ઇન્દિરા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી અને માઉન્ટબેટન જેવી પ્રતિભાઓને વિમાનમાં ઉડાડવાનો મોકો મેળવનાર એવી એક વિમાનચાલક જેને તમામ લાયકાત અને યોગ્યતા હોવા છતાં આરંભે આઠ આઠ એરલાઈન્સે નોકરી આપવાનું નકાર્યું હોય....
પ્રેમ માથુર એનું નામ...પુરુષપ્રધાન ગણાતા હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં પગ મૂકવાનું સાહસ એણે કરેલું. વિમાનચાલક તરીકેનો પરવાનો પણ મેળવ્યો. છતાં આઠ આઠ એરલાઈન્સે નોકરી આપવાનો ઇનકાર કરી દીધો. આખરે પ્રેમને એવી સફળતા મળી કે ડેક્કન એરલાઈન્સના પ્રથમ મહિલા વિમાનચાલક તરીકેની નોકરી મળી.
ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે ૧૭ જાન્યુઆરી ૧૯૧૦ના પ્રેમનો જન્મ. પાંચ ભાઈબહેનમાં પ્રેમ સૌથી નાની. એ અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થઈ. પ્રેમનો મોટો ભાઈ ઉડ્ડયન પ્રશિક્ષક હતો. બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલાં કેટલાંક એરક્રાફ્ટ લઈને એ આવેલો. એમાંનું એક એરોપ્લેન એણે લંકા ફ્લાઈંગ ક્લબને વેચ્યું. એ એરોપ્લેન કોલંબો પહોંચાડવાની જવાબદારી દિલ્હી ફ્લાઈંગ કલબના કેપ્ટન અટલને સોંપી. કેપ્ટન અટલ પ્રેમને સાથે લઇ ગયો. વિમાનનું નિયંત્રણ પ્રેમના હાથમાં મૂક્યું. વિમાન કઈ રીતે ઉડાડવું એ બતાડ્યું. પ્રેમ માથુરે કેપ્ટન અટલની દોરવણી હેઠળ વિમાનનું સફળ સંચાલન કર્યું. કેપ્ટન અટલે પ્રેમને પાયલટ બનવાનું લક્ષ આપ્યું. એ લક્ષ પાર પાડવા માટે પતિ હરિકૃષ્ણ માથુરનો પૂરેપૂરો સાથ હતો !
ઓક્ટોબર ૧૯૪૮... અલાહાબાદમાં ફ્લાઈંગ કલબની શાખા ખોલવામાં આવી. ઉડ્ડયન પ્રશિક્ષક તરીકે કેપ્ટન અટલની નિયુક્તિ કરવામાં આવી. પ્રેમ માથુરે ફ્લાઈંગ ક્લબમાં પ્રવેશ મેળવ્યો. કેપ્ટન અટલની પ્રથમ વિદ્યાર્થિની બની. ૧૯૪૭માં પાયલટ તરીકેનું લાયસન્સ મળી ગયું. દરમિયાન ૧૯૪૯માં કોલકાતામાં રાષ્ટ્રીય વિમાનદોડ પ્રતિયોગિતાનું આયોજન થયું. પ્રતિયોગિતામાં સામેલ થયેલી પ્રેમને નાનકડું વિમાન આપવામાં આવ્યું. દસથી અગિયાર ગેલન પેટ્રોલની એની ક્ષમતા હતી. એટલાં બળતણ સાથે પ્રેમે સાડા ત્રણ હજાર માઈલનું હવાઈ અંતર કાપવાનું હતું. નકશાની મદદથી પ્રેમ ઊડતી પટણા પહોંચી ત્યારે ખાસ્સું અંધારું થઈ ગયેલું. પ્રેમને રાત્રે વિમાન ઉડાડવાનો અનુભવ નહોતો. એણે સુરક્ષિત ઉતરાણ કરીને એ રાત્રિ વિમાનમાં જ ગાળી. બીજી સવારે પ્રેમ વિમાન ઉડાડીને કોલકાતા પહોંચી ત્યારે બધા પુરુષો વચ્ચે એ એકમાત્ર સ્ત્રી સ્પર્ધક હતી. બે દિવસ પછી સ્પર્ધાનો આરંભ થયો. પ્રેમ પ્રત્યેક પ્રતિસ્પર્ધીને હંફાવીને, અને પ્રત્યેક મંઝિલે પ્રથમ પહોંચીને પ્રતિયોગિતા જીતી ગઈ. નેશનલ એરરેસ કોમ્પીટીશન જીતીને એ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. પ્રેમ માથુરે દિલ્હી પહોંચીને વ્યાવસાયિક વિમાનચાલક તરીકેનો પરવાનો મેળવવા તૈયારી આદરી. એને પરવાનો મળ્યો પણ ખરો. એ સાથે એ પ્રથમ ભારતીય વ્યાવસાયિક મહિલા વિમાનચાલક બની. પ્રેમ માથુરે આઠ એરલાઈન્સમાં અરજી કરી, પણ એક પછી એક આઠેય એરલાઈન્સે એમ કહીને એની અરજી નામંજૂર કરી કે વિમાનના પુરુષ પ્રવાસીઓ મહિલા પાયલટથી અસુવિધા અનુભવશે.
પ્રેમ હતાશ ન થઈ. પાયલટ તરીકે એરલાઈન્સમાં કામ મેળવવા પ્રયાસો કર્યે રાખ્યા. આખરે હૈદરાબાદના નિઝામ અને ટાટાએ મળીને સ્થાપેલી ડેક્કન એરવેઝે પ્રેમને બોલાવી. ડેક્કન એરવેઝ નવમી ડોમેસ્ટિક એરલાઈન્સ હતી. પ્રેમનો આત્મવિશ્વાસ જોઈને એને સહ વિમાનચાલક તરીકે છ મહિના માટે નિયુક્ત કરી, વિના પગારે !
પ્રેમ તો ઊડવા માંગતી હતી. એણે વિના પગારે કામ કરવાનું સ્વીકારી લીધું. ઇન્દિરા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી અને માઉન્ટબેટન જેવાં મહાનુભાવોના વિમાનને ઉડાડવાની સોનેરી તક મળી. જોકે ઉડ્ડયનના જરૂરી કલાકો પૂરા કર્યા પછીયે ડેક્કન એરવેઝે એને વિમાનચાલક તરીકે સંપૂર્ણ કમાન સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. એરવેઝે
કારણ આપતાં જણાવ્યું કે, પ્રવાસીઓને ખબર પડે કે પાયલટ એક મહિલા છે તો એ લોકો ભાગી જશે...
પ્રેમે ડેક્કન એરવેઝમાંથી રાજીનામું આપી દીધું. ઘનશ્યામદાસ બિરલાના અંગત જેટ વિમાનની પાયલટ બની. ૧૯૫૩માં સ્વતંત્રતા પૂર્વેની આઠેય ડોમેસ્ટિક એરલાઈન્સને પરસ્પરમાં ભેળવીને ઇન્ડિયન એરલાઈન્સની સ્થાપના થઈ. ૨ ઓક્ટોબર ૧૯૫૩ના પ્રેમ ઇન્ડિયન એરલાઈન્સમાં જોડાઈ ગઈ. ૧૯૮૪માં સેવાનિવૃત્ત થઈ ત્યાં સુધી કેપ્ટન પ્રેમ ઇન્ડિયન એરલાઈન્સમાં કાર્યરત રહી. ૨૨ ડિસેમ્બર ૧૯૯૨ના એનું મૃત્યુ થયું.... પ્રેમનો દેહવિલય થયો, પણ જીવનસંદેશ આપતી ગઈ કે, કશું જ અશક્ય નથી. સ્કાય ઈઝ ધ લિમિટ...!

