ઓલિયા કવિ મકરંદ દવે અને સાત પગલાં આકાશથી વધુ જાણીતા કુંદનિકા કાપડિયા વચ્ચેનો પત્રોનો વરસાદ અને પછી ભીની માટીની મહેક અનુભવતું તેમનું અદ્વૈત.. ગુજરાતી સાહિત્યની જ નહિ, વિશ્વ સાહિત્યની એક અનુપમ પ્રણય-ઘટના છે એમ કહું તો તેમાં ક્યાંય અતિશયોક્તિ નથી.
પરસ્પર પરિચય થાય, પછી પ્રેમ અને તેનો નાજુક વિરામ એટ્લે સહજીવન. એ દરમિયાનનો તેમનો સંવાદ અને સાહચર્ય બંનેની પોતાની શૈલી હોય છે, તે જાણવા માટે મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા વચ્ચેનો પત્રવ્યવહાર વાંચવા જેવો છે. કમનસીબે આપણે ત્યાં કેટલાંક પુસ્તકો-જે જિંદગીનો અનોખો દસ્તાવેજ પૂરો પાડીને સંજીવની-કર્મ સર્જે છે-તે પ્રચાર-પ્રપંચની આવડત ના હોય એટ્લે ભુલાઈ જાય છે. એવું એક પુસ્તક હમણાં હાથ લાગ્યું, બે વર્ષ પૂર્વે છપાયું છે, સમપદકોથી હું પરિચિત નથી એટ્લે આજકાલ ઓળખીતાઓને “પ્રોજેક્ટ” કરવાનો પ્રયાસ આમાં નથી. માત્ર પુસ્તકનો મર્મ, અને તે પણ આજે જેઓ આપણી વચ્ચે નથી-તે વિષે વાત કરવી છે.
“સાંઇ-ઈશા અંતરંગ “ તેનું શીર્ષક છે. સાંઇ એટ્લે સાહિત્યમાં આગવી ભાત પડનારા ઓલિયા કવિ મકરંદ દવે. પત્રકાર થી કવિ-લેખક અને અધ્યાત્મના “પિયાલા”થી તરબતર રહેલા કવિ. કુંદનિકા કાપડિયા એક સમર્થ વાર્તાકાર, નવલકથા અને ચિંતન લેખનની સાથે એક સમયે “નવનીત”નું કુશળ સંપાદન કરી ચૂકેલા, સરસ્વતીચંદ્ર નવલકથાના કલ્યાણ ગ્રામ જેવુ આદર્શ નંદીગ્રામના બંને વિશ્વકર્મા. એક ગોંડલમાં, બીજાં મૂંબઈમાં. 30 એપ્રિલ, 1968ના અક્ષય તૃતિયાના બંને લગ્નગ્રંથિથી જોડાયા, ત્યારે મકરંદભાઈ 46 વર્ષના હતા અને કુંદનિકા 42 ના. બંને વચ્ચેના અઢી હજાર પત્રોમાના કેટલાક લગ્ન પૂર્વેના છે. જૂન, 1965માં મકરંદભાઈએ લગ્નનો વિચાર મૂક્યો તે પહેલાં અઢળક પત્રોથી વિચારોનું આકાશ ખૂલી ગયું હતું. વચ્ચે બંનેની સમ્મતિ સથે પત્ર-મૌન રહ્યું. લગ્ન પૂર્વેના ફેબ્રુઆરી, 1967 થી એપ્રિલ, 1968 સુધીનો પત્રવ્યવહાર સુલભ બન્યો, પણ 1965થી 1967 વચ્ચેના પત્રો પ્રાપ્ય ના ત્રયા. છતાં અહી 254 પત્રોમાં બંને વચ્ચેનો સેતુ સર્જાયેલો અનુભવાય છે. આ સામાન્ય પ્રેમપત્રો તો ક્યાંથી હોય? તેમાં જીવનની ઊંડી સમાજ છે, વિચારોનું વહેણ છે, એકબીજાના ઉત્તમ ગુણોણો સ્વીકાર છે, વર્તમાનને ભવિષ્યમાં બદલાવવાનો શુભાશય છે, સાહિત્ય છે, આધ્યાત્મ છે, ગીત છે, સંગીત છે. સહજતાનું સૌંદર્ય અહી છ્લોછલ છે. લગ્નથી ત્રણ દિવસ પૂર્વે કુંદનિકા બહેન એક અંગ્રેજી કાવ્ય મોકલે છે.
કવિ અને ખુલ્લા મનના મકરંદ તો પ્રત્યેક પત્રોમાં દેખાય. સુરેશ દલાલે એકવાર પુછ્યછયું તો તેમણે કહ્યું: નિખાલસતાથી કહું તો એમાં અંદરની પ્રેરણા એ જ મહત્વનો ભાગ ભજવ્યો. કેટલીક પ્રેરણાઓમાં એક તો મારાં મા. “તું લગ્ન કર” એમ સીધું ન કહેતાં પણ “મારી આશા અધૂરી રહી જશે” એમ કહ્યાં કરતાં. પછી હું કહેતો ,”કરીશ, બ! મને જ્યારે યોગ્ય લાગશે, અમને એકબીજાને યોગ્ય લગીશું ત્યારે લગ્ન કરીશ.”પછી મને મનમાં ફણગો ફૂટ્યો એમાં મને આંતરિક રીતે કેટલીક વસ્તુ સૂઝવા મંડી એટ્લે મે કુંદનિકાને પત્ર લખ્યો. એ તો આશ્ચર્યચકિત થઈ ગઈ! આ તે કેવી રીતનો માણસ છે? આમાં મે કોઇની સાથે વાત કરી નહોતી. કોઈને પૂછીણે પ્રેમ કરવા બેસીએ એ પ્રેમ જ નહિ.”
પત્રોમાં અગાધ અને અઢળક એવું ઘણું બધુ છે. કવિ છે એટ્લે કુંદનિકાને સંબોધે છે અલગ, અલગ સ્વરૂપે: પ્રિય કે., કુનોબા,ઓ વહાલ, કુનુ, કુન્ન્બા, નાની, કુંદન, પ્રિયંવદા, પ્રિયમ,મનીકુ… પહેલો પત્ર 1 જૂન, 1965. કુંદનિકબહેનના શબ્દોમાં “વાદળી રંગના કાગળ પર , કાળી શાહીથી લખેલ ..” પત્ર. (પ્રેમનો એકરાર પણ કેવો? “એ દિવસે આશ્ચર્યના એક કંપથી વિશેષ કશું જ નહિ. પછી એક યાત્રા શરૂ થઈ-પત્રોની યાત્રા. એ યાત્રામાં કેટકેટલી મુશ્કેલીઓ પડી, કેવો દૂસહ તાપ વેઠયો, રાત્રિના મૌન અન્ધકારમાં હ્રદય બુઝાયું, કેવા આક્રંદ અને ઝંખનાના ચીટકરથી અંતર વીંધાયું. મારાં પ્રિયતમ, મારા સકળ હ્રદયના આનંદ, વિશ્વાસ અને પ્રેમનો સ્વીકાર કરો.” એક પત્રમાં તો મકરંદ દવે ત્રણ સંબોધન મૂકે છે, પ્રિય, પ્રિયતર, પ્રિયતમ. બીજાં પત્રમાં પ્રાણપ્રિયા. બહુ ઓછા પત્રોમાં તું એસએચબીડી છે, એક પત્રમાં મકરન્દભાઈને લખે છે: “જીવનમાં આપણને શનિ શોધ છે? તમને તો તમારા ભગવાન મળેલા છે. મને -મને શાની શોધ છે? કશાક ઊંડાણોમાં ઉતારવાની. કશીક ઊંચાઈએ ચડવાની. મને ખબર નથી કે તે શું છે? પણ વધુ સુંદર જિંદગી. જિંદગીના રહસ્યને પામવાનો માર્ગ, .. આપણો વાસ પરસ્પરના હ્રદયમાં અને વહેતા જીવનમાં. તારે માટે મારું મન ઝંખે છે, કૈંક વધુ ઊંડાણ, ઊર્ધ્વ, અધિક સત્ય અને સૌંદર્યને.”
મકરંદ-પત્રો તો અઢળક કાવ્યો, ગીતો, સુભાષિતો, ગોચર અગોચરની વાતો, હાસ્ય, ચિંતન..નો ગિરનાર છે જાણે. “હરિપ્રિયા”, “કુંદા” “કલ્યાણી”. “સખી”, “મિત્ર”ની ઉત્કંઠા આધુનિક મૈત્રેયીના પ્રશ્નો જેવી છે. તેનું ગદ્ય જુઓ:”પાનખરના દિવસો વધુ ગમે. આકાશ ચોક્ખુ થઈ જાય. વૃક્ષના પાન બધાં ખરી જાય. પૃથ્વી ધૂંધળા રંગોથી ઉભરાય. ઠંડીના ધીમા પગલાં બપોરની ગરમીના ખંડમાં પ્રવેશી જાય. આકાશમાં રાત વહેલી આવે..રસોડામાં પાસે ઊભા રહેવાનુ. કામ બધાં પડતાં મેળશે. તારું ભૂખરું પંખી મારી ઝંખનાને બારણે કેવો તો ટહુકો કરે છે! “
અહી પ્રશ્નો છે, ભય છે, વિષાદ છે, સ્નેહ છે.. કવિતા અને ગદ્ય બંને એકબીજાને જાણવા તલસતા હોય તેનો અંદાજ આપે છે. જન્મ કુંડળીમાં મેળ નથી એવું જાણ્યા પછી પણ પરસ્પરના પ્રેમના ભરોસે આગળ વધવું તે આ સાઈ અને ઈશાની સંવેદના-યાત્રા ગુજરાતી સાહિત્યનુ એક યશસ્વી પ્રદાન છે, તેના બંને સંપાદકો મીનુ ભટ્ટ અને વિમલ દવેને અભિનંદન!

