માલે પહોંચ્યું ચીની જાસૂસી જહાજઃ ભારતની ચિંતામાં વધારો

Wednesday 28th February 2024 06:36 EST
 
 

માલેઃ ચીની દરિયાઈ જાસૂસી જહાજ જિયાંગ યાંગ હોંગ-03 માલદીવની રાજધાની માલે પહોંચી ગયું છે. માલદીવના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) પાસે લગભગ એક મહિનો વિતાવ્યા બાદ ગુરુવારે જહાજ માલે પહોંચ્યું હતું. દરિયાઈ ટ્રેકિંગ સાઇટ્સના દર્શાવ્યા મુજબ જહાજ હવે થિલાફુશીની નજીક છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે જહાજ ક્યાં પહોંચશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુની ચીનની રાજ્ય મુલાકાતના 24 કલાક પછી 14 જાન્યુઆરીએ જાસૂસી જહાજે તેની સફર શરૂ કરી હતી.
22 જાન્યુઆરીથી જહાજ ટ્રેકિંગ સાઇટ્સ પર દેખાતું નહોતું. એવું માનવામાં આવતું હતું કે જહાજની ટ્રેકિંગ સિસ્ટમ્સ બંધ થઈ ગઈ છે. આ જહાજ 22 જાન્યુઆરીએ ઇન્ડોનેશિયા નજીક જાવા સમુદ્રમાં હતું. સેટેલાઇટ AIS ટ્રેકિંગથી જાણવા મળ્યું કે આ ચીની જહાજ માલદીવના EEZમાં હતું, જ્યાં તેણે લગભગ એક મહિનો ગાળ્યો.
ચીનના આ જાસૂસી જહાજના આ પ્રકારના શંકાસ્પદ પરિભ્રમણથી ભારતીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સતત તેના પર વોચ રાખવામાં આવી રહી છે.


comments powered by Disqus