એડનની ખાડીમાં વેપારી જહાજ પર શંકાસ્પદ ડ્રોન હુમલો: ભારતીય નેવીએ કર્યો બચાવ

Wednesday 28th February 2024 05:43 EST
 
 

નવી દિલ્હીઃ એડનની ખાડીમાં વેપારી જહાજ પર થતા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. સમુદ્રી લુટારા આ જહાજોને નિશાન બનાવતા રહે છે. સમુદ્રમાં જહાજ પર વધી રહેલા હુમલા વિશ્વભરના દેશોની ચિંતા વધારી રહ્યા છે. ભારતીય નૌકાદળ દ્વારા વીતેલા કેટલાક સમય દરમિયાન એડનની ખાડીમાં વેપારી જહાજોને સમુદ્રી લુટારાથી બચાવ્યા છે, પરંતુ વેપારી જહાજ પર થતા હુમલાનો સિલસિલો અટકતો નથી. ફરી એકવાર એડનની ખાડીમાં એક શંકાસ્પદ ડ્રોને વેપારી જહાજ પર હુમલો કર્યો છે. ભારતીય યુદ્ધ જહાજે આ વખતે પણ મદદ કરી છે.
ભારતીય સૈન્ય અધિકારીઓએ શનિવારે કેસની જાણકારી આપતાં કહ્યું કે, પલાઉનો ધ્વજ ધરાવતા જહાજ એમવી આઇલેન્ડર પર ગુરુવારે હુમલો થયો હતો. જહાજના ચાલકદળનો એક સભ્ય તેમાં ઘાયલ થયો છે. અધિકારીએ જણાવ્યું કે, આ સંજોગોમાં ભારતીય નૌકાદળની ટીમ વેપારી જહાજ પર ચઢી ગઈ હતી અને ત્યાં હાજર ખલાસીઓને બચાવી લીધા હતા. હુતી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલા વધતાં વૈશ્વિક ચિંતાઓ વધી ગઈ છે.


comments powered by Disqus