બ્રિટનમાં વૃંદાવન: પ્રેસ્ટન

બાદલ લખલાણી Wednesday 17th April 2024 07:22 EDT
 
 

ગુજરાત સમાચારની યશકલગી ‘સોનેરી સંગત’ને લોકો દ્વારા ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ રહી છે, જે અંતર્ગત આપણે કેન્યા બાદ અબુધાબીની મુલાકાત લીધી. તે જ મુજબ 11 એપ્રિલે ગુજરાત સમાચાર દ્વારા ખાસ ‘પ્રેસ્ટન’માં ગુજરાતીઓના વિશેષ ઇતિહાસ અંગે ચર્ચાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ શ્રી સી.બી. પટેલે કહ્યું કે, દેશમાં મારું વતન ભાદરણ, પરંતુ બ્રિટનમાં મારું વતન પ્રેસ્ટન ગણું છું. આજે આપણે પ્રેસ્ટનમાં ગુજરાતી સમુદાયના ઇતિહાસ અંગે જાણીશું. આ કાર્યક્રમમાં દશરથભાઈ, ઈશ્વરભાઈ, હસમુખભાઈ, માનનીય ભાનુબહેનને કાર્યક્રમનો હિસ્સો બનવા બદલ ખૂબખૂબ ધન્યવાદ.
ઇંગ્લેન્ડના નકશામાં પ્રેસ્ટન એક નાના ટપકા જેવડું જ છે, પરંતુ તે વર્ષોથી સિટી ઓફ પ્રેસ્ટન છે.
બ્રિટનના ઇતિહાસમાં આપણા ભારતીયો અને ગુજરાતીઓનું જે સ્થળાંતર થયું, તેમાં ઇસ્ટ આફ્રિકા પહેલાં આપણા દક્ષિણ ગુજરાતીના ભાઈબહેન બ્રિટન આવ્યા. કેટલાક બ્રેડફર્ડ ગયા, તો કેટલાક લેન્કરશાયર અને માન્ચેસ્ટરમાં પણ ગયા.
મેં પ્રેસ્ટનનાં પ્રથમ દર્શન કર્યાં 7 ઓક્ટોબર 1976ના દિવસે. અમારા તે વખતના તંત્રી વિપુલભાઈ કલ્યાણી અને હું એક નાની ગાડીમાં પ્રેસ્ટન ગયા. એ વખતે મોટર વે કે જીપીએસ સિસ્ટમ નહોતાં. અમે પ્રેસ્ટન પહોંચ્યા અને ત્યાં જૂની શાળામાં આયોજિત તુલસીવિવાહમાં જોડાયા. મેં પહેલી વખત ત્યાં કોઈ જ્ઞાતિભેદ ન જોયો. એ સમયે 600 જેટલા ગુજરાતીઓ પ્રેસ્ટનમાં હતા. બ્રિટનમાં સનાતન મંદિરમાં મોટું કામ પ્રેસ્ટને કર્યું છે. હું માનું છું કે પ્રેસ્ટનનો ઇતિહાસ આપણને સૌને પ્રેરણા આપે છે.
પ્રેસ્ટનવાળા મહેમાનગતિ ખૂબ સારી કરતા હતા. પ્રેસ્ટનનો ઇતિહાસ અને ભૂગોળનું સ્થાન મહત્ત્વનાં હોવાથી આપણા ગુજરાતીઓ ત્યાં વસેલા છે. અમારા પ્રેસ્ટન મંદિરના પૂજારી પૂજ્ય શ્રી હસમુખભાઈ પાઠકને હું વિનંતી કરું છું કે આપ પ્રાર્થના કરો, પરમાત્માની કૃપા આપણા સૌ માટે જરૂરી છે.
શ્રી હસમુખભાઈ પાઠકે ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ...’ પ્રાર્થનાનું પઠન કર્યું હતું, જે બાદ સી.બી. પટેલ દ્વારા ગુજરાત સમાચાર અમદાવાદના બ્યૂરો ચીફ નિલેશભાઈ પરમાર દ્વારા સમાચારોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં સી.બી. પટેલે જણાવ્યું કે, પ્રેસ્ટનની વાત તો ઘણી કરી શકાય, પણ જ્યારે હું 7 ઓક્ટોબર 1976એ પ્રથમ વખત પ્રેસ્ટન ગયો, ત્યારે ત્યાં વસંતભાઈ, સોમભાઈ અને છોટાભાઈ લીંબાચિયા સહિત બેથી 3 યુવકોને મળ્યો. એ સમયે ભાનુબહેનને પણ મેં જોયાં હતાં. તેઓ એક ઉત્સવમાં રસોડામાં જમવાનું બનાવતાં દાઝી ગયાં હતાં, પરંતુ ઘરે નહોતાં ગયાં. તે અંગે તમને અને તમારા પરિવારને હું નમસ્કાર કરું છું. ચારુબહેન રિચર્ડ હેનકોક અને તેમના બ્રિટિશ ક્વોલિફાઇડ એકાઉન્ટન્ટ પતિ વર્ષોથી પ્રેસ્ટનની ઘણી સેવા કરે છે. પ્રેસ્ટનમાં ઇશ્વરભાઈ ટેલર પાયાના પથ્થર છે, ત્યાં દશરથભાઈ નાયી પણ હાજર છે. હું ઇશ્વરભાઈ ટેલરને પૂછવા માગું છું કે પ્રેસ્ટનમાં આપણી ગુજરાતી સોસાયટી પ્રેસ્ટનની સ્થાપના ક્યારે થઈ?
જય શ્રીકૃષ્ણ અને જય સીયારામને લલકારી ઇશ્વરભાઈ ટેલરે સી.બી. પટેલના સવાલનો ઉત્તર આપતાં જણાવ્યું કે, કોટસની ભારતના ઘણા હિન્દુ ભાઈઓ અહીંની કોટન મિલમાં કામ કરવા આવ્યા હતા. પ્રેસ્ટનમાં પહેલાથી ટેક્સટાઇલની કન્ટ્રી છે અને ત્યાં એક મોટી ફેક્ટરી હતી. જેમાં કામ માટે લોકોની ખાસ જરૂર હતી. જેમાં આપણા ભાઈઓ સાહસ કરી 1950 અને 60ના દાયકામાં અહીં સેટલ થયા હતા. 1964માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું જેમાં સૌએ એકત્ર થઈ શક્ય તેટલું ફંડ એકઠું કરવાનો નિર્ણય કરી દેશસેવાનો નિર્ણય કર્યો હતો. આ હેતુથી ગુજરાતીઓ એકત્ર થયા હતા. તે સમયે 1966માં 50થી 60 પરિવાર હતા. જયરામભાઈના ઘરે વસંતભાઈ અને સોમભાઈ સહિતના તમામ ગુજરાતીઓ મળ્યા અને સોસાયટી બનાવવા અંગે નક્કી કરવામાં આવ્યું હતું, જેનું નામ ‘ગુજરાત હિન્દુ સોસાયટી’ અપાયું. આ નામ એટલે અપાયું હતું કે તેમાં સામેલ તમામ ગુજરાતી અને હિન્દુ હતા, જે બાદ સોસાયટીનું કામ શરૂ થયું.
1965માં સોસાયટીની સ્થાપના બાદ વિવિધ ઉજવણી કરતા હતા. અહીં ગુજરાતીઓની વસ્તી વધતાં સમયાંતરે વધુ સુવિધાની જરૂર જણાઈ હતી. 1972માં ઇદી અમીને ઇસ્ટ આફ્રિકાથી આપણા લોકોને બેઘર કર્યા, ત્યારે પણ કેટલાક લોકો પ્રેસ્ટન આવ્યા હતા. 1972-74 સુધીમાં ત્યારની કમિટીમાં વસંતભાઈ, ગોવિંદભાઈ, છોટાભાઈ તમામ હાજર હતા. ખુશાલભાઈ અને તેમના ભાઈઓ મ્યુઝિક ગ્રૂપમાં હતા અને નવરંગ કલા નામનું જે ગ્રૂપ હતું, જે બીબીસીના મહેન્દ્ર કૌલના કાર્યક્રમના પ્રસારણ માટે પસંદ પણ કરવામાં આવ્યું હતું.
પ્રેસ્ટન ધીમેધીમે વિકાસ પામ્યું છે. આપણા લોકોની સંગઠન ભાવના અને જોશ જોઈ મિટિંગમાં નક્કી કરાયું કે આપણે જગ્યા શોધવી જોઈએ. જે મુજબ બ્રોડગેડમાં આવેલી બંધ થયેલી 75 વર્ષ જૂની સેન્ટ સ્ટિવન સ્કૂલ 1974માં લેવાનો નિર્ણય લેવાયો. તે સમયે ગુજરાત હિન્દુ સોસાયટીના એકાઉન્ટમાં 950 પાઉન્ડ જ હતા, અને આ બિલ્ડિંગની કિંમત 17,100 પાઉન્ડ હતી. આ સમયે લોન માટે અમે બેન્ક પાસે ગયા, જો કે બેન્કે અમારી ક્રેડિબિલિટી ન હોવાનું જણાવી લોન આપવા ઇનકાર કર્યો હતો.
આ સમયે મંદિરના 4 ટ્રસ્ટીઓએ પોતાનાં ઘર ગેરંટીરૂપે મૂકવા તૈયારી દર્શાવી. અમારે ગમે તે ભોગે આ જગ્યા મેળવવી જ હતી, જે પ્રતિબદ્ધતાથી આપણું સેન્ટર લેવાયું હતું. આ જૂની સ્કૂલ પર અમારે એક્સટેન્શન પણ કરાવવું પડ્યું હતું, જેથી અમે મોટો હોલ અને મંદિર જોડી શકીએ. ફેબ્રુઆરી 1975માં જ્યારે અમને ચાવી મળી, ત્યારે આપણી કોમ્યુનિટીના સુથાર, ઇલેક્ટ્રિશિયન જેવાં કામ સ્વયંસેવક ભાઈ-બહેનોએ એકત્ર થઈ તમામ કામ પૂર્ણ કર્યું હતું.
સાથોસાથ આપણને પ્રેરણા આપનારા એક સ્વજન પ્રેસ્ટનમાં કથા કરવા એક કથાકારને લઈ આવ્યા હતા. વડીલોએ ભગતજીને આપણા ડાયરા અંગેનું સૂચન માગ્યું. રામભક્તે સનાતન ધર્મની સ્થાપના લેસ્ટરમાં કરી હતી, જે બાદ પ્રેસ્ટનમાં પણ મદદ કરવાની પણ પ્રેરણા મળતાં અહીં મંદિરનું નિર્માણ હાથ ધર્યું હતું. રામભક્ત એક ભજનિક હતા પરંતુ તેમણે યુકેમાં 13 મંદિરની સ્થાપના કરી છે.
પ્રેસ્ટનથી દશરથભાઈએ પણ તમામને મંદિર અંગે માહિતી પૂરી પાડી હતી. દશરથભાઈએ જણાવ્યું કે, મંદિર લીધા બાદ ભગવાનની વ્યવસ્થિત સેવા-પૂજાની અમારા વડીલ છોટા કાકાને ખૂબ ધગશ હતી કે, ‘આપણા ધર્મનો આપણે યોગ્ય રીતે ફેલાવો કરવો જોઈએ.’ જે મુજબ હાલમાં ભગવાનની નિયમિતપણે સેવા-પૂજા થાય. બાળકો માટે ગુજરાતી સ્કૂલ, યુવાનો માટે યૂથ ક્લબ સહિતની પ્રવૃત્તિઓ ચલાવાય છે. બહેનો માટે પણ ભજન-કીર્તન અને વૂમન એક્ટિવિટી કરવામાં આવે છે. કોમ્યુનિટીમાં હેલ્થ અવેરનેસ લાવવા હેલ્થ સેમિનાર સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિનો લાભ પ્રેસ્ટનની જનતા અને આસપાસના વિસ્તારોના ભારતીયો અને સ્થાનિક લોકો લઈ રહ્યા છે.
મોરારિબાપુ શરૂઆતમાં લંડન અને લેસ્ટરમાં જ કથા કરતા હતા અને પ્રેસ્ટનના ગુજરાતીઓને આ કથાનો લાભ મળતો નહોતો. છોટાકાકાએ ગુજરાત સમાચારના સી.બી. પટેલ, સુરેન્દ્રભાઈ અને નટુભાઈ પટેલને વાત કરી અને એક મિટિંગ કરી બાપુને વિનંતી કરી કે બાપુ તમે નોર્થમાં આવો અને તમારી વાણી અને જ્ઞાનનો લાભ આપો. જે વિનંતી બાપુએ સ્વીકારી.
એ સમયે થયું એવું કે ગુજરાતમાં અનાવૃષ્ટિ થઈ હતી. બાપુની કથા દરમિયાન સલાહકાર સી.બી. પટેલ, રામબાપા, છોટુભાઈ પટણી, સુરેન્દ્રભાઈ, નટુભાઈ પટેલે વિચાર કર્યો કે આપણને તક મળી છે કે કથાની સાથે લોકોપયોગી પ્રોજેક્ટને આકાર આપીએ. જે બાદ જાહેરાત કરવામાં આવી કે, આ કથાથી જે પણ આવક થશે, તેને અનાવૃષ્ટિ ફંડમાં વાપરવામાં આવશે, જે અંતર્ગત અમે ભારતમાં 23થી 24 પ્રોજેક્ટ કર્યા. આ કથામાં અમને 1 લાખ પાઉન્ડ કરતાં વધારે આવક થઈ હતી, જેને સેવાકાર્યમાં વાપરવામાં આવ્યા. જેનો હિસાબ મોરારિબાપુને આપતાં તેઓ પણ અમારા સેવાકાર્ય આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તે અનુસંધાને અન્ય કથા પણ આપી.
અમારી 75 વર્ષ જૂની ઇમારતના ખર્ચા પણ વધી રહ્યા હોવાથી 1995 બાદ કમિટીએ મંદિર, બિલ્ડિંગ અને કોમ્યુનિટી સેન્ટર નવાં બનાવવાનો નિર્ણય કર્યો, જે અનુસંધાને એક પ્રોજેક્ટ બનાવી પ્રિફિઝિબિલિટી પ્રમાણે ડ્રોઇંગ કરવામાં આવ્યાં.
ઇશ્વરભાઈ ટેલરે અન્ય એક્ટિવિટી પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આપણે નક્કી કર્યું હતું કે, નોર્થવેસ્ટના ગામોના મંદિરોને ભેગાં કરવાં. અમારા દ્વારા વીકેન્ડનો એશિયન યૂથ ફેસ્ટિવલ બનાવ્યો હતો, જેમાં રમત-ગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ તેમાં યોજાતા હતા. સંસ્થાએ આ કાર્યક્રમ યંગસ્ટર્સ માટે ઓર્ગેનાઇઝ કરી હતી, જેમાં તેમણે જ ફંડ એકઠું કરવાનું. તે બાદ 1980માં ક્વિનની સિલ્વર જ્યુબિલીના અવસરે યોજાયેલા કલ્ચરલ પ્રોગ્રામમાં આપણને આમંત્રણ પાઠવાયું હતું. આ પ્રસંગે ત્યાં આપણા સાંસ્કૃતિક નૃત્યનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મને લોર્ડ લેફ્ટનન્ટ સાઇમન્ડ ટાઉલી મળ્યા હતા, જેમણે આપણા સેન્ટરની મુલાકાત લેવા માટે ઇચ્છા દર્શાવી હતી. તેઓ જ્યારે 1980માં આપણા સેન્ટરમાં આવ્યા ત્યારે આપણો ગીતા હોલ બની રહ્યો હતો.
એકદમ તેમણે જણાવ્યું કે, પ્રિન્સ ચાર્લ્સ લેન્કશાયર આવવાના છે અને અમારી ઇચ્છા છે કે તમારા સેન્ટરની મુલાકાત પણ તેઓ કરે. આ સમયે પણ સી.બી. પટેલ સહિત છોટુભાઈ પટણી, લોર્ડ નવનિતભાઈ ધોળકિયા સહિતના મદદ કરનારા તમામ મહાનુભાવો પણ હાજર હતા. અમને કહેવાયું હતું કે, પ્રિન્સ ચાર્લ્સની વિઝિટ 40 મિનિટની છે, જો કે લોકોને મળવામાં તેમને અહીં 1 કલાક અને 5 મિનિટ થઈ ગઈ હતી. આ સમયે મેં અમારાં તમામ કામ તેમને દર્શાવ્યાં હતાં, આ એક ઐતિહાસિક ઘટના હતી.
પ્રિન્સ ચાર્લ્સ ગીતા હોલથી ખૂબ પ્રભાવિત થયા હતા, કારણ કે તેમને ગીતામાં ખૂબ રસ હતો. આપણા એક હિન્દુ તેમને ગીતા શિખવાડવા બકિંગહામ પેલેસ જતા હતા. આમ આ એક બહુ મોટો પ્રસંગ બની ગયો હતો.
મિલેનિયમ કમિશનની જાહેરાત થઈ કે તેઓ દ્વારા બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે નાણાં ખર્ચાશે, ત્યારે અમે પણ વિચાર કર્યો કે આપણે મોટું સેન્ટર બનાવવું જ છે તો તે અંગે પ્રયાસ કરીએ. તે સમયે અમારી પાસે 3 લાખ પાઉન્ડ બેન્કમાં જમા હતા. આમ અમારી પોઝિશન મજબૂત હતી. પહેલાં ચાર પેજની એપ્લિકેશન હતી, જેના માટે અમને 5 હજાર પાઉન્ડ નક્કી કરાયા હતા, જે બાદ 20 પેજનો બિઝનેસ પ્લાન મોકલ્યો હતો અને એક વર્ષનું એપ્રેઝલ કરવામાં આવ્યું હતું. આ એપ્રેઝલ ચાલી રહ્યું હતું ત્યારે તેઓ દ્વારા પ્રશ્ન પૂછાતા હતા કે, ‘અત્યારે તમારું સેન્ટર સાડા છ હજાર સ્ક્વેર ફૂટ છે અને 24 હજાર સ્ક્વેર ફૂટ તમે બનાવવાના છો તેનો તમે શું ઉપયોગ કરશો? કાલે આ સંસ્થા સફેદ હાથી સમાન તો નહીં બની જાય?’ જે બાદ તમામ પ્રવૃત્તિ અને ડાન્સ સ્કૂલ સહિતનો અમારો સમગ્ર પ્લાન તેમને દર્શાવવામાં આવ્યો હતો.
આપણો આ પ્રોજેક્ટ 4 મિલિયન પાઉન્ડનો હતો, જેમાંથી 1.7 મિલિયનની આપણને ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટ યુકેમાં તે સમયે માઇનોટિરિટી માટેની સૌથી મોટી હતી.
સાથોસાથ આપણે એક મિલિયન પાઉન્ડની લોન લીધી હતી અને ફંડ ઊભું કરવામાં સી.બી. પટેલ, સુરેન્દ્રભાઈ, છોટુભાઈ પટણી, મનુભાઈ માધવાણી દ્વારા એક મિટિંગ યોજાઈ, જ્યાં અમે બિઝનેસ પ્લાન રજૂ કર્યો અને હિન્દુજા બ્રધર્સે પણ અમને 50 હજાર પાઉન્ડની ગ્રાન્ટ આપી.. મનુભાઈ માધવાણીએ £51,000 અને સી.બી. પટેલે £27,500ની સખાવત કરી હતી. આધારશિલા રાખવાની હતી ત્યારે શ્રીકૃષ્ણ શંકર શાસ્ત્રી, સચ્ચિદાનંદ સ્વામી, મનુભાઈ તેમજ શારદાબેન માધવાણીને વિશેષ આમંત્રણ અપાયું હતું.
અમારા દ્વારા કરાયેલા યજ્ઞનું જ આ ફળ છે. 1998થી શરૂ થયેલું કામ નવેમ્બર 1999માં પૂર્ણ થયું હતું. 1 જાન્યુઆરી 2000એ આપણા નવા સેન્ટરમાં વાસ્તુ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં દશરથભાઈ બેઠા હતા. તેમના હસ્તે જ આપણા આ કાર્યનો પ્રારંભ થયો હતો. આ નિમિત્તે મનુભાઈ માધવાણી અને સી.બી. પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી.
દશરથભાઈએ વધુ ઉમેરતાં જણાવ્યું હતું કે, અમારા દ્વારા નક્કી કરાયું કે ઉપર સ્કૂલ અને નીચે મોટો હોલ બનાવવામાં આવે, જે કોન્ફરન્સ અને સેમિનાર અંગે પણ વપરાય છે. સ્કૂલમાં એક સમયે 60થી 70 ટકા હાજરી હતી, પરંતુ કોરોનાકાળ બાદ હાજરીમાં ઘટાડો નોંધાયો છે. જો કે હવે તેમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે. સબસિડરી કંપની જીએચએસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા ફંડ એકઠું કરવામાં આવતું, જેનો સંસ્થા દ્વારા ઉપયોગ કરવામાં આવતો. આમ આ સંસ્થા પાસે સારા એવા પૈસા અને સારી બિલ્ડિંગ છે. આ ઇમારતનો ઉપયોગ આપણી કોમ્યુનિટી તો કરે જ છે, સાથોસાથ સ્થાનિક બ્રિટિશ નાગરિકો પણ કરે છે.
સાચું કહું તો બ્રિટનના એક નાનકડા શહેરને વિશ્વનામના અપાવવાનો શ્રેય સી.બી. પટેલ અને ગુજરાત સમાચારને જાય છે. જો તેમનું પીઠબળ પ્રાપ્ત ન થયું હોત તો અમારી લાગણીઓ સીમિત રહી જાત. અમને બધાને સી.બી. પટેલ અને ગુજરાત સમાચારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહિત કર્યા કે તમે આગળ વધો. સી.બી. પટેલ વારંવાર કહેતા હોય છે કે, મારું વતન ભારતમાં ભાદરણ અને યુકેમાં પ્રેસ્ટન છે. એ જ પ્રકારે અમે પણ એકબીજાને અપનાવ્યા છે. તેમની સાથે સુરેન્દ્રભાઈ પટેલ, નટુભાઈ, છોટુભાઈ પટણી અને રામબાપાને પણ ભુલાય તેમ નથી.
સી.બી. પટેલ અને અમે તમામે ઇન્ડિયન હાઇ કમિશનર એલ.વી. સિંઘવીના લંડનના સત્તાવાર ઘરે જઈને સત્યનારાયણની કથા પણ કરી છે. ત્યાં અન્ય મહેમાનોને પણ આમંત્રિત કર્યા હતા અને તેમને આપણે પ્રોજેક્ટ માટે માહિતી પણ આપી હતી, જેમણે વિશ્વાસ કેળવી અમને ફંડ પણ પૂરું પાડ્યું હતું. લોર્ડ પોપટે પણ અમને મદદરૂપ થઈ અમને ફાળો આપ્યો હતો. જ્યારે બિલ્ડિંગ તૈયારી થઈ ગયું ત્યારે અમારી પાસે એક મિલિયન પાઉન્ડ ખૂટી રહ્યા હતા. જેને પૂર્ણ કરવા કમિટીએ એચએસબીસી બેન્ક પાસેથી 10 વર્ષના સમયગાળાની લોન લીધી હતી. જે બાદ અમે ક્લબ ફોર થાઉઝન્ડની સ્કીમ બનાવી, જેમાં 250-250 પાઉન્ડથી લોકોને મેમ્બર બનાવી 10 મર્સિડીઝ કાર ઇનામમાં આપેલી. આ રીતે અમે આશરે 3થી 4 લાખ પાઉન્ડ એકત્ર કર્યા હતા. આ રીતે અમે 6 વર્ષમાં અમે અમારું એક મિલિયન પાઉન્ડનું દેવું બેન્કને ભરપાઈ કરી દીધું.
ઇન્ટરનેશનલ અને લોકલ ચેરિટી અંગે ઇશ્વરભાઈ ટેલરે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ ચેરિટીમાં આપણે ઇન્ડિયામાં 2 જગ્યા એડોપ્ટ કરી છે. એક દ્વારકામાં સ્વામી કેશવાનંદજીને સનાતન સેવામંડળ અને ચાણોદમાં જ્ઞાનસાધના આશ્રમ. આ બંને સ્થળે આપણે તમામ પ્રકારનો સપોર્ટ કરીએ છીએ.
સી.બી. પટેલે ઇશ્વરભાઈ ટેલર અને દશરથભાઈને ઉદ્દેશીને કહ્યું કે, અલ્પસંખ્યકો શ્રદ્ધા રાખીને જે કાર્ય કરે તેમાં પ્રેસ્ટન એક ઉદાહરણરૂપ છે. તમે તમામ સેવાકાર્યોમાં અગ્રેસર છો, બ્રિસ્ટલ તેમજ બર્મિંગહામના મંદિરોની જગ્યાની સફાઈ સહિત બર્મિંગહામ, લંડનમાં હરેકૃષ્ણ મંદિર, ડાયરેક્ટ ફ્લાઇટ જેવા અનેક સેવાકાર્યો દ્વારા મેં પોતે અનુભવ્યું છે.
આવતા સમયમાં આપણે લોકોને આકર્ષતા અને સ્પર્ષતા અનેક ઝૂમ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ, ઘણાં સૂચનો પણ મળ્યાં છે. આવતા મહિનામાં ગુજરાતી ભાષા, આરોગ્ય અને રાજકારણ કરવાના છીએ. ઉપરાંત આવતા અઠવાડિયે 18 એપ્રિલે મુખ્ય 3 કાર્યક્રમ થવાના છે. જેમાં આપ સૌ સહકાર આપતા રહેજો.
ગુજરાત સમાચારના એડિટર મહેશ લીલોરીયાએ આભારવિધિ કરતાં જણાવ્યું કે, સી.બી. પટેલે કહ્યું તેમ ગુજરાત હિન્દુ સોસાયટીનું મંદિર માત્ર મંદિર જ નહીં, પરંતુ સનાતન ધર્મને સાચવનારો અને તેની પ્રતિષ્ઠાને આકાશને અંબાવનારું પવિત્ર સ્થળ છે. આપ સૌને ખૂબખૂબ વંદન, તમે ખૂબ સુંદર કાર્ય કરો છો. મને આનંદ થાય છે કે તમારા આ સુંદર કાર્યની પ્રસિદ્ધિ માટે અમે પણ નિમિત્ત બનીએ છીએ.
આવતા ગુરુવારે સોનેરી સંગત કાર્યક્રમમાં જોડાવાનું ન ભૂલતા. રામનવમી, સ્વામિનારાયણ જયંતી, મહાવીર જયંતી અંગે સોનેરી સંગતમાં જ્ઞાનપ્રદ વાતોની રંગત જામશે.

યુ-ટ્યૂબ પરના આપણા "સોનેરી સંગત" એપિસોડ્સ માત્ર એક અઠવાડિયાની અંદર 6000 વ્યૂઝનો આંકડો વટાવી ગયા છે, જેની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે. તમે અમારા પર જે પ્રેમ અને વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી અમે ખરેખર અભિભૂત થયા છીએ.
જે કોઈ લોકોને હજુ સુધી સોનેરી સંગત કાર્યક્રમ જોવાની તક નથી મળી, તેઓ યુ-ટ્યૂબ ચેનલ @abplgroup8772 જોઈ શકે છે, અથવા અમારા તમામ પાછલા એપિસોડને જોવા માટે QR કોડ સ્કેન કરો અને આવનારા એપિસોડ માટે જોડાયેલા રહો. (આપના સૌ મિત્રો - પરિવારને ‘સોનેરી સંગત’માં જોડાવા આગ્રહ કરવા વિનંતી છે.)


comments powered by Disqus