આકરા ઇમિગ્રેશન નિયમોથી યુકેને જ નુકસાન

Wednesday 17th April 2024 05:59 EDT
 

ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા સુનાક સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં વિવિધ નિયંત્રણો અમલી બનાવાયાં છે ત્યારે તેની સીધી અસર બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય, અભ્યાસ કરવા આવતા ભારતીય વિદ્યાર્થીઓ પર થવાની છે. યુકેમાં ઇમિગ્રેશન પર આવતા વિદેશીઓમાં ભારતીયોનો સૌથી મોટો હિસ્સો છે. સુનાક સરકાર દ્વારા વર્ક, સ્ટડી અને ગ્રેજ્યુએટ રૂટ વિઝાના નિયમોમાં તાજેતરમાં કરાયેલા બદલાવોએ ભારતીયોમાં નારાજગી સર્જી દીધી છે. તેમનું માનવું છે કે આ સુધારાઓના કારણે યુકે આવેલા ભારતીયો પર વિપરિત અસર થવાની છે. ગ્રેજ્યુએટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓ અને યુકેની ઇન્ટરનેશનલ હાયર એજ્યુકેશન સિસ્ટમ માટે અત્યંત મહત્વની જરૂરીયાત અને ઓફર છે. પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સ્ટુડન્ટ્સ પર પોતાના આશ્રિતોને યુકેમાં લાવવા પર લદાયેલા નિયંત્રણો આશ્રિતોને બોલાવવા માગતા વિદ્યાર્થીઓ અને વિશેષ કરીને મહિલાઓ માટે મોટા ફટકા સમાન છે. કેર વર્કર્સ પર પણ પોતાના આશ્રિતોને યુકેમાં લાવવા પર કોઇપણ પ્રકારની આવક મર્યાદા વિના રોક લગાવી દેવાઇ છે. જાન્યુઆરી 2024થી શરૂ થયેલા વિવિધ નિયંત્રણોમાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા ભારતીયો હવે તેમના આશ્રિતને યુકેમાં લાવી શક્તાં નથી. ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા માટે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની રચના કરાઇ છે. ગ્રેજ્યુએટ રૂટ વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને અભ્યાસ પૂરો થયા બાદ કોઇપણ સ્પોન્સરશિપ વિના યુકેમાં બે વર્ષ રોજગારની પરવાનગી આપે છે. કમિટી આ વિઝાની જરૂરીયાતની સમીક્ષા કરી તેમાં જરૂરી બદલાવની ભલામણો કરશે. કદાચને તે આ વિઝા બંધ કરી દેવાની પણ ભલામણ કરે. જો તેમ થાય તો યુકેમાં અભ્યાસ કરવા આવતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર થઇ શકે છે. 2023ના આંકડા પ્રમાણે 3 લાખ ભારતીયોને વર્ક વિઝા અને 1.2 લાખ સ્ટુડન્ટ વિઝા જારી કરાયાં હતાં. સુનાક સરકાર યેન કેન પ્રકારે ઇમિગ્રેશન ઘટાડવા માગે છે પરંતુ તેના કારણે યુકેમાં હાલ કેર વર્કર, સ્કીલ્ડ વર્કર, સ્ટુડન્ટ વિઝા પર આવી ચૂકેલા ભારતીયો પર કેટલી વિપરિત અસર થવાની છે તેની પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે. ઇમિગ્રેશન પર યુકેમાં આવેલા અને આવનારા ભારતીયોના પરિવારો છિન્ન ભિન્ન થઇ જશે. આ પ્રકારના અણઘડ ઇમિગ્રેશન નિયંત્રણોથી યુકેને જ નુકસાન થવાનું છે તેમાં કોઇ શંકા નથી. જો વર્ક અને સ્ટુડન્ટ વિઝા પર આવનારા ભારતીયો પોતાના આશ્રિતોને યુકેમાં બોલાવી નહીં શકે તો તેઓ યુકેથી અન્ય સારું ઇમિગ્રેશન ઓફર કરનારા દેશો તરફ ચાલ્યા જશે. યુકેમાં આમ પણ કુશળ કામદારોની ભારે અછત પ્રવર્તી રહી છે ત્યારે આ પ્રકારનો નિયમ યુકેના વેપાર-ઉદ્યોગ અને અર્થતંત્ર માટે જ નુકસાનકારક નીવડશે. જો ગ્રેજ્યુએટ વિઝા રૂટ આકરો બનાવવામાં આવશે તો યુકેની યુનિવર્સિટીઓને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મેળવવા મુશ્કેલ થઇ પડશે. આમ પણ વિદેશી વિદ્યાર્થીઓની આવક પર જ નભી રહેલી યુકેની યુનિવર્સિટીઓ નાદાર થઇ જશે. તેની અસર વિદેશી વિદ્યાર્થીઓની સાથે ઘરેલુ વિદ્યાર્થીઓ પર પણ પડશે. યુકેને તેના વેપાર, ઉદ્યોગ, કૃષિ, યુનિવર્સિટીઓની ગાડી પાટા પર દોડતી રાખવા માટે ઇમિગ્રન્ટસ વિના છૂટકો નથી એ વાત દરેક સરકારે સમજવી જ પડશે. 


comments powered by Disqus