મુંબઈઃ ભારત અને ચીન વચ્ચે LAC ખાતે પેટ્રોલિંગ ફરી શરૂ કરવા માટે સમજૂતી કરાઈ છે. બંને દેશો દ્વારા વિવાદિત પોઇન્ટ સહિત નક્કી કરેલા સ્થળેથી લશ્કરી દળોને પાછા ખેંચી લેવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હવે પછીનું સ્ટેપ બંને દેશો દ્વારા આ વિસ્તારમાં તંગદિલી ઓછી કરવાનું છે.
સોમવારે સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું કે, ભારત-ચીન સરહદે દેપસાંગ અને ડેમચોકમાં બંને દેશો દ્વારા દળો પાછા ખેંચવાનું કામ 80-90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. તેમાં તમામ પ્રકારનાં ઇન્ફાસ્ટ્રક્ચર હટાવવાનો અને બંને તરફ દળોની પીછેહઠ સામેલ છે. આ કામગીરી 29 ઓક્ટોબરે પૂર્ણ થઈ ચૂકી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે તંગદિલી ત્યારે જ ઓછી થશે, જ્યારે ભારતને વિશ્વાસ થશે કે ચીન પણ આવું જ ઇચ્છે છે. બોર્ડર પર તંગદિલી ઓછી કરવામાં આવ્યા પછી બોર્ડરને કેવી રીતે મેનેજ કરવી તે મુદ્દે ચર્ચા કરાશે. બોર્ડર પર દેપસાંગ અને ડેમચોક ખાતેથી પણ બંને દેશની સેનાને પાછી ખેંચી લેવાની કામગીરી ચાલુ છે. આ કાર્ય ટૂંક સમયમાં જ પૂરું થયા પછી તેની સત્તાવાર જાહેરાત કરાશે. જયશંકરે કહ્યું કે, જ્યારે બંને પક્ષો પૂર્વ લદાખમાં સીમા પર સેનાના માળખાને હટાવવાની પુષ્ટિ કરશે ત્યારે ડિસએન્ગેજમેન્ટની પ્રોસેસ પૂરી થયાની જાહેરાત કરાશે.
ટૂંક સમયમાં પેટ્રોલિંગ શરૂ કરાશે
જયશંકરે કહ્યું કે, હવે પૂર્વ લદાખની બોર્ડર પર ટૂંક સમયમાં જ પેટ્રોલિંગ શરૂ કરાશે. આ સાથે જ બંને દેશની સેનાને એપ્રિલ 2020ની સ્થિતિ સુધી પાછી લઈ જવામાં આવશે. સૈનિકો પાછા હટ્યા પછી ભારત અને ચીનની સેના એપ્રિલ 2020ની પેટ્રોલિંગની સ્થિતિ પર આવી જશે. જયશંકરે કહ્યું કે, અમે અમારી માગણીથી પાછા હટ્યા નહોતા. દેશની સુરક્ષા માટે સેના દરેક તબક્કે મહત્ત્વના સ્થળેથી ખસી ન હતી. આમ ભારતની કૂટનીતિ આમાં કામ કરી ગઈ હતી. છેલ્લા એક દાયકામાં આપણે બુનિયાદી માળખામાં સુધારા કર્યા હતા.

