યુક્રેન સાથે યુદ્ધ છતાં રશિયાની આર્થિક ક્ષમતા પશ્ચિમ માટે પડકાર

Wednesday 28th February 2024 05:04 EST
 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ વીતી ગયાં છે. આટલા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં બંને પક્ષ ઝૂકવા તૈયાર નથી. યુક્રેનની પડખે તમામ પશ્ચિમના દેશો હોવાથી ભરપૂર આર્થિક અને લશ્કરી સહાય પ્રાપ્ત થઇ રહી હોવાથી યુક્રેનના અર્થતંત્રને ઝાઝો ફરક પડી રહ્યો નથી પરંતુ નવાઇની વાત તો એ છે કે પશ્ચિમના છદ્મ યુદ્ધની સામે રશિયા પણ અડીખમ ટકી રહ્યો છે. ઘણા યુદ્ધ નિષ્ણાતો એમ માનતા હતા કે યુક્રેન પરના આક્રમણના કારણે રશિયા ખોખલો બની જશે પરંતુ તેમ થયું નથી. તમામ પડકારો છતાં રશિયાનું અર્થતંત્ર પણ ટકી રહ્યું છે. અમેરિકાની આગેવાનીમાં આર્થિક પ્રતિબંધો છતાં રશિયા સમગ્ર વિશ્વમાં ધડલ્લે વિક્રમજનક જથ્થામાં ક્રુડ ઓઇલનો વેપાર કરી રહ્યો છે અને તેના કારણે જ પુતિનની તિજોરી ભરાઇ રહી છે. ગયા વર્ષે જી-7ના તમામ દેશોમાં રશિયાના અર્થતંત્રે સૌથી વધુ વૃદ્ધિદર નોંધાવ્યો છે. 2024માં પણ આ સ્થિતિ જારી રહેવાની સંભાવના છે. તેજીના પાટા પર દોડતા અર્થતંત્રે જ પુતિનને પશ્ચિમના દેશોના પડકારો સામે ટકી રહેવાનું બળ પુરું પાડ્યું છે. પુતિન જાણે કે પશ્ચિમને પડકાર ફેંકી રહ્યાં છે કે તમારા અર્થતંત્રો ડામાડોળ છે છતાં ક્યાં સુધી તમે યુક્રેનને સહાય કરતા રહેશો. યુક્રેનને સહાયના મુદ્દે હવે યુરોપના દેશો અને અમેરિકાના રાજકીય પક્ષોમાં પણ તિરાડો ઉભરીને સામે આવી રહી છે. રશિયાની આ આર્થિક મજબૂતાઇ સામે યુક્રેન માણસો અને શસ્ત્રોની અછતની નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પશ્ચિમના દેશોને દુહાઇ આપી રહ્યાં છે કે શસ્ત્રોની કૃત્રિમ અછત રશિયાને જ મદદ કરશે. અમેરિકી કોંગ્રેસ દ્વારા યુક્રેનને વધુ સહાયની મંજૂરી ન અપાતાં યુક્રેનને પૂર્વના વિસ્તારોમાંથી પીછેહઠ કરવાનો વારો આવ્યો છે. રશિયાની ઇકોનોમી ટકી રહી છે. જેના કારણે પુતિનના હાથ વધુ મજબૂત બની રહ્યાં છે. પુતિન તેમના એજન્ડા સાથે મજબૂતાઇથી આગળ વધી રહ્યાં છે. યુદ્ધમાં માનવ ખુવારીનો આંકડો ઘણો મોટો છે. અમેરિકા અને અન્યોની સહાય છતાં રશિયનો ઝૂકવા તૈયાર નથી. કદાચને રશિયાને પોતાના અર્થતંત્ર ઉપરાંત પરમાણુ શસ્ત્રોનો જથ્થો પણ બાથ ભીડવાની હિંમત આપે છે. આ યુદ્ધના અંતનો વિકલ્પ છે મંત્રણા. પશ્ચિમે પણ આ વાત સમજવા જેવી છે.


comments powered by Disqus