ચમાં નિયમિત હાજરી, ખ્રિસ્તી રિતીરિવાજોનું પાલન વગેરે બાબતો પૂરવાર કરી શક્તી નથી કે વ્યક્તિએ કયા આશયથી ધર્મ પરિવર્તન કર્યું છે. ઇરાન, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા કટ્ટર ઇસ્લામિક દેશોમાં ખ્રિસ્તી ધર્મીઓની સતામણી જગજાહેર છે. તેથી પશ્ચિમના દેશોમાં આ દેશોના લઘુમતી સમુદાયોના લોકોને રાજ્યાશ્રય આપવામાં હળવું વલણ અપનાવવામાં આવે છે. યુકેમાં આવીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો દેખાડો કરીને રાજ્યાશ્રય મેળવવો અત્યંત સરળ બની રહે છે. ચર્ચે પણ હવે આવા કિસ્સાઓમાં સમર્થન આપતાં સો વાર વિચાર કરવો પડશે. 


comments powered by Disqus