રશિયન સૈન્યમાંથી ભારતીયોને છૂટા કરવામાં આવ્યાઃ સરકાર

Wednesday 28th February 2024 05:43 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની માગણીને પગલે રશિયન સૈન્યમાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા કેટલાક ભારતીયોને છોડી દેવામાં આવ્યા છે તેવું વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. ભારત રશિયન સૈન્યમાંથી ભારતીયોને છોડાવવા માટે રશિયન સત્તાધીશો સાથે વાતચીત કરવા અને પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. મીડિયા અહેવાલો અનુસાર કેટલાક ભારતીયો રશિયન સૈન્યમાં સિક્યોરિટી હેલ્પર્સ તરીકે કામ કરી રહ્યા છે, જેમને લડવા માટે પણ મજબૂર કરવામાં આવે છે.
રશિયામાં ફસાયેલા ભારતીય શ્રમિકોને લઈને વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયા સેનામાં હેલ્પર માટે કોન્ટ્રાક્ટ કર્યો છે. જે તમામને ઝડપથી પરત લાવવા અમે રશિયન અધિકારી સાથે સતત સંપર્કમાં છે. રશિયામાં ફસાયેલા આવા યુવકો પૈકી મોટાભાગના ઉત્તરપ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે. રિપોર્ટ મુજબ નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીય નાગરિકો મારિયુપોલ, ખાર્કિવ, ડોનાત્સક, રોસ્તોવ ઓન ડોનમાં ફસાયેલા છે.


comments powered by Disqus