20 અને 21મી સદીમાં ટેકનોલોજીએ ભરેલી હરણફાળ છતાં એવી સ્થિતિ સર્જાઇ છે કે દરેક મુદ્દા અને સમસ્યાને ધર્મના ચશ્માથી મૂલવવામાં આવી રહ્યાં છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલી વસાહતો પર કરાયેલા હુમલા અને કત્લેઆમ બાદ ઇઝરાયેલ દ્વારા લેવાયેલાં લશ્કરી પગલાંમાં હજારો માનવજિંદગીઓ હોમાઇ રહી છે ત્યારે બ્રિટન જેવા ઉચ્ચ લોકતાંત્રિક મૂલ્યોને વરેલા દેશમાં પેલેસ્ટાઇનની સમસ્યાએ ધાર્મિક નફરતને વકરાવી દીધી છે. એકતરફ બ્રિટનના યહૂદીઓ તો એકતરફ બ્રિટનના મુસ્લિમો ધિક્કારનો ભોગ બની રહ્યાં હોવાનો દાવો કરી રહ્યાં છે. એન્ટીસેમેટિક માનસિકતા અને ઇસ્લામોફોબિયા જાણે કે બ્રિટિશ રાજનીતિના કેન્દ્રમાં આવી ગયાં છે. તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં ગાઝામાં યુદ્ધવિરામ મુદ્દે સર્જાયેલી અંધાધૂંધીએ વિશ્વની એક પ્રાદેશિક સમસ્યાને બ્રિટિશ લોકતાંત્રિક મૂલ્યોને જાણે કે જડમાંથી હચમચાવી મૂક્યાં છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલના પ્રાદેશિક વિવાદને ધર્મ સાથે કોઇ લેવાદેવા નથી. મિડલ ઇસ્ટના ઇસ્લામિક દેશો પણ આ વિવાદથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ બ્રિટનમાં ધર્મના નામે ઉધામા મચાવવામાં આવી રહ્યાં છે. યહૂદી નફરતમાં અંધ એવા પેલેસ્ટાઇન સમર્થકો ઇસ્લામિક કટ્ટરવાદી માનસિકતા સાથે સાંસદોને ધમકી આપી રહ્યાં છે તો રાજનેતાઓ ધર્મના નામે આરોપ પ્રત્યારોપમાં ગળાડૂબ બની રહ્યાં છે. હવે તો ખુલ્લેઆમ આરોપ મૂકાઇ રહ્યાં છે કે બ્રિટન પર ઇસ્લામિક કટ્ટરવાદીઓ હાવી થઇ રહ્યાં છે. હમાસના ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલા બાદ એકપણ પેલેસ્ટિનિયન સમર્થક બ્રિટનમાં તેનો વિરોધ કરવા સડક પર ઉતર્યો નહોતો પરંતુ ઇઝરાયેલના ગાઝા પટ્ટી પરના આક્રમણ બાદ પેલેસ્ટિનિયન સમર્થકો હજારોની સંખ્યામાં સડકો પર આવી રહ્યાં છે. આ એક પ્રાદેશિક વિવાદને ધર્મના ચશ્માથી જોવાની વિકૃતતા સિવાય બીજું શું છે? બ્રિટનમાં વાણી સ્વતંત્રતાને ઘણું મહત્વ અપાય છે પરંતુ કેટલાક મામલાઓમાં તેનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. જેના કારણે બ્રિટિશ લોકતાંત્રિક મૂલ્યોનો જાણે કે ઉપહાસ થઇ રહ્યો છે. પ્રાદેશિક સમસ્યાઓને ધર્મ સાથે સાંકળી લેવાની માનસિકતા ફક્ત બ્રિટન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને કનડી રહી છે. ગાઝામાં ઇઝરાયેલી આક્રમણ માનવીય કટોકટી બની રહ્યું છે ત્યારે આ કટોકટીને નિવારવા ધાર્મિક કટ્ટરતા અને ઉન્માદને સ્થાને માનવીય અભિગમ અપનાવવાની તાતી જરૂર વર્તાઇ રહી છે.
