માલેઃ માલદીવ્સના દરિયાકાંઠે 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ. ભારતના તટરક્ષક જહાજો સમર્થ અને અભિનવ એ માટે માલદીવ્સ પહોંચ્યાં હતાં. શ્રીલંકન નેવી જહાજ સમુદુરાએ પણ આ કવાયતમાં ભાગ લીધો હતો. આ લશ્કરી કવાયતમાં બાંગ્લાદેશનું નૌકાદળ પરિવેશકની ભૂમિકામાં રહ્યું. હિન્દ મહાસાગરમાં સમુદ્રી ચાંચિયાઓ સામે લડત ચલાવવા અને અચાનક આવી પડતા પડકારોને પહોંચી વળવા માટે આ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી છે.
હિન્દ મહાસાગરના માલદીવ-શ્રીલંકાના કાંઠેથી ઘણો વેપાર થાય છે. એને વધુ સુરક્ષિત બનાવવા માટે આ લશ્કરી કવાયત થઈ, જેમાં ત્રણેય દેશોના તટરક્ષક દળો વચ્ચે સહયોગ વધારવાનો આશય હતો.
ભારત-માલદીવ વચ્ચે રાજદ્વારી તંગદિલી ચાલે છે, પરંતુ ભારતથી માલદીવ પહોંચેલા કોસ્ટગાર્ડના એડીજી એસ. પરમેશની આગેવાનીમાં પહોંચેલી ટીમનું માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સના અધિકારીઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

