નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના વિકાસ માટે રૂ. 3600 કરોડથી વધુ ખર્ચ કરશે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર તેના અલગ-અલગ ટાપુઓમાં વિવિધ પ્રકારની સુવિધા વિકસાવશે. આ સાથે ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ગયા વિના તેમના દેશના સુંદર બીચની મજા માણી શકશે. કેન્દ્ર સરકાર લક્ષદ્વીપને ટૂરિસ્ટ હબ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ સમૂહમાં સમાવિષ્ટ કવરત્તી, અગાત્તી, અન્દ્રોથ, કદામત અને કલ્પેની ટાપુઓનો વિકાસ કરશે. અહીં રસ્તાઓ, તમામ પ્રકારની સુવિધા અને હવાઈ સુવિધા પણ વિકસાવાશે.
સાગરમાલા હેઠળ લક્ષદ્વીપનો વિકાસ
કેન્દ્ર સરકાર આ વિકાસ માટેનું ભંડોળ સાગરમાલા પ્રોજેક્ટ ફંડમાંથી લેવાશે. લક્ષદ્વીપના વિકાસ માટે સરકાર દ્વારા કુલ 13 પ્રોજેક્ટની પસંદગી કરાઈ છે, જેનાથી 36 ટાપુનું ચિત્ર બદલાશે.
કદામત ટાપુ પર મહત્તમ રૂ. 1034 કરોડનો ખર્ચ
કેન્દ્ર સરકાર કદામત ટાપુ પર મહત્તમ રૂ. 1034 કરોડનો ખર્ચ કરશે. આ ફંડ પોર્ટ અને બીચ ડેવલપમેન્ટ માટે ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે લક્ષદ્વીપમાં હવાઈ સુવિધાને પ્રોત્સાહન આપશે.

