ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંસા અને આતંક વચ્ચે ગુરુવારે સંસદીય અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન થયું. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યે પૂરું થયું હતું. આ દરમિયાન થયેલા મતદાનમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇએ ચૂંટણીમાં ગેરરીતિ અને ગોટાળા થયા હોવાના આરોપ લગાવ્યા હતા.
નવાઝ અને આસિફની મુલાકાતે તખ્તો બદલ્યો
જો કે આ ચૂંટણીમાં કોઈપણ દળને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. પાક સેનાના સમર્થન છતાં પણ સ્પષ્ટ બહુમત મેળવવામાં શરીફનો પનો ટૂંકો પડ્યો છે. તેમ છતાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ મળીને ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી હતી. આ બંને પક્ષ કેન્દ્ર અને પંજાબમાં ગઠબંધન સરકાર બનાવવા પર સહમત થયા હતા. શાહબાઝ શરીફની બિલાવલ ભુટ્ટો અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ આસિફ અલી ઝરદારી સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
બિલાવલ ભુટ્ટોની પીછેહઠ
આખરી તબક્કામાં આ અંગે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝને સમર્થન આપવાનો વાયદો કરી પ્રધાનમંત્રીપદથી બિલાવલે પીછેહઠ કરી છે. આ રીતે પાકિસ્તાનમાં નવાઝની નવી સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જો કે બિલાવલ ભુટ્ટોની પીછેહઠ કરવાનું કારણ સામે આવ્યું નથી. બિલાવલે કહ્યું હતું કે, તેમની પાર્ટી નવાઝ શરીફના નેતૃત્વવાળા PML-N તરફથી કોઈપણ ઉમેદવારનું સમર્થન કરશે અને તેમની પાર્ટી કેબિનેટમાં સામેલ નહીં થાય.
બિલાવલે મંગળવારે કહ્યું કે, જો આ ગૃહ પ્રધાનમંત્રી પસંગ કરવામાં નિષ્ફળ રહ્યું અને સરકાર ન બની તો ફરી ચૂંટણી કરાવવી પડશે. આવી સ્થિતિમાં રાજનીતિક સંકટ ઊભું થઈ જશે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સરકારમાં મંત્રાલયોને સ્વીકાર નહીં કરે અને મુદ્દાના આધારે જ સરકારનું સમર્થન કરશે. પાકિસ્તાનમાં હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં પીપીપી ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે.
સત્તા વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ટોચના નેતાઓએ 5 વર્ષના કાર્યકાળને વિભાજિત કરવા માટે સત્તા વહેંચણી માટે નવા ફોર્મ્યુલા પર ચર્ચા કરી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની તહરિક-એ-ઇન્સાફ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સંસદમાં સૌથી વધુ સીટ જીતી છે, છતાં પાકિસ્તાનની આગામી સરકારની તસવીરને લઈને સવાલ યથાવત્ જ છે. જો કે હવે બિલાવલ હટી જતાં નવાઝ શરીફ માટે રસ્તો સાફ થઈ ગયો છે.

