વિકાસના ફળઃ ભારતના ગ્રામીણ પરિવારો પણ સમૃદ્ધ બની રહ્યાં છે

Wednesday 28th February 2024 05:01 EST
 

ભારતમાં 11 વર્ષના લાંબાગાળા બાદ 2022-23માં હાથ ધરાયેલા સરવેના આધારે ગ્રામીણ અને શહેરી પરિવારોની આવક અને તેમના દ્વારા કરાતા ખર્ચના આંકડા જાહેર કરાયાં છે. 1947માં ભારત સ્વતંત્ર થયો ત્યારે તેની ગણતરી એક કૃષિ પ્રધાન દેશ તરીકે થતી હતી. મોટાભાગની વસતી 6 લાખ કરતાં વધુ ગામોમાં વસવાટ કરતી હતી. વર્ષ 1901માં ભારતની 89 ટકા વસતી ગામોમાં અને 11 ટકા વસતી શહેરોમાં રહેતી હતી પરંતુ વધતા જતા ઔદ્યોગિકીકરણની સાથે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફનું સ્થળાંતર પણ અત્યાર સુધી અવિરત જારી રહ્યું છે. 2001માં શહેરોમાં વસનારા લોકોની સંખ્યા 28.53 ટકા અને 2011માં 31 ટકા પર પહોંચી ગઇ હતી. 2011 પછી ભારતમાં વસતી ગણતરી હાથ ધરાઇ નથી પરંતુ એક અંદાજ પ્રમાણે હાલ 40 ટકા વસતી શહેરોમાં વસવાટ કરી રહી છે. તાજેતરમાં જારી કરાયેલા ગ્રામીણ અને શહેરી પરિવારોની આવક અને તેમના દ્વારા કરાતા ખર્ચના આંકડા દર્શાવે છે કે શહેરી પરિવારોની સાથે સાથે ગ્રામીણ પરિવારોની આવક અને ખર્ચ શક્તિમાં પણ વધારો થયો છે. તેનો અર્થ એ થયો કે શહેરોની સાથે દેશના ગ્રામીણ વિસ્તારો પણ વિકાસના ફળ ચાખી રહ્યાં છે. પરિવારો સમૃદ્ધ બની રહ્યાં છે. તેમાં પણ વિશેષ ગ્રામીણ પરિવારોની ખર્ચ શક્તિમાં જબરદસ્ત વધારો થયો છે. આંકડા અનુસાર છેલ્લા 11 વર્ષના સમયગાળામાં શહેરી અને ગ્રામીણ પરિવારોની સરેરાશ માસિક માથાદીઠ ખર્ચશક્તિમાં બમણો વધારો નોંધાયો છે. 2011માં ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ માસિક ખર્ચશક્તિ રૂપિયા 1430 હતી જે 2022-23માં વધીને રૂપિયા 3773 પર પહોંચી છે. તેવી જ રીતે 2011માં શહેરી વિસ્તારોમાં માથાદીઠ માસિક ખર્ચશક્તિ રૂપિયા 2630 હતી જે 2022-23માં વધીને 6459 રૂપિયા થઇ છે. આંકડા અનુસાર ગ્રામીણ પરિવાર ખોરાક પાછળ 46 ટકા આવક અને શહેરી પરિવાર 39 ટકા આવકનો ખર્ચ કરે છે. તેનો અર્થ એ થયો કે  હવે તેઓ બિનઆવશ્યક વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરી શકે છે. આમ શહેરી પરિવારોની સાથે ગ્રામીણ પરિવારો પણ સમૃદ્ધ બની રહ્યાં છે. તેમ છતાં શહેરની મોહમાયા ઓછી થઇ રહી નથી. ગ્રામીણ વિસ્તારોમાંથી મહત્વાકાંક્ષી યુવાનોનો શહેરો તરફનો ધસારો યથાવત રહ્યો છે. એક અંદાજ પ્રમાણે 2047માં ભારતમાં ગ્રામીણ વસતી કરતાં શહેરોની વસતી વધુ હશે. વધતા ઔદ્યોગિકીકરણ અને ખેતી પ્રત્યેની નીરસતા આ વિષમતા પેદા કરી રહી છે. આગામી સરકારોએ આ વિષમતા પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ગ્રામીણ રોજગારની સાથે ગ્રામીણ વિકાસલક્ષી નીતિઓ અપનાવવી પડશે. તો અને તો જ ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનું સંતુલન જાળવી શકાશે અન્યથા ભારતના ગામડાં ભાંગી પડશે.


comments powered by Disqus