લાહોરઃ પાકિસ્તાન બન્યાનાં 75 વર્ષ બાદ પહેલીવાર કોઈ મહિલા મુખ્યમંત્રી બન્યાં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)નાં નેતા મરિયમ નવાઝને પંજાબ રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યાં છે. ત્રણ વાર પાક.ના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝે રવિવારે પંજાબના મુખ્યમંત્રીપદ માટે આવેદનપત્ર ભર્યું હતું. પાક.ના ઇતિહાસમાં પીએમએલ-એનનાં ઉપાધ્યક્ષ મરિયમ પહેલાં મુખ્યમંત્રી બન્યાં છે. તેમની પાર્ટી પાસે હવે પંજાબ વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમત છે. આની પહેલાં પંજાબ વિધાનસભાના 337 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા.

