નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આશરે 4 વર્ષથી અટકેલા નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) પર શનિવારે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સીએએ દેશનો કાયદો છે. કેન્દ્ર સરકાર આ અંગે જાહેરનામું બહાર પાડશે. લોકસભા ચૂંટણી પહેલાં જ તેનો અમલ શરૂ કરી દેવાશે આ અંગે કોઈએ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. તેમણે કહ્યું કહ્યું કે, સીએએને લઈને મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. આ કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા આંચકી લેવા માટે નથી. આ કાયદો એમને નાગરિકતા આપવા માટે છે, જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચાર સહન કર્યા બાદ આવ્યા છે. શાહે કોંગ્રેસ પર તુષ્ટિકરણના આક્ષેપો કર્યા હતા.

