છેલ્લા 50 વર્ષથી એકબીજા સામે ખાંડા ખખડાવી રહેલા ઇઝરાયેલ અને ઇરાન આખરે યુદ્ધ મેદાનમાં સામસામે આવી ગયાં છે. સીરિયાના દમાસ્કસ ખાતેની ઇરાનની એમ્બેસી પર ઇઝરાયેલના હુમલા અને ત્યારબાદ બદલો લેવાની ભાવનાથી ઇરાન દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાને પગલે બંને દેશ વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. આ તણાવ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધમાં ધકેલી શકે તેવી સંપુર્ણ સંભાવના છે. જો ઇરાન ઇઝરાયેલ સામે પૂર્ણકક્ષાના યુદ્ધનો પ્રારંભ કરે તો અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમના દેશો પણ યુદ્ધમાં ઝૂકાવે તે વાતમાં કોઇ શંકા નથી. તેની સામે વર્તમાન સમયમાં ઇરાન, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની ધરી પશ્ચિમના આધિપત્ય સામે કામ કરી રહી છે. ઇરાનના સમર્થનમાં આ દેશો પણ યુદ્ધમાં ઝૂકાવી શકે છે. આમ આ ચિનગારી ક્યારે ભડકો કરે તે કહી શકાય નહીં. હાલ તો અમેરિકા અને પશ્ચિમના દેશો ઇઝરાયેલ પર વળતો પ્રહાર ન કરવા દબાણ કરી રહ્યાં છે પરંતુ ઇતિહાસ કહે છે કે ઇઝરાયેલ તેના અસ્તિત્વ માટે ગમે તે હદે જઇ શકે છે. હાલ પુરતું તો ઇઝરાયેલે ફક્ત એટલું જ કહ્યું છે કે ઇરાને આ હુમલાની નિશ્ચિત સમયે કિંમત ચૂકવવી પડશે. તેથી હવે સમગ્ર વિશ્વની નજર ઇઝરાયેલી પ્રત્યાઘાત પર ટકેલી છે. જોકે વિશ્વને હવે એક નવું યુદ્ધ પોસાય તેમ નથી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને ઘણા આંચકા પચાવવા પડ્યાં છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઇએ મોટો નરસંહાર જોયો છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ઘટાડવા પરદા પાછળની કૂટનીતિ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ વિશ્વ શાંતિ માટે જેની 25 ઓક્ટોબર 1945ના રોજ સ્થાપના કરવામાં આવી તે સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદની લાચારી આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. 193 સભ્ય દેશો ધરાવતા સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદ સૌથી પ્રભાવી અંગ ગણાય છે પરંતુ તાજેતરના સમયમાં વિશ્વમાં જે રીતે યુદ્ધ આકાર લઇ રહ્યાં છે તે જોતાં આ સંસ્થા જાણે કે તદ્દન લાચાર બનીને તમાશો જોઇ રહી હોય તેમ લાગી રહ્યું છે અને વિટો પાવર ધરાવતી મહાસત્તાઓ આ લાચારીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો કોઇ અંત દેખાઇ રહ્યો નથી. છેલ્લા 6 મહિનાથી ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇમાં હજારો નિર્દોષ માનવજિંદગીઓ હોમાઇ ગઇ છે. ત્યાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના ટકરાવે વિશ્વને વધુ એક યુદ્ધના આરે લાવીને ઊભું કરી દીધું છે. ત્યારે સવાલ એ છે કે સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદ શું કરી રહ્યાં છે. સુરક્ષા પરિષદમાં પાંચ મહાસત્તાઓના વીટો પાવરના કારણે આ સંસ્થા પ્રભાવી રીતે નિર્ણયો લઇ શક્તી નથી અને મહાસત્તાઓના ખેલને લાચારીથી નિહાળ્યા કરહે છે. એક રીતે જોઇએ તો વિશ્વ સંસ્થામાં મહાસત્તાઓની તાનાશાહી ચાલી રહી છે. તેમને પસંદ ન હોય તેવા પ્રસ્તાવને તેઓ વીટો દ્વારા ફગાવી દેતી હોય છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવાયેલા નિર્ણયો અભેરાઇ પર ચડી જાય છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર જાણે કે ફક્ત શાંતિની અપીલો કરીને સંતોષ માની રહ્યું છે. બે વર્ષથી ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને અટકાવવામાં સંયુક્ત રાષ્ટ્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. વિશ્વ સંસ્થાની લાચારી માનવજાતને મોંઘી પડી રહી છે.
