નવી દિલ્હી: આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે કિસ્મતવાળાના ઘરે દીકરીનો જન્મ થાય છે. પુત્રીઓ માતાની તો દોસ્ત હોય જ છે સાથે પિતાની પણ ખૂબ જ નજીક હોય છે. પિતા-પુત્રીનો સંબંધ ખૂબ જ સુંદર અને અનોખો હોય છે. જ્યાં પિતા-પુત્રીના સંબંધોની અસર પિતાના વ્યક્તિત્વ પર પડતી હોય છે તો આ સંબંધોથી પુત્રીના મોરચે આગળના સંબંધો, વ્યવહાર અને સફળતા પર અસર થતી હોય છે.
હવે એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પિતાની જિંદગી પર પુત્રોની કોઇ ખાસ અસર જોવા મળતી નથી. જ્યારે પુત્રી પિતાના સ્વાસ્થ્ય મામલે મહત્ત્વનો ભાગ ભજવે છે. પુત્રી પિતાનું આયુષ્ય વધારી દે છે.
તાજેતરમાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં સંતાનના જન્મથી પિતાના સ્વાસ્થ્ય અને શરીર પર કેવી અસરો થાય છે તે અંગે સંશોધન કરવામાં આવ્યું છે. અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના ઓનલાઇન જર્નલમાં છપાયેલું આ સંશોધન જણાવે છે કે ગર્લ ચાઇલ્ડના જન્મના કારણે પિતાના આયુષ્યમાં 74 સપ્તાહનો વધારો થાય છે.
પિતાની વયને લઇને
સૌપ્રથમ સંશોધન
પુત્રીની પિતા સાથેની વાતચીત અને તેની વહાલી લાગે તેવી ભાષાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહે છે. એટલું જ નહીં, પુત્રી પાસે હોવાના કારણે પિતાના મસ્તકમાં અલગ અલગ પ્રકારની હલચલ થાય છે, અને આ વાત MRI ટેસ્ટમાં પણ પુરવાર થઇ છે. બાળકોના પિતાના સ્વાસ્થ્ય અને તેની વય પર અસર જાણવા માટે 4310 લોકોના ડેટા લઇને અભ્યાસ કરાયો હતો.
પુત્રી જેટલી વધુ તેટલું આયુષ્ય વધુ
પરિવારમાં પુત્રીઓની સંખ્યા જેટલી વધારે રહેશે તેટલા પ્રમાણમાં પિતાની વય એટલી લાંબી હશે. એટલું જ નહીં, પિતાનો પ્રેમ પામનારી પુત્રીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સારું હોય છે. જે પુત્રીઓને તેના પિતા સાથેનો સંબંધ ઘણો સારો હોય તેનામાં એન્ગઝાયટી અને ડિપ્રેશન થવાનો ભય ઓછો હોય છે. આવી પુત્રીઓ સ્ટ્રેસનો સામનો કરવામાં વધારે હોંશિયાર હોય છે. જો પિતા પોતાના લાઇફ પાર્ટનરને સારી રીતે ટ્રીટ કરે છે તો પુત્રીઓ પણ પોતાના જીવનસાથીમાં પિતાની આ ખૂબી શોધતી હોય છે.

