મળવા જેવા હસતા ફિલસૂફ સીબી પટેલ સાથે સાંજ

સ્નેહીજનો, મિત્રો, પરિચિતો અને તેમના પરિવારજનો સાથે સ્નેહમિલનનું આયોજન

અચ્યુત સંઘવી Wednesday 14th February 2024 06:11 EST
 
 

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર ઈન ચીફ સી.બી. પટેલ જ્યારે પણ ભારતની મુલાકાતે આવે છે ત્યારે તેમનું સમયપત્રક અનેક કાર્યક્રમો અને મુલાકાતોથી ભરચક હોય છે. આમ છતાં, તેઓ હંમેશાં એક દિવસ સ્નેહીજનો, મિત્રો, પરિચિતો તેમજ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મળવા માટે જ રાખે છે. આવો જ એક સ્નેહમિલન સમારંભ શુક્રવાર26 જાન્યુઆરી 2024ની સાંજે અમદાવાદની હોટેલ રેડિસન બ્લુ ખાતે યોજવામાં આવ્યો હતો. સીબી સાથેનું સ્નેહમિલન કદી ભારેખમ રહેતું નથી કારણકે તેઓ ‘લાઈવવાયર’ વ્યક્તિ છે અને તેમના સંપર્કમાં જે પણ આવે તેઓ પણ મોકળાશ અનુભવે છે.
આમ તો સીબી કોઈ પણ કાર્યક્રમમાં જાય ત્યારે સૂટેડબૂટેડ જોવા મળે છે પરંતુ, આ વખતે પહેલી વખત તેઓ વિશિષ્ટ પરિધાનમાં જોવા મળ્યા હતા જે બધાના માટે સાનંદાશ્ચર્ય બની રહ્યું હતું. સીબીના નાના બહેન કલ્પનાબહેન પટેલની પસંદગીના વસ્ત્રો હતા જે સીબી પર ખરેખર શોભી રહ્યા હતા અને સીબીએ તે સ્વીકાર્યું પણ હતું. સીબી હંમેશાં ચીલો ચાતરીને ચાલનારા માણસ છે. સામાન્યપણે કોઈ પણ મિલનસમારંભ હોય તેમાં પ્રવચનો થાય છે, વારાફરતી લોકો પોતાના મંતવ્યો કે અભિપ્રાયો આપતા રહે છે પરંતુ, સીબીએ સમારંભકક્ષમાં ટેબલ્સ પર ગોઠવાયેલા સ્નેહીજનો અને મિત્રો પાસે જઈ, તેમનો પરિચય આપવા સાથે સંવાદનો આરંભ કર્યો હતો અને બધાની સાથે વારાફરતી તસવીરો ખેંચાવી સંસ્મરણોનો ખજાનો ઉભો કર્યો હતો.
સીબીનું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું ન હોવાં છતાં, તેમના વાણી અને વર્તન પર તેની અસર જરા પણ દેખાઈ ન હતી. તેમણે સૌપહેલા જ કહી દીધું કે ‘ડોસો ખખડી ગયો હોવા છતાં, બોલવાનું ટાળી શકતો નથી.’ તેમણે ‘યુથ અનસ્ટોપેબલ’ સંસ્થાના વડા અમિતાભ શાહ અને તેમના પત્ની રશ્મિબહેન શાહનો અનોખા અંદાજમાં પરિચય આપતા કહ્યું હતું કે આ ભાઈએ મારી પાસેથી નાણા મેળવ્યા છે પરંતુ, તે દુનિયામાં બાળકો માટે સતત કામ કરે છે. આપને અમે બોલાવ્યા અને આપ અહીં આવ્યા તેનાથી હું ઘણો રાજી છું. હું 64 વર્ષથી ભારતની બહાર છું પરંતુ, હંમેશાં બધાને મળતો રહું છું.’ પ્રતિભાવ આપતા અમિતાભ શાહે જણાવ્યું હતું કે,‘અમને યુકે ઘર જેવું લાગે છે કારણકે સીબી ત્યાં છે. ભારતની 6000 શાળાઓમાં 70,000 જેટલા બાળકો માટે સારી વ્યવસ્થા ઉભી કરવામાં અમને સીબી સહિતના સજ્જનો તરફથી સારી મદદ મળતી રહે છે.’
આ પછી સીબીએ એશિયન વોઈસના કેનેડાસ્થિત પત્રકાર-કર્મચારી મિતુલ પનીકરના સસરા અશોકભાઈ ગજ્જર અને સાસુ ગીતાબહેન ગજ્જરનો પણ પરિચય આપ્યો હતો. અન્ય ટેબલ્સ પર બેઠેલાં ડો. જે.ડી. પટેલ, ડો. આરતી પટેલ અને ડો. જયશ્રીબહેન મહેતા તેમજ શ્રી પ્રવીણભાઈ, અરૂણભાઈ પટેલ, વકીલ અંકિત શાહ અને તેમના પત્ની હીરલબહેન શાહ તેમજ તનિશ્કના શ્રી જતીનભાઈ પારેખ સાથે પણ સીબીએ વાતચીત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતાં. સીબીએ શ્રી જતીનભાઈ વિશે કહ્યું હતું કે જતીનભાઈ તેમના પિતાની ઘણી સારી સેવા કરી રહ્યા છે. આ સેવા કરવા તેમણે કામકાજ પણ છોડ્યું હતું. સીબી પટેલે ડો. જયશ્રીબહેન મહેતા માટે કહ્યું હતું કે ‘ડો. જયશ્રીબહેન લોકસેવાને વરેલાં છે. તેમણે આપણા અખબાર વતી સ્તન કેન્સર વિશે માત્ર સ્ત્રીઓ માટે કાર્યક્રમ કર્યો હતો.’ ડો. જયશ્રીબહેને જણાવ્યું હતું કે, ‘સીબી પટેલ માટે કશું કહેવું અઘરું છે. બધાએ ઘણું બધું કહ્યું છે. સીબી પાસે ઘણું શીખવાનું છે. પોતાની રીતે જીવવાનું અને લોકો માટે કામ કરતા રહેવાનું. તેમને મળીને જે આનંદ અને વિશ્વાસ આવે છે તે કશે મળતો નથી.’
સીબી પટેલ આગળ વધીને તેમના મિત્ર અને જાણીતા સમાજસેવક શ્રી સુરેન્દ્રભાઈ પટેલ પાસે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આ જીવનમાં આનંદ અને અફસોસ ઘણા અનુભવ્યા છે. મને ઘણા સારા મિત્રો મળ્યા છે. તમે મિત્રો એવા રાખો કે જે તમારી ભૂલ પણ કાઢી શકે અને કૂથલી ન કરે. સુરેન્દ્રભાઈ મારા ઘણા સારા મિત્ર છે. મિત્રોના ભાવ અને પ્રેમ થકી જ અમે આગળ વધતા રહીએ છીએ. સુરેન્દ્રભાઈ હાલમાં જ સ્વામી સચ્ચિદાનંદજીની સાથે અયોધ્યા-રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ આવ્યા છે.’ સુરેન્દ્રભાઈ પટેલે પણ પ્રેમાળ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સારાં કામ કરવા માટે નાણા મેળવવા પડે છે અને તે કામ મારા ફાળે આવ્યું છે. યુકેમાં મોરારિ બાપુ, સચ્ચિદાનંદજી મહારાજ, રમેશભાઈ ઓઝા સહિતના મહાન સંતો આવે, તેમના પ્રવચન સાંભળવા મળે તેવી વ્યવસ્થા અમે કરીએ છીએ.’
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનો પરિચય આપતા સીબીએ કહ્યું હતું કે તેઓ ગુજરાતની લોકકલા-સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત છે અને અમારા દિવાળી અંક માટે તેઓ પાસે અભ્યાસી લેખ માગીએ ત્યારે તેમણે કદી ઈનકાર કર્યો નથી.’ શ્રી જોરાવરસિંહ જાદવે સીબી પટેલ માટે જણાવ્યું હતું કે ‘સીબીએ તો મને યુકેમાં પણ ઓળખતો કરી દીધો છે. મને દર દિવાળીએ વાર્ષિક અંકમાં લેખ આપવા માટે હંમેશાં આમંત્રિત કરે છે.’
ગુજરાતી રંગમંચ અને ફિલ્મોનાં અભિનેત્રી ભાવિનીબહેન જાનીએ જણાવ્યું હતું કે, ‘સીબી પટેલ હંમેશાં મદદ કરતા રહ્યા છે. અમારે નવા નવા લંડન જવાનું હતું ત્યારે ત્યાં આપણું કોઈ ધણીધોરી ન હોય પરંતુ, સીબીએ મારાં પ્રોગ્રામ માટે તેમના અખબારમાં કોન્ટેક્ટ નંબર્સ સાથે માહિતી આપી હતી. અમારો પ્રચાર પણ કર્યો હતો. માત્ર ભગવાં પહેરવાથી સંત ન થવાય પણ સંત તો આ કહેવાય જેમને બધા પોતાના લાગે છે. તેઓ મને નવી ઊર્જા આપે છે.’
પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે,‘ સીબી એટલે જીવંત માણસ, તેઓ બધાને જીવંત બનાવે. સીબી જીવંત અને હસતા ફિલસૂફ છે. વિખવાદો અને વિવાદો વચ્ચે પણ તેઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસનું પ્રકાશન કરે છે. અખબાર ભલે લંડનનું હોય, ગુજરાતમાં તેના વાંચનારા ઘણા છે. સીબીમાં શબ્દો જીવે છે અને તેઓ શબ્દોને જીવંત રાખે છે.’
સીબી પટેલે ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશ પારેખ અને તેમના પત્ની ડો. ઊર્વીબહેન પારેખનો પરિચય આપતા કહ્યું હતું કે, ભાવેશભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત પત્રકાર સ્વ. ભૂપતભાઈ પારેખના પુત્ર છે અને મારા પુત્રસમાન છે. આજે અમારી ઓફિસ છે તે ભૂપતભાઈના કારણે જ છે. તેમની તસવીર આજે પણ અમારી ઓફિસમાં સ્થાન ધરાવે છે.’ ડો. ભાવેશ ભાઈએ જણાવ્યું હતું કે,‘ દીકરા તરીકે આશીર્વાદ અપાય નહિ. અમારે તમારા આશીર્વાદ જોઈએ છે. અમારા પર આપનો પ્રેમભાવ કાયમ રહે, તેઓ સતત હસતા, હસાવતા રહે. હું ડોક્ટર બન્યો અને સીબીના કહેવાથી કશું પણ કરી શકું તે વધારે સારું છે. આવા ઘણાં પ્રંસંગો પણ બન્યા છે. તેઓ બધા સાથે સારા સંબંધો જાળવી રાખે છે. આજના મળવા જેવી પરંપરા હજુ 25 વર્ષ ચાલતી રહે તેવી આશા છે.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના કટારલેખક દંપતી શ્રી હરિભાઈ દેસાઈ અને ટીનાબહેન દોશીનો પરિચય આપતા સીબીએ કહ્યું હતું કે, ‘હરિ દેસાઈ અને ટીના દોશીનો અમને ઘણો સહયોગ મળ્યો છે. તેઓ ગુજરાતી ભાષાની આગવી ઓળખ છે.’ હરિભાઈ દેસાઈએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે,‘ સીબી વિશે વાત કરવી એ દરિયો ખૂંદવા જેવી વાત છે. અમારી પહેલી મુલાકાત 1986માં થઈ. હું આખાબોલો, એક ઘા અને બે કટકાવાળો માણસ. મારી કોલમમાંથી એક પણ શબ્દ કદી કાપ્યો નથી. અમારા અંતરંગ અને પારિવારિક સંબંધો જળવાઈ રહ્યા છે. વિષ્ણુભાઈએ કહ્યું તેમ સીબી માત્ર પત્રકાર છે. માલિક હોવાં છતાં, માલિક નથી. તમે આવાને આવા રહો તેવા અમારા આશીર્વાદ છે. સીબીને તો સદા યુવાન, તેજતર્રાર અને આનંદી અનુભવું છું.’ આ સમયે સીબીએ કહ્યું હતું કે આ વાતો કરી તે મનનો ભાવ છે. અમારા વાચકો સહિત તમારા બધા વિના તો હું શું કરી શકત?
સીબીએ ભાગ્યેશભાઈ ઝાનો પરિચય ગુજરાતના કવિ, વિવેચક,પારંગત વહીવટકાર અને મિત્ર તરીકે આપ્યો હતો અને તેમને છેલ્લે સાંભળવાનું કહ્યું હતું. ભાગ્યેશભાઈ ઝાએ પોતાની કાવ્યપંકિત ‘ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા,’ સંભળાવી કહ્યું હતું કે,‘ આવતાં 14 વર્ષ સુધી આપણે બધાએ અહીં મળવાનું છે તેમ બધાને કહેવાનું મને સીબીએ કહી દીધું છે. આપણે તેમની શતાબ્દી ઉજવીશું. સીબીના લીધે આપણે બધા મળીએ છીએ. તેમને મળવાનું આકર્ષણ રહે છે. આ્ર પૃથ્વી પર માત્ર બે પ્રદેશ એવા છે જે પોતાના શાણપણ અને ગાંડપણ (મેં શાણા અને યુ-ગાન્ડા)ની વાત કરે છે. છ ગામના પટેલની વિશેષતા એ છે કે તે એની હાજરીનો સતત અહેસાસ કરાવે છે. મઝાના માણસ છે, બધાને મઝા કરાવે. સીબી તો ખાલી વાતો કરવા પણ મળે છે. 100માં વર્ષે આપણે મોટો બેન્ક્વેટ હોલ રાખવો પડશે.’ ભાગ્યેશભાઈએ છેલ્લે પોતાના પિતાની શીખામણ જણાવી હતી કે ‘વહેલા ઉઠવું, ત્રીજા માણસનું રિપોર્ટિંગ ન સાંભળવું અને ત્રીજું એ કે ભોજન હોય ત્યાં ભાષણ ન કરવું.’
વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલા દિગંત સોમપુરાએ કહ્યું હતું કે ‘ગુજરાતને ગુજરાતની બહાર જઈ ધબકતું રાખવાનું કામ આજે પણ સીબી કરતા રહ્યા છે. તેમને શતાયુ બનવા માટે ખુબ ખુબ શુભેચ્છા. મારી સાથે તેમનો સંબંધ એવો રહ્યો છે કે મારે હવે અટક બદલાવીને પટેલ કરી દેવાનું બાકી રહ્યું છે.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અને સીબીનો કાર્યક્રમ હોય ત્યારે માયાબહેન ન હોય તેવું બને જ નહિ. કોકિલકંઠી માયાબહેને સ્નેહમિલન કાર્યક્રમની સમાપનવેળાએ ‘ઈતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના, હમ ચલે નેક રસ્તે પે હમ સે ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના...’ પ્રાર્થના ગાઈને સહુને રસતરબોળ કરી દીધાં હતાં. પ્રાર્થના પછી, સહુ મહેમાનોએ સ્વાદિષ્ટ વ્યંજનોનો આસ્વાદ માણ્યો હતો. આમ, સીબી પટેલ સાથે સ્નેહમિલનની સાંજનું સમાપન થયું હતું.
(તમામ ફોટો સૌજન્યઃ જાટકિયા સ્ટુડિયો)


comments powered by Disqus