લગભગ 17 વર્ષ પહેલાં મારા એડિટર સી બી પટેલની સૂચનાથી એશિયન વોઇસ માટે ઇન્ટર્વ્યૂ લેવા હું બેરોનેસ ઓફ વિન્ડસર એન્ડ મેઇડનહેડ શ્રીલા ફ્લેધરને મળી હતી. તે સમયે હું ફક્ત વીસી પાર કરી ચૂકેલી ઉભરતી પત્રકાર હતી અને તે સમયે બેરોનેસ ફ્લેધર જેવી હસ્તી સાથે વાત કરતાં હું થોથવાતી હતી. ભારતીય મૂળના પ્રથમ બેરોનેસ સાથે વાત કરતાં હું થોડી નર્વસ હતી પરંતુ મને લાગ્યું કે મોટાભાગની મહિલાઓ માટે જીવન સરળ હોતું નથી.
2011માં ગુજરાત સમાચાર - એશિયન વોઇસે સૌપ્રથમ બ્રિટિશ તામિલ મેગેઝિનની હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે શરૂઆત કરી ત્યારે બેરોનેસ ફ્લેધરે ઇવેન્ટની યજમાની કરી હતી. તેમણે સમુદાયની કામગીરીની પ્રશંસા કરવાની સાથે ડાયસ્પોરામાંના કેટલાક દ્વારા બ્રિટિશ સમાજ અંગે થતી ફરિયાદોના દંભની પણ ટીકા કરી હતી.
જેઓ બેરોનેસ શ્રીલા ફ્લેધરને જાણે છે તેઓને તેમના સક્ષમ ચારિત્ર્ય, ખોટાને ખોટા કહેવાની ક્ષમતા, સત્ય માટેની લડાઇ, કોમનવેલ્થ સૈનિકો માટે મેમોરિયલ ગેટ્સ ઊભા કરાવવા આડેના અવરોધો સામેના પ્રયાસો યાદ હશે. છેલ્લા કેટલાંક વર્ષથી સામુદાયિક કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી છતાં તેઓ અમારી ઓફિસે કોલ કરીને મુદ્દાઓ પર ચર્ચા કરતા અને અમારા રીડર્સ વોઇસ સેક્શનમાં પત્રો લખીને પોતાનો અવાજ પણ રજૂ કરતા હતા. હું હજુ પણ વર્ષમાં એકવાર મેમોરિયલ ગેટ્સ ખાતે તેમને મળું છું. મને સવાલ થતો કે શું તેઓ મને ઓળખશે પરંતુ તેઓ કહેતાં હું જાણું છું કે તું કોણ છે. તેઓ તરત મારી સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરતા.
બેરોનેસ ફ્લેધરનું પ્રેરણાદાયી જીવન
બેરોનેસ ફ્લેધરનો જન્મ 1934માં લાહોરના આફતાબ અને ક્રિશ્ના રાયના પ્રતિષ્ઠિત હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પરદાદા સર ગંગારામ પ્રસિદ્ધ ઇજનેર અને સખાવતી હતા અને તેમને ફાધર ઓફ લાહોરનું બિરૂદ અપાયું હતું. 1947માં ભારતના વિભાજન બાદ આ પરિવારને પોતાનું સર્વસ્વ પડતું મૂકીને લાહોર છોડી દિલ્હી નાસી જવું પડ્યું હતું. બેરોનેસ તેમની માતા અને ભાઇ સાથે અમેરિકા ચાલ્યાં ગયાં હતાં. 1948માં તેમના પિતાને બ્રાઝિલ ખાતે ભારતીય રાજદૂત નિયુક્ત કરાયા ત્યારે 14 વર્ષના બેરોનેસ તેમની સાથે જોડાયાં હતાં. 1952માં તેઓ યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે કાયદાનો અભ્યાસ કરવા લંડન પહોંચ્યાં હતાં અને પાછળથી કોલેજના ઓનરરી ફેલો પણ બન્યાં હતાં.એક શિક્ષક અને સામાજિક કાર્યકર્તા તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનારા બેરોનેસ ફ્લેધર યુકેના વંશીય સમુદાયના સૌપ્રથમ લોકલ કાઉન્સિલર તરીકે ચૂંટાયાં હતાં. ત્યારબાદ તેઓ સૌપ્રથમ એશિયન મૂળના મેયર અને હાઉસ ઓફ લોર્ડ્સમાં સૌપ્રખમ એશિયન મહિલા બેરોનેસ બન્યાં હતાં.
6 ફેબ્રુઆરી 2024ના રોજ ટૂંકી બીમારી બાદ 89 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેમનો પુત્ર પોલ પત્રકાર, રાજકીય નેતા, શિક્ષણશાસ્ત્રી છે જ્યારે માર્કુસ મેડિસિનના પૂર્વ પ્રોફેસર છે. તેમના ચાર પૌત્રપૌત્રી અને 6 પ્રપૌત્રપૌત્રી છે. બેરોનેસ ફ્લેધર સાડી પરિધાન કરતાં જેના કારણે હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચામાં રહેતાં. રોયલ બરો ઓફ વિન્ડસરના મેયર તરીકે તેઓ ક્વીન અને ડ્યુક ઓફ એડિનબરોના સંપર્કમાં આવ્યાં હતાં. તેમણે ડ્યુકના હાઉસિંગ કમિશનમાં પણ કામ કર્યું હતું. એશિયન વિદ્યાર્થિનીઓને યુનિફોર્મ નિયમોમાં થતા અન્યાય મુદ્દે તેઓ શાળાને કોર્ટમાં ઘસડી ગયાં હતાં. બેરોનેસે રેસ રિલેશન બોર્ડ, કમિશન ફોર રેસિયલ ઇક્વાલિટી, સોશિયલ સિક્યુરિટી એડવાઇઝરી કમિટી, યુરોપિયન કોમ્યુનિટીની ઇકોનોમિક – સોશિયલ કમિટીમાં બ્રિટિશ પ્રતિનિધિ તરીકે પણ સેવાઓ આપી હતી.
પરિવાર અને મિત્રો દ્વારા
બેરોનેસને શ્રદ્ધાંજલિ
બેરોનેસના પુત્રો પોલ અને માર્કુસે એશિયન વોઇસને જણાવ્યું હતું કે, અમારી માતાએ મહિલાઓ અને કન્યાઓ તથા દક્ષિણ એશિયન સમુદાયના અધિકારો માટે અથાક પરિશ્રમ કર્યો હતો. સેન્ટ્રલ લંડનમાં મેમોરિયલ ગેટ્સની સ્થાપના માટે તેમને હંમેશા યાદ કરાશે. લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, મને સંસદમાં લાવનાર જ બેરોનેસ હતાં. તેમના દ્વારા કરાયેલા પ્રયાસોના કારણે હું, શૈલેષ વારા, દિનેશ ધામેચા સંસદનો હિસ્સો બની શક્યાં હતાં. બેરોનેસ ફ્લેધરને ક્યારેય વિસરી શકાશે નહીં. તેમના સ્વર્ગસ્થ પતિ ગેરી ફ્લેધર ક્યુસી સન્માનિત વકીલ હતા. તેમની લાંબી બીમારીમાં બેરોનેસ હંમેશા પડખે રહ્યાં હતાં. બેરોનેસ કેરોલિન કોક્સે જણાવ્યું હતું કે, મારી ગાઢ મિત્રના નિધનથી હું ઘણી દુઃખી છું. તેને જોતાં જ બે શબ્દો માનસપટ પર આવી જાય છે. સાહસ અને મજાક... બેરોનેસ હેલેના કેનેડીએ બેરોનેસ ફ્લેધરને કુદરતના પરિબળ અને મહિલાઓ તથા કન્યાઓ માટે કામ કરનારા ગ્રેટ ચેમ્પિયન ગણાવ્યા હતા.

