ફિઝિકલ ડિસેબલ્ડ ટી20 ક્રિકેટઃ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સબળ પ્લેટફોર્મ

અનુશા સિંહ અને સુભાષિની નાઈકર Wednesday 14th February 2024 07:04 EST
 
 

અમદાવાદઃ ભારત અને પ્રવાસી ઈંગ્લેન્ડ વચ્ચે ફિઝિકલી ડિસેબિલિટી T20i Trophy 2024 ક્રિકેટ ટ્રોફી માટે 28 જાન્યુઆરીથી પાંચ મેચનું આયોજન કરાયું હતું જેમાં, ભારતીય ટીમે ત્રણ વિરુદ્ધ બે મેચમાં વિજય સાથે શ્રેણી જીતી લીધી હતી. આ ક્રિકેટ સ્પર્ધાને ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના સીએસઆર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન (MMF) દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. પ્રથમ બે અને ચોથી મેચમાં ભારતીય ટીમનો જ્યારે ત્રીજી અને પાંચમી મેચમાં ઈંગ્લેન્ડની ટીમનો વિજય થયો હતો. પાંચમી અને આખરી મેચ 6 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે ભારતીય ટીમને ટ્રોફી એનાયત કરી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સહયોગથી ‘DCCI’ (ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) ના ઉપક્રમે ઈંગ્લેન્ડ‘સ ફિઝિકલી ડિસેબલ્ડ ક્રિકેટ એસોસિયેશન (EPDCA)નો આ પ્રથમ ભારતપ્રવાસ યોજાયો હતો. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ખાસ મુલાકાતમાં ભારતીય ટીમના કેપ્ટન વિક્રાન્ત કેનીએ કહ્યું હતું કે,‘અમે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્લેટફોર્મ તૈયાર કરવા માગીએ છીએ જેથી, તેમને પણ ક્રિકેટના સ્વપ્ના સાકાર કરવાની તક સાંપડે. અમે ક્રિકેટના મેદાન પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉતરીએ છીએ ત્યારે અન્યોને પ્રેરણા આપવાની અમારી જવાબદારી છે. પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓની જ્વલંત સફળતાએ આપણી ક્ષમતા પુરવાર કરેલી છે અને તેને આગળ લઈ જવા, પોતાના ગૌરવ માટે લડવા અન્યોને અનુરોધ કરીએ છીએ.’ કેપ્ટન કેનીએ પેરોલિમ્પિક્સમાં ક્રિકેટની રમતના સમાવેશની તરફેણ કરી કહ્યું હતું કે તેનાથી ફૂટબોલ સહિતની રમતોના ખેલાડીઓને પણ ફાયદો મળશે.
ભારતીય ટીમના વાઈસ કેપ્ટન વસીમ ઈકબાલે પણ કહ્યું હતું કે ‘શારીરિક અક્ષમ હોવાં છતાં ક્રિકેટ પ્રત્યે મારો ઉત્સાહ અદમ્ય રહ્યો છે. ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટના વિવિધ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતી DCCIને સપોર્ટ કરવા બદલ મને BCCI પ્રત્યે ગર્વ છે.’ વાઈસ કેપ્ટન વસીમે પણ પેરાલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશની હિમાયત કરી કહ્યું હતું કે આના થકી દિવ્યાંગ એથલીટ્સનું સશક્તિકરણ થશે, નોકરીની તક વધશે અને દરજ્જો સુધરશે.
ભારતીય ખેલાડી રવિન્દ્ર સાંતેએ જણાવ્યું હતું કે,‘શારીરિક અક્ષમતા સાથે જીવવામાં મને ઘણી મુશ્કેલી પડી છે પરંતું, હું નાહિંમત થતો નથી, અક્ષમતાઓ સાથે પણ મેદાનમાં અમે અન્ય કોઈ પણ ખેલાડીની માફક શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અન્યો માટે પ્રેરણા બનવાનું અમારું લક્ષ્ય છે.’ ક્રિકેટ ખેલાડી માજિદ આહ માગ્રેએ કહ્યું હતું કે શારીરિક અક્ષમ હોવાં છતાં ક્રિકેટ રમવા વિશે મારી ક્ષમતા પર મને કદી શંકા થઈ નથી. ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતા અન્ય દિવ્યાંગોને હું રમત પ્રત્યે ચાહના ધરાવતા સાથી ખેલાડીઓ તરીકે જ નિહાળું છું.’
ઈંગ્લેન્ડની ટીમે પણ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીત કરી હતી. ઈંગ્લિશ કેપ્ટન કેલૂમ ફ્લીને કહ્યું હતું કે,‘ઈંગ્લેન્ડમાં શિયાળામાં ટ્રેનિંગ પડકારકજનક રહે છે, આઉટડોર સેશન્સ વ્યવહારૂ ન હોવા સાથે તૈયારી માત્ર ઈનડોર સુધી મર્યાદિત રહે છે.’ તેમણે કહ્યું હતું કે ભારતમાં ક્રિકેટ તરફ અદમ્ય ઉત્સાહ છે જે અમારા માટે ખાસ પ્રેરણાસ્રોત બની રહેશે. અમે તેને ભય નહિ પરંતુ, વિકાસ અને અનુકૂલનની તક તરીકે નિહાળીશું. અમે ટ્રોફી ઘેર લઈ જવા માગીએ છીએ.’ ઈંગ્લિશ ખેલાડી જેમ્સ નોર્ટને જણાવ્યું હતું કે,‘એક ટીમ તરીકે અમે ભારતમાં પડકારોનો સામનો
કરવા તૈયાર છીએ.
અહીં આવવું કોઈ પણ ઈંગ્લિશ ટીમ માટે મુશ્કેલ બની રહે છે જે ભૂતકાળમાં પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો માટે જોવાં મળ્યું હતું.’ ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝની સીએસઆર કમિટીના ચેરપર્સન અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રિતુ પ્રકાશ છાબરીઆએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનો આભાર માનતાં કહ્યું હતું કે ફિઝિકલ ડિસેબિલિટી T20i ટ્રોફી 2024ને સ્પોન્સર કરતા અમને ઘણો આનંદ થયો છે.


comments powered by Disqus